aapne ek pul bandhiye - Free-verse | RekhtaGujarati

આપણે એક પુલ બાંધીએ

aapne ek pul bandhiye

યોગેશ જોષી યોગેશ જોષી
આપણે એક પુલ બાંધીએ
યોગેશ જોષી

તો ચાલો,

આપણે એક પુલ બાંધીએ,

નદી હોય તેથી શું?

પુલ બાંધીએ તો

કદાચ નદીને મન થાય

આપણા ગામમાં આવવાનું...

એવું કોણે કહ્યું કે

નદી પર્વત પરથી આવે?

મારા ગામમાં તો

નદી દરિયામાંથી પણ આવે.

દરિયો અને આકાશ

આપણા જેટલાં નિકટ છે.

સાચે જ,

પંખીઓને માળા સાથે

એટલો સંબંધ નથી હોતો

જેટલો આકાશ સાથે હોય છે.

મને તો હવે

મૃગજળમાંય

માછલીઓ, શંખ ને છીપલાં

દેખાય છે!

શું સમજો છો તમે મૃગજળને?

એમાં ડૂબકી મારીને

તળિયેથી મોતી પણ લાવી શકાય.

જો સાચા મનથી

ડૂબવું મનથી

ડૂબવું હોય તો

કાળમીંઢ ખડકમાંયે ડૂબી શકાય;

હવામાંયે કશુંક વાવી શકાય;

પાણીના એક ટીપાથી તો

ડુંગરોના ડુંગરો તોડી શકાય.

આવો છો? બોલો?

તો ચાલો,

આપણે એક પુલ બાંધીએ.

સ્રોત

  • પુસ્તક : યોગેશ જોષીની કાવ્યસૃષ્ટિ