હળધર નાગ
Haldhar Nag
આ કાગળ હળધરને મળો....
ભાઈ હળધર, આ કાગળ તારે નામ...
સાંજુકો અંજવાસ કાળી મજૂરીનાં દરદસોંસરવો
નીસરે છે...
તારે એક કવિતા તો કરવી પડે ને, ભાઈ,
કાગળ તને લખું છું હળધર!
સમાજને ચોખ્ખો-ચણાક કરવો હોય તો
તારાથી જ શ્રીગણેશ કર...
કોકને આભલગ પોગાડવો જો હોય...
બે પગથિયાં પરથમ તું તો ચઢ!
જગતની જગમગ જોઈને લાલચૂડો ન બનીશ...
ભાઈ હળધર,તને લખું છું આ કાગળ.
કિરતારની શિરમોર લીલા સમો આ મનખ્યો-
હવે ઓરાતો જાય છે અંધારાનાં જડબાંમાં..
પોત્તાનાં સુખ માટે બીજાંને અંતહીન આપદામાં નાખવાનો
એને શોખ છે! ધરમ-કરમ ને શરમ એને કેવાં?
મનખા-અવતારનું મોઢું હવે નરકભણી છે, ભાઈ!...
કાગળ લખું છું તને, હળધર!
માની ચરણ રજ લઈ,
દુઃખને સુખ માની નીકળી પડ....
ઝેર હોય ન્યાં અમરત પણ જડે... ગોત હેમત રાખીને.
તારે તો જીરવવા પડે ઘૂંટડા ઝેરના
અમરતની કૂંપી જગતને આપતો જાજે બાપલા,
તારી જટામાં ગંગાજી છે એમ જાણીને નીકળી પડ,
હળધર! આ કાગળ તને મળો!
તારી મધુરી વાણીથી સહુને સ્વજન બનાવ...
વ્રેમાંડ આખું તારી ઓરડીમાં રહેવા ઊતરો...
આ ડગુમગુ થતી ધરતીને સ્થિર રાખવા
તારી કલમને બળ મળો!
-તને લખું છું આ કાગળ ભાઈ હળધર...
(અનુ. મહેન્દ્રસિંહ પરમાર)
સ્રોત
- પુસ્તક : પદ્ય : જાન્યુઆરી-માર્ચ ૨૦૨૧ અંક ૯ (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : રવીન્દ્ર પારેખ, ધ્વનિલ પારેખ
- પ્રકાશક : પોતે
