વસંતવિલાસ-કાર
Vasantvilas-kar
દક્ષિણ કર વીણા ધરે, વાહન જેનું હંસ,
પ્રથમ પૂજી તે શારદા, રચીશ વસંતવિલાસ.
સમરાત્રી શિવરાત્રી થૈ, આવી ઋતુ વસંત;
દશ દિશ પ્રસરે પરિમલ, નિર્મલ થયા દિગંત.
બહેન! જતાં હેમંત આ વસંત લે અવતાર;
મકરંદે અલિ ગુંજિયા, મ્હોર્યા આમ્ર અપાર.
વસંત-વૈભવ વિલસિયા, મ્હેક્યા સૌ સહકાર;
કોકિલ ત્રિભુવનમાં કરે વસંતનો જયકાર.
પદ્મિની પરિમલ મ્હેકતી, લ્હેકે મલય સમીર;
મદન પરિપંથી થતાં ધસતાં પથિક અધીર.
માનિની-જન-મન-ક્ષોભતા સમીર સુંદર વાય;
કામક્રીડાથી ક્લાન્ત આ કામી-અંગ સુહાય.
ભેદે મન મુનિજનતણાં, છેદે માનિની-માન,
કામીનાં મન રીઝવે, ક્રંદવે પંથી-પ્રાણ.
કદલીઘર વનમાં રચ્યાં, લાંબી મંડપ-માળ;
તરિયા-તોરણ બાંધિયા, વંદનમાલ વિશાળ.
રમવા સુખકર વાવ ત્યાં ગોખતણાં વિશ્રામ :
કપૂર-કસ્તૂરી-પૂરિયાં જલ દીસે અભિરામ.
રંગભૂમિ શણગારીને છાંટ્યા કુંકુમ-ઘોળ;
બાંધ્યા સુવર્ણ – સાંકળે ચંપા પર હિંડોળ.
કામી યુગલો ત્યાં સહુ રમે હૃદયને રંગ;
મદન સમા અલબેલડા વેશ સજે નિજ અંગ.
કૈંક મળી ત્યાં નારીઓ અભિનવ સજી શણગાર;
ચંદનીએ ચંદન ભર્યા, ચોળીનાં સિંગાર.
ચંદનવન અવગાહીને, નાહી સરવર-નીર,
મંદ શીતલ સુરભિભર્યો વહે દક્ષિણ સમીર.
વન નગર નિરુપાયું તે જુવાન – જીવન જાણ;
ગૃહ-સ્થાને જલશય ત્યહીં વર્તે મધુકર-આણ.
સ્વર્ગે સુંદરીસંગમાં દેવો રમતા રાસ;
તે વિધ આ પ્રેમીજનો રંગે કરે વિલાસ.
કામી જનના જીવન સમ આ વન નગર સુરંગ;
રાજ્ય કરે અવિભંગ ત્યાં રંગે રાય અનંગ.
અલિજન વસે અસંખ્ય ત્યાં, ત્યહીં વસંત પ્રધાન;
તરુવર વાસગૃહો તહીં, કૂંપળ ધજા સમાન.
સુહૃદ ચંદન-ચંદ્રનો મદન વિલસતો વંન;
રતિ-પ્રીતિ સંગે શોભતો, મોહે ત્રિભુવન–મંન.
મદન ગરવો મહીપતિ, દીપ્તિ સહી નવ જાય;
યુક્તિ કરતો અવનવી, પ્રતાપ જગે ન સમાય.
કુસુમ-ધનુષ્ય કરે ધર્યું, ગુણ મધુકર-માળ;
તાક્યું નિશાન ન ચૂકતો, મૂકતો શર સુકુમાર.
બોલ પડે જે મદનના, કોઈ ન લોપે આણ;
માનિની-જન-મન હાકતો તાકી કિશલ-કૃપાણ.
રિદ્ધિ નીરખી કામની કામિની કિન્નર-કંઠ,
સ્નેહે ઘેલી માનિની, ત્યજે માનની ગંઠ.
બેઠી આંબાડાળ પે કોયલ કરે ટહુકાર;
ક્હેતી ‘સખી! તું કામની આજ્ઞા શિર પર ધાર.
સ્થિર થંભે ન પયોધર, મોહ ન રાખ ગમાર!
શીદ રાખે તું ગુમાન આ? યૌવન દિન બેચાર!
તુચ્છકારીશ નહીં નાથને, ક્રોધ સમેટ, અજાણ!
