megh ane mati - Free-verse | RekhtaGujarati

મેઘ અને માટી

megh ane mati

મેઘ અને માટી

માટી અને મેઘનાં મન મળી ગયાં છે

તડકો અને ઘાસ એવાં તો ભળી ગયાં છે-

કે નોખાં પાડી શકાતાં નથી પરસ્પરને

કઈ સોનાસળી ને કઈ કિરણસળી...!

હળી ગઈ છે હવાઓ મોસમી પવનો સાથે

તે ઘાસમાં ઘૂમરીઓ ખાય છે આકાશ!

પૃથ્વી સ્પંદિત થઈ ઊઠી છે આજે...

દરજીડો પાન સીવીને માળો રચે છે

રતુંબડો રાગ છલકાય છે કૂંપળે કૂંપળે

કાબરી ગાયે પાસો મૂકયો હોય એમ

આભલું વરસે છે... ધરતી તેજ તેજ છે...

સીતાફળીને ડાળે ડાળે સારા દહાડા બેઠા છે!

અરે! તો ધૂપ-છાંવ કે અલખની પ્રીતિ?!

તરુઘટાઓ છે કે મેઘમાટીની અભિવ્યક્તિ રીતિ?!

ખેતરે ખેતરે ઝાંઝરી ને -

ઋતુની ખંજરી વાગે છે દિવસરાત...

કાંટાળી વાડે વાડે ફૂલોવાળી વેલ ચઢી છે

હવે, કવિતા લખવાની જરૂર ક્યાં છે?

મેઘ અને માટીનાં મન મળી ગયાં છે...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : મણિલાલ હ. પટેલ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2020