aakDo - Free-verse | RekhtaGujarati

તડકાનાં જળ પીને

ફાલ્યો છે આકડો.

અડકું ને અણગમો થઈ ઊડી જાય

ઝીણાં મગતરાં.

પાનઝોલે ઝોલાં ખાતો તીતીઘોડો

કળાય નહિ, ઝટ એનું અંગ એવો રંગ.

પાનને તોડું ત્યાં ઘોડો

— ’લોપ!

થાનથી વછોડ્યું રડે બાળ

એમ દડે પાનથી દૂધ :

જાણે ચડકાનાં આંસુ?

ભેળાં મળી ભેરુ અમે

ફાટેલા પતંગ કૈં સાંધી એના દૂધથી

ઊડાડ્યાનું યાદ.

કોઈએ કહેલું :

આકડે રેડાય નહિ જળ નિયમિત

નહિ તો દાંત ભચરડી પ્રગટે દારુણ દૈત;

દૈતના દાંત જોઈ ભયની ભાત જોવી ગમે.

પ્રિયાએ દીધેલી

હીરે-જડી વીંટી જેવી

ખીલું ખીલું થતી એની કળી,

કળી ઉઘાડી જાંબુડી અંધારું જોવું ગમે.

કેરીને અડકું ને

—મોંમાં વળતો સ્વાદ ગમે અણજાણ્યો.

પાનને સૂંઘું તો

તડકાની આવે તીણી તીણી વાસ.

—તડકાનાં જળ પીને

ફાલ્યો છે આકડો.

સ્રોત

  • પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સર્જક : ભીખુ કપોડિયા
  • પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
  • વર્ષ : 1988