ma ane kagDi - Free-verse | RekhtaGujarati

મા અને કાગડી

ma ane kagDi

યજ્ઞેશ દવે યજ્ઞેશ દવે
મા અને કાગડી
યજ્ઞેશ દવે

ઈશ્વરે પહેલે દિવસે અજવાસ-અંધકાર છૂટા પાડ્યા,

બીજે દિવસે જળ નોખું પાડ્યું,

આકાશ ઊંચે ચડાવ્યું,

ત્રીજે દિવસે જળ ભેગું કરી સમંદર લહેરાવ્યા,

ખંડ ખડક્યા ઉપર અઢારભાર વનસ્પતિ વીંટી.

ચોથા દિવસે દિવસ-રાત ઘડ્યાં,

આકાશમાં ચાંદો-સૂરજ-તારલાઓ ટાંક્યા

પાંચમા દિવસે જળચર, ખેચર, ભૂચરની સૃષ્ટિ સર્જી

છઠ્ઠા દિવસે પોતાની ઇચ્છાએ પોતાની છાપ મુજબ

નરનારી રચી પૃથ્વી પર રમતાં મૂક્યાં–

ફળો-ફૂલોના આશીર્વાદ આપી આખી પૃથ્વી ભોગવટે આપી,

ને

સાતમાં દિવસે રવિવારે ઈશ્વરે થાકી જઈ રજા રાખી...

એઈને લંબાવ્યું.

પણ,

માને રવિવાર નથી હોતો.

કહો કે માને કોઈ વાર નથી હોતો,

બધા વાર સરખા

તિથિ, તહેવાર નૅશનલ હૉલિડે.

રવિવારે તો માને વધુ કામ હોય છે.

ચાદર ધોવામાં કાઢવાનાં,

ઓશીકાના ગલેફ બદલવાનાં,

આડીઆવળી ચોપડી ગોઠવવાનાં,

પસ્તી કાઢવાનાં,

પંખો લૂછવાનાં, બરણી ધોઈ અથાણું કાઢવાનાં,

ફુદીનાની ચટણી બનાવવાનાં, બટન ટાંકવાનાં,

નિરાંતે માથું ધોવાનાં...

એવાં એવાં તો હજાર કામ હોય છે

– ને હાથ બે હોય છે.

રોજ સૂરજ તો ઊગે છે એના પંચાંગના સમયે

પણ માનો દિવસ કલાકો વહેલો ઊગે છે

અને રાત કલાકો મોડી.

બપોર એક ઝોકું લેવાનોય જંપ નથી તેને.

માની નીંદર કઢેલા દૂધ જેવી ગાઢી નથી હોતી

માની ઊંઘા તો કાગાનીંદર

કશુંક સળવળે,

સહેજે કોઈ કણસે તોય જાગી જાય.

કાયમની સોડ તાણતી વખતેય એમ નહીં વિચારે

‘કે લાવ જરા ઊંઘી લઉં’

તો ઉતાવળી હશે ફરી જનમવા.

નવ માસ પેટમાં પોઢાડી પીડાતી-હરખાતી

જનમ તો આપે છે બાળકને

પણ છતાં જાણે હજીય

બેજીવી હોય તેમ જીવ્યા કરે છે આખી જિંદગી.

માના હાથમાં ઘોડિયાની દોરી હોય છે સતત

આપણી, પછી આપણાં છોકરાંવની

ને તે પછીય તેના હીંચોળવાના ઓરતા ઓછા નથી હોતા.

મા હોય છે સાવ અબુધ

પોતે પરણાવ્યા પછીય યાદ નથી રહેતું

કે દીકરો હવે પરણેલો છે.

મા રાહ જોયા કરે છે

જનમવાની, ઘોટિયામાંથી ઊઠવાની,

નિશાળેથી પાછો આવવાની

નોકરીએથી હેમખેમ પાછો ફરવાની,

ક્યારેક તો પરદેશથી પાછો આવશે તેની.

કાગડો મોભારે નથી બેઠો હોતો

ત્યારેય મા તો રાહ જોયા કરે છે

કાગડીની જેમ વિમાસે છે કે

ઉછેર્યાં તે ઈંડાં તેનાં પોતાનાં કે કોયલનાં?

સ્રોત

  • પુસ્તક : ચેત મછંદર ગોરખ આયા (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : યજ્ઞેશ દવે
  • પ્રકાશક : ZEN OPUS
  • વર્ષ : 2023