aajni raat - Free-verse | RekhtaGujarati

આજની રાત

aajni raat

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે

રાત્રિને કહો કે આજે એની ચમકતી ટીપકીઓવાળી ઓઢણી ઓઢે,

રસ્તાને કહો કે ધીમે ધીમે ઊઘડતા ફૂલની પાંખડી માફ્ક

એ સામો આવે,

વૃક્ષોને કહો કે એનાં પર્ણોમાં એ કોઈ અજબની રાગિણી વગાડે,

હવાને કહો કે આજની રાત એ ધીમેથી લહેરાય —

આજની રાત હું ઉદાસ છું

અને મારે સૌને પુલકિત કરે એવું ગીત રચવું છે.

બ્રહ્માંડમાં બજી રહેલું અલૌકિક સંગીત

મારા કાને ન અથડાય એવું કરો,

મારે તરણાંએ પહેરેલાં ઝાકળનાં નેપૂર સાંભળવાં છે;

મધદરિયે મોજાંને પહેરાવેલાં વલય મારે ઉતારી લેવાં છે;

વાદળથી ધરતી સુધી લંબાતા વરસાદના તારને

બે હાથ લંબાવી માપી લેવા છે;

આજની રાત હું ઉદાસ છું

અને મારી ખોવાયેલી પ્રસન્નતા મારે સર્વત્ર વહેંચાયેલી જોવી છે.

મિલનાં ઊંચાં ભૂંગળાંને કોઈ ચંદનની અગરબત્તીમાં પલટાવી દો,

સિમેન્ટ-કૉક્રીટનાં મકાનોને કોઈ સરુવનમાં ફેરવી દો;

આંખની કીકીઓને કોઈ ચન્દ્ર પર ચિટકાડી દો;

માણસોનાં ટોળાંને કોઈ સાગરની લહેરોમાં લહેરાવી દો;

આજની રાત હું ઉદાસ છું અને મારે ખડખડાટ હસી લેવું છે.

(ર૦-૧૧-૧૯૭૧)

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ, મુંબઈ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 2