aankh katha - Free-verse | RekhtaGujarati

આંખ-કથા

aankh katha

મૌન બલોલી મૌન બલોલી
આંખ-કથા
મૌન બલોલી

પેટને પગ ફૂટ્યા,

પેટને હાથ ફૂટ્યા,

પેટને આંખ ફૂટી,

ને નગરમાં ઠેરઠેર ગગન ખૂલતું ગયું.

સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગોની બારીઓ જેવું ઊંચું ઊંચું જોતી

કૂકડાની પાંખ જેવી આંખમાં કશુંક પડખું ફરે.

ઓલાદની હાજરીમાં મૈથુનરત જાનવરોને મારી-મારી ભગાડતાં-ભગાડતાં

ઓલાદને પેન્ટ પહેરાવી શક્યો,

ચાલ્યા વગર પણ ચાલી શક્યો,

બેઠા બેઠા દૃશ્યો બદલાવી શક્યો,

ઠળિયા જેવા ઠોસ મૂળને પાતાળમાં ઠેલી દીધાં

તે બદલ કુદરતને ધન્યવાદ.

મને હવામાં ફોરતાં આકાશને અડતાં કોમળ ફૂલો ગમે છે.

‘ડાલ ડાલપે સોનેકી ચિડિયાં કરતી હૈ બસેરા’વાળાઓનાં ટોળાં વધવા દો,

મને સત્યજીત રેમાં લગીરે રસ નથી.

ટર્મિનસ સુધી પહોંચવાનો જડબેસલાક કીમિયો મેં શોધી કાઢ્યો છે.

હાથ માટે ઑફિસ બાંધું છું.

પગ માટે હાઈવે બાંધું છું.

ચૂંગી પીને કે ગીત ગાઈને

બ્લ્યૂપ્રિન્ટ જોઈને કે કવિતા વાંચીને ફાજલ સમય પકવી શકું છું.

હાથપગ જો પેટ છૂટા થાય કે એને એકાદ આંખ ફૂટે

તો કલમના એક ગોદે મારો પિસ્તોલિયો ડાબો ખૂણો દબાય છે

ને અખબારની ગડીમાં વાળી

મહિને બે મહિને પસ્તીવાળાને વેચી મારું છું.

કૂકડાની પાંખ જેવી આંખ મારી છે,

કલમના ગોદાને પકડી બેઠેલો હાથ મારો છે,

પારકી પેન્ટ વેંઢારી સતત ચાલ્યા કરતા પગ મારા છે,

મારે નથી જાણવું.

મને સત્યજીત રેમાં લગીરે રસ નથી,

હજી શબ્દની ભડવાઈ મને સ્વાદિષ્ટ લાગે છે.

હજીય દૃશ્યની ભડવાઈ મને સ્વાદિષ્ટ લાગે છે.