aaje ekmatr tane ja - Free-verse | RekhtaGujarati

આજે એકમાત્ર તને જ

aaje ekmatr tane ja

જયા મહેતા જયા મહેતા
આજે એકમાત્ર તને જ
જયા મહેતા

હું તને ચાહું છું, તને એકમાત્ર તને

અને સૂરજનાં ઝળાંહળાં અજવાળાં ઝંખવાઈ જશે પછી પણ

અને મંદ-મધુર વહેતો પવન થાકીને સ્થિર થઈ જશે પછી પણ

અને વાંભ વાંભ ઊછળતાં મોજાંની અગણિત માયા સમેટાઈ જશે પછી પણ

અને વરાહના એક દાંત પર સમતુલા જાળવીને પૃથ્વી ઊભી થશે પછી પણ

હું તને ચાહ્યા કરીશ, તને જ, એકમાત્ર તને

એમ માનવાની ભૂલ કરતો નહીં

મારા પ્રિયતમ

આજે હું તને ચાહું છું, તને જ, એકમાત્ર તને જ.

આવતી કાલે...આવતી કાલે...

–પણ મારી આજ સાચી છે.

મારાં હાડમાંસ ને નસોમાં વહેતા લોહી જેટલી

સાચી છે મારી આજ.

એટલે કહું છું.

ધર્મરાજાની આંગળી પકડીને સ્વર્ગમાં પુનઃપ્રવેશ કરતા

યમરાજની સાક્ષીએ કહું છું :

આજે હું તને ચાહું છું, તને એકમાત્ર તને

મારા પ્રિયતમ

અને

આવતી કાલને...આવતી ક્ષણને પણ...હું ઓળખતી નથી.

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 81)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007