આજે ધનતેરસ
aaje dhanteras
દક્ષા પટેલ
Daksha Patel
આજે ધનતેરસ
ધનપૂજા કરવા
પૂજાપો તૈયાર કર્યો.
પૂજા માટે ચાંદીનો સિક્કો લેવા
બાની તિજોરીનું છેક અંદરનું ખાનું
પહેલી વાર ખોલ્યું.
ઓહો...હો...હો...
નાની મોટી દાબડીઓથી ભરેલું આખું ખાનું.
પહેલી દાબડી ખોલી
જોયું તો રામરામ લખેલી ચબરખીઓ.
બીજી દાબડીમાં
દાદાની અસ્થિફૂલની રાખ.
ત્રીજીમાં
દાદીની નિત્યપાઠની ચોપડીનું ફાટેલું પાનું
ચોથી દાબડીમાં
બાપુજીની જાતે કાંતેલી સૂતરની આંટી
પાંચમી દાબડીમાં
પેન્સિલના નાનાનાના ટુકડાઓ
છઠ્ઠીમાં
તુલસીની માળા
સાતમી દાબડીમાં
ચંદનનું ઘસાઈને નાનું થયેલું લાકડું.
બાકીની દાબડીઓને ખોલીને જોયા વગર
તિજોરી વાસી દીધી.
પછી
૯૦ વર્ષનાં બાને કંકુચોખા ચઢાવી
પગે લાગી
પંચામૃત લઈ
ધનતેરસ ઊજવી.
સ્રોત
- પુસ્તક : વાત્સલ્યમાધુરી (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : આદર્શ પ્રકાશન
- વર્ષ : 2019