katha janmantarni - Free-verse | RekhtaGujarati

કથા જન્માંતરની

katha janmantarni

લલિત પટેલ લલિત પટેલ
કથા જન્માંતરની
લલિત પટેલ

પોતાનાં સંતાન જેવી કાબરી ગાય વેચી

તેણે પિતાજીનું કર્યું

માથું મૂંડાવ્યું.

ખોબા જેટલી જમીન હવે તેનું

પેટ પાળી શકે નહીં

એટલી લાચાર બની.

તેણે ખભા પર હળ મૂકી

ખેતરે જવાનું બંધ કર્યું.

ધૂળિયું ગામ તેને જકારો દઈ રહ્યુ.

દૂ...ર...થી હવાએ ઢસડી આણેલા

ધૂમાડાની ભાષા તેણે ઊકેલી :

“આવ...આવ!?

તેને જીવવું હતું

તે ઊભો થયો

અને કોઈ પણ વિધિ વિના

તેણે

શ્રમ વેચનારાઓની

જમાતમાં જન્માંતર

કરી લીધો.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 171)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981