aapna pranayno ‘sa’ - Free-verse | RekhtaGujarati

આપણા પ્રણયનો ‘સા’

aapna pranayno ‘sa’

સ્નેહરશ્મિ સ્નેહરશ્મિ
આપણા પ્રણયનો ‘સા’
સ્નેહરશ્મિ

સ્મશાનના કજળતા અંગારા જોતો

એક તારો આથમ્યો

ત્યારે નિહારિકાનાં હિલોળા લેતાં

નીરની એક છાલક

સ્પર્શી ગઈ મને, અને

આળસ મરડી જાગેલા સ્મશાને

મારાં ભીંજેલાં ગાત્રોને લૂછવા

ધર્યો મારી સામે

ભસ્મના તાણાવાણાવાળો

એક અંગૂછો.

અંગોમાં આવેલી નવી સ્ફૂર્તિ સાથે.

જ્યારે જળમાં પ્રતિબિમ્બિત થતા,

સ્મશાનના શિખર પર

મેં આરોહણ આદર્યું,

ત્યારે કોણે પાછળથી

મારા ખભા ઉપર હાથ મૂકી,

મારા કાનમાં કહ્યું, ‘તે આવે છે!'

અને મેં જોઈ તને

તલવારની ધાર જેવી તન્વી,

પવનની લહર જેવી સ્પર્શક્ષમ,

ફૂલની પાંખડી જેવી રમ્ય

અને જળમાં પ્રતિબિમ્બિત થતા

સ્મશાનના શિખર પર ફરકાવી મેં

આપણા પ્રણયની ધજા!

દિવસની સ્મૃતિ જગાડતું

સ્મશાન નાખે છે નજર દૂર દૂર

ને મને સંભળાય છે

રાસની રમણાએ નીકળેલી

તારિકાનાં પદનૂપુર!

ઢૂંઢે છે નિજને એમાં ઘૂંટાતો

આપણા પ્રણયનો ‘સા’

પડઘાતો કાળની ભેખડોમાં!

સ્રોત

  • પુસ્તક : સકલ કવિતા (પૃષ્ઠ ક્રમાંક 730)
  • સર્જક : સ્નેહરશ્મિ
  • પ્રકાશક : વિદ્યાવિહાર પ્રકાશન
  • વર્ષ : 1984