વગડો - ૧
vagdo - 1
રાજેશ વણકર
Rajesh Vankar

ઝાડની ક્યાં વાત કરો છો
આખો વગડો જ અમારો છે
એ લૂગડાં અમારાં
એને ઓઢી પાથરી પહેરી જીવીએ
એને ખાઈ પી ન્હાઈ ધોઈ જીવીએ
ને એટલે જ
એકાદ વેંત દાતણ તોડવું હોય ને
તોય માફી માગીએ છીએ બે હાથથી એ ઝાડની
ભોંય પર પેશાબ કરવો હોય તોય
એનો મંતર બોલીએ કે
મા માફ કરજે
કારણ એ જીવાડે છે ને જીવીએ છીએ
કદી ભૂખ્યા સુવા દીધા નથી આ વગડે
કદી તરસ્યા રાખ્યા નથી આ નદીએ આ તળાવે
હા
પેલા પેન્ટમાં બુશટ ખોસીને ધસ્યા આવે છે ને ગાડીઓમાં
એ ભૂખે મારવાના છે
એ તરસ્યા રાખવાના છે
એ છોરાં ને ઢોરાં મેલાવવાના છે
એમ લાગે
અલ્યો તમે ફક્ત આ વગડાઉ માણસને બસ માણસ કહી દો ને
એટલે આખુંય પર્યાવરણ પર્યાવરણ
કારણ વગડો જ તો અમે છીએ
અમારાથી જ આ હર્યોભર્યો
ને ગાતો નાચતો લહેરાતો.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