gharajhurapo 6 - Free-verse | RekhtaGujarati

ઘરઝુરાપો - 6

gharajhurapo 6

બાબુ સુથાર બાબુ સુથાર
ઘરઝુરાપો - 6
બાબુ સુથાર

ચાલતાં ચાલતાં

હું

એકાએક ફેંકાઈ ગયો

શહેરમાંથી

વેરાનમાં.

જોઉં છું:

આકાશમાં એક પણ પક્ષી

ઊડી રહ્યું નથી

પણ

ભોંય આખીય પથરાઈ ગઈ છે

ઊડતાં પક્ષીઓના પડછાયાઓથી,

કેટલાક લોકો મેઘધનુષને

ખાટલામાં

નાખીને જઈ રહ્યા છે.

હું એમને પૂછું છું:

કેમ ભાઈ,

શું થયું છે મારા લંગોટિયા ભાઈબંધને?

એઓ કહે છેઃ હવે ભોરિંગોનું રાજ બેઠું છે

હવે મેઘધનુષને બદલે સાપની કાંચળિયો ઊગશે

આકાશમાં

હું બોલું છું: ભોરિંગનું રાજ?

તેઓ કહે છેઃ હા, તું જોજે ને.

કાલે સૂરજે પણ

ઊગવું પડશે.

સાપની જીભ પર,

પૃથ્વીએ પાણીના ટીપામાં રહેવા જવું પડશે.

હું ઉદાસ થઈ જાઉં છું.

હું પુરાઈ જાઉં છું.

મારાં હાડકાંમાં,

મારા દાંતમાં.

હું જાણે કે પલળેલો ચૂનો.

પછી હું મારા પૂર્વજોને શોધવા લાગું છું.

મને એમ

કે

એમને કદાચ ખબર હશે

અહીંથી બહાર નીકળવાનો માર્ગ.

પણ હું જ્યાં પણ એમને શોધું છું

ત્યાં મને મળું છું.

હું મારો પૂર્વજ

કદાચ.

હું જોઉં છું:

કેટલાક લોકો

સ્કયુલકીલ પરના વ્હિટમેન પુલને

વિખેરી રહ્યા છે,

હું એમને કહું છું: રહેવા દો પુલને.

પુલ મને અને મારા ગામને જોડે છે.

જો તમે એને વિખેરી નાખશો

તો રોજ સાંજે હું મારા ગામ કઈ રીતે જઈશ?

તો હું કવિતા કઈ રીતે કરીશ?

તો હું મારાં કક્કો અને બારાખડીના

ઝરૂખડે દીવા કેમ કરીને મૂકીશ?

મારે હજી ઘણું કામ કરવાનું બાકી છે,

હજી તો અક્ષરે અક્ષરે

પાંચ પાંચ નાળિયેરનાં તોરણ

ચડાવવાનાં બાકી છે.

શબ્દે શબ્દે હનુમાનની ખરી

ચડાવવાની બાકી છે,

હજી તો મેં હમણાં

અનુસ્વારોના

સાફા પહેરાવવાના

શરૂ કર્યા છે.

નાસિક્ય સ્વરોને.

હજી તો જાન જોડવાની બાકી છે.

ને ની.

મારા સિવાય એમનું છે કોણ બીજું જગતમાં?

પણ મારું કોઈ સાંભળતું નથી.

બધા પુલ વિખેરવામાં વ્યસ્ત છે.

હું ભોંય પર પડતા

પેલા પક્ષીઓના પડછાયા પર

મારા પગ પડે રીતે

ચાલવા માંડું છું

બે ડગલાં

આગળ,

બે ડગલાં

પાછળ.

સ્રોત

  • પુસ્તક : ઘરઝુરાપો (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : બાબુ સુથાર
  • પ્રકાશક : હેતુ પ્રકાશન
  • વર્ષ : 2010