અછાંદસ
અછાંદસ એટલે છંદ વગરની, નિશ્છંદ રચના. છંદનું આલંબન છોડ્યું હોવાથી કવિએ કાકૂ/સ્વરભાર, આરોહ-અવરોહ, ઉદબોધન, સ્વગતોક્તિની લઢણો, પંક્તિનો અંત ક્યાં લાવવો, ઇત્યાદિ વાનાંમાં વૈશિષ્ટ્ય દાખવવાનું હોય છે. ફ્રેન્ચ કવિ બોદલેરનું 'દુરિતના પુષ્પો' તથા અમેરિકન કવિ વોલ્ટ વ્હિટમેનનું 'લીવ્સ ઑફ ગ્રાસ' અછાંદસ કાવ્યસંગ્રહો છે. ગુજરાતી અછાંદસ કવિતા-પ્રવાહને સમૃદ્ધ કરવામાં ગુલામ મોહમ્મદ શેખ, લાભશંકર ઠાકર, સિતાંશુ યશશ્ચંદ્ર, રાવજી પટેલ, હસમુખ પાઠક, હરીશ મીનાશ્રુ, યજ્ઞેશ દવે, ઉદયન ઠક્કર વગેરેનું કાર્ય ઉલ્લેખનીય છે. સુરેશ જોશી કૃત 'કવિનું વસિયતનામું' કાવ્ય અછાંદસનું ઉદાહરણ છે.