aadim paththro - Free-verse | RekhtaGujarati

આદિમ પથ્થરો

aadim paththro

મેહુલ દેવકલા મેહુલ દેવકલા
આદિમ પથ્થરો
મેહુલ દેવકલા

લિસ્સા દૂધિયા

ગોળાકાર

આદિમ પથ્થરો

વાતાનુકૂલિત રેસ્ટોરન્ટની

આ લિસ્સી બારસાખ પર

ખાસ્સી લાંબી સફરના

અંતે આવ્યા હશે

પપ્પા બોલ્યા –

મહીના વિશાળ પટમાં

આવા જ પથ્થરોથી

રમતા અમે

સંધ્યાટાણે

વીજળી જતાં

આંબા નીચે

આ જ ચકમક પથ્થરોથી

ચમકાવેલા તણખા

હવે તો લગભગ ભુલાયેલા એ ભેરુઓની

આંખે જોયાનું –

મને પણ કૈંક યાદ આવ્યું

સહજીવનની શરૂઆતના

એ પ્રથમ પ્રવાસે

અંતરિયાળ

નોર્બુલિંગકા મોનેસ્ટ્રીના

રમણીય ઉદ્યાનમાં ભાળ્યા હતા

આ જ પથ્થરો

અજાણી કોઈ લિપિ કોતરેલા

એક પર એક ગોઠવાયેલા

શ્વસી રહ્યા હતા

ૐ મણિ પદ્મે હું...

આ જ પથ્થરોથી

પહેલવહેલાં માનવોએ

પ્રગટાવ્યો હશે અગ્નિ

ગુફાઓનાં અંધારામાં

ને ભાળ્યો હશે

જંગલી જનાવરોની આંખોમાં

આદિમ માનવો

ને

આદિમ અગ્નિ

કરતાં પણ

આદિમ છે આ પથ્થરો

સ્રોત

  • પુસ્તક : સર્જનની ક્ષણે (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : મેહુલ દેવકલા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019