સહ્યાં જતાં નથી હે સખી! કામ-યોધનાં બાણ.’
કૂજે આ રીત કોકિલા, પૂરે મનોરથ નાર;
વિરહી નારી કંપતી, કામ કરે કિલકાર.
જ્યમ જ્યમ વનરાજિ ખીલે મૂકે માનિની માન;
મત્ત થતાં યૌવનમદે બધાં યુગલ યુવાન.
જે કૈં ચાલે જગ વિશે સાલે વિરહિણી-અંગ;
વિરહવ્યાકુળા બાલિકા લવે ઘણુંય વિભંગ.
સકેસર બકુલકળી પરે મધુકર ઘૂમે અસંખ્ય;
મન્મથ ચાલે શૌર્યથી, સુભટ વગાડે શંખ!
બકુલ-લુબ્ધ મધુકર તણો ગુંજારવ અતિ થાય;
રાય મદનને રીઝવવા બંદીજન ગુણ ગાય!
ચંપક તરુવરની કળી ફૂટી સુવર્ણ વાન;
મન્મથ-માર્ગ-ઉદ્દીપક-દીપક-જ્યોત સમાન.
કામે બાંધ્યું વાંકડું ભાથું પાટલ ફૂલ;
માંહી રચ્યા તે કેસર બાણસમૂહ અમૂલ!
આમ્રમંજરીઓ થકી ઊડી મધુકર - માળ;
સ્મર વિરહિણીહૈયાં થકી જગવે ધૂમ્ર-વરાળ!
કિંશુકકળી અતિ વાંકડી મન્મથ-આંકડી કાળ;
તાણી કાઢે કાળજાં વિરહિણીનાં તત્કાળ.
વીર સુભટ કુસુમાયુધ, આયુધ શાલ - અશોક;
કિસલય ઝળકે અસિસમાં, ઝબકે વિરહિણી-લોક.
કેતુ ભયંકર પથિકને કેતકીદળ સુકુમાર;
કે વિરહિણી-વિદારિણી દારુણ કરવત-ધાર!
દેખી આ વનસંપત્તિ કંપે વિરહિણી સાથ;
નેણ ભરે અશ્રુ થકી સાંભરતાં નિજ નાથ.
વિરહ-કરાલિત બાલિકા ફાડે ચોળી અંગ;
વિષય ગણે તૃણના સમો, બોલે છે બહુ ભંગ.
‘રહી જા તું અલી કોકિલા! બોલે શું બહુ બોલ?
અવ નવ આવ્યો નાવલો, વિલાસ ગમે ન વિલોલ.
હાર ઉપ પર ભાર તે, તન-સિંગાર અંગાર;
ચંદન હરે ના ચિત્તને, મનહર ના શશિધાર.
માડી! દુઃખ અપાર છે, દીઠું ગમે ના ચીર;
ભોજનિયાં ભાવે નહીં, મીઠું ન લાગે નીર.
શશિયર સોળ-કલામય! શીદ સંતાપે તંન?
અબળાને નવ માર તું, પાપ વિચાર તું મંન.
ભમરા! કેડો છોડ ને, ખખડ્યાં છે અમ અંગ;
દેહદાહક શશી શીતળા! આપણ નવ મન-ભંગ.
નિશદિન મન્થન મન મથે, બહેન! ન અટકે કેર;
અંગ અનુપમ શોષતો, પોષે વેરી વેર.
વાલમવાત કહે સખી! કેમે રાત ન જાય;
દુઃખદાયક ક્રૂર કામ છે, મનડું સ્થિર નવ થાય.
સખી! ફરકી મુજ જાંઘડી બેઉ ઘડી લગી આજ;
દુઃખ સઘળા અવ વામશે, પામીશ પ્રિયનું રાજ.’
વદતો વાયસ જોઈને ભાગ્યો વિરહ જ જાય;
શોક ત્યજીને વિરહિણી વાયસના ગુણ ગાય.
“ધન ધન વાયસ સૂર તવ, મુજ સઘળું તો દૈશ,
ભોજન કૂર-કરંબલો, પિયુસંગી જો યૈશ.
વાયસ! સૂર આ વાય તો વાશ કપૂરભર દઉં,
ચાંચ અનુપમ હેમની, રજત પાંખ ઘડાવું.”
ત્યાં વાલમ તો આવિયા ધાર્યાં શુકન-વિચાર;
આલિંગન આનંદથી નીરખી દેતી નાર.
કંથસંગ રંગે રમે અતિ હરખીને નાર;
દીસે તે ગજગામિની નમણી કુચને ભાર.
પિયુસુખ પામે કામિની, મુખથી કહ્યું ન જાય;
સંગ થતાં નિજ નાથનો અંગ મનોહર થાય.
ખૂંપ ભર્યો શિર કેતકી, શ્વેત ધર્યાં શણગાર;
અંગદ ઝળકે કર ઉપર, ઉર પર મોતીહાર.
સહજ સુરમ્ય, મદે ભર્યાં, લસતાં તેનાં અંગ;
રાસ રમે અબળા વને, લલિત દેહ સુરંગ.
કાન ઝગે શું વિજળી? શશિકલા શું ભાલ?
સકલંક શશિયરબિંબને હસતા એના ગાલ.
નલિન! મુખ આગળ મલિન, જળમાં જૈ કર સ્નાન;
બીજ બતાવ ન દંતને, દાડમ! જાશે માન.
મણિમય કુંડળ કાનમાં, વાન હસે હરતાળ;
પંચમ સૂર કંઠે રમે, કંઠે મોતી-માળ.
ભુજંગ કહું શું વેણીને? કે લટકતી મદન-કૃપાણ?
મદને જાણે શું ઘડી ભ્રૃકુટિ ધનુષ્ય સમાન!
સેંથો સિંદૂરપૂરિયો, પૂરિયા મોતી ચંગ;
રાખડી જડી માણેકશું, સર્પમણિ શું સુરંગ!
મુખ દીઠે મુનિમન ચળે, ચાલે રથ શું અનંગ!
સૂર્ય સમાં કુંડળ તણાં મંડળ શું રથ-અંગ!
ભ્રૃકુટિ મન્મથનું ધનુ, ગુણ હૈયાનો હાર;
નૈનન બાણ ધનુ તણાં, મોહે સકલ સંસાર!
જોતાં હરિણ હરાવતી, શિર પર મોતી-જાળ;
રંગ અનુપમ અધરના, એ જાણે પરવાળ!
તલફૂલ સમ છે નાસિકા, કેડ મૂઠીમાં માય;
કર કૂંપળ સમ કોમળા, મજીઠ સમા સોહાય!
બાહુલતા અતિ કોમળી, કમળ-મૃણાલ સમાન;
કેડે હરવે સિંહને, મુખને નહિ ઉપમાન!
થાપણ જાણે મદનની સ્તન બે અમૃતકુંભ,
તેનો મોતીહાર શું રક્ષક ધવલ ભુજંગ!
નમણ કરે ન પયોધર-યોધ સુરતસંગ્રામે;
કંચુકીબખતરને ત્યજે નાથ મહાભડ પામે!
નાભિ સરવર ગંભીર, ઉદર ત્રિવલ્લી તરંગ!
જઘન સમેખલ પુષ્ટ શી! પહેર્યાં ચીર સુરંગ.
અનુપમ જાંઘ વિધિઘડી, ઉપમા આપી ન જાય;
કર કંકણ, પદ નેપૂર, કડાં શોભે બાંહ્ય!
એક મીંચે હળવે નયન, એક હીંચે હીંડોળ;
એક હણે કમળે પિયુ, કરે કો જળ કિલ્લોલ.
એક સખી તાલી દઈ લળતી ગાતી રાસ;
એક ઉપાલંભો દિયે વાલમને સવિલાસ.
મલકી મુખ મચકોડતી, મરડે લોલ સુઅંગ;
વાને સ્વર્ણ વખોડતી, ચાલે અવનવ રંગ!
“પાટલ-કલી અતિ કોમળી, મધુકર! નવ ઢંઢોળ;
તું સાચો ગુણપારખું, કાચું દહીં નવ રોળ.
કંટક-ભરિયા કેવડે પેસી હાવાં ભૃંગ,
છેલપણે ગુણ માણતો, જાણે પરિમલ-રંગ.
બકુલ મહીં મદમત્ત તું, આ શું ભલું અલિરાજ?
સંપત્તિહીન સુકુમાર આ માલતી વિસર્યો આજ!
સખી! એ પરવશ પ્રેમમાં, ભલો ગણું હું ભૃંગ;
દૂર રહ્યો નમણો અતિ, દમીને લે રસ-રંગ!
વાલક-વિલાસ વિચાર ના, પથ ભૃંગ! કર ના યાદ;
એણે નિજ ગુણ આવર્યાં, કાં નિર્ગુણનો નાદ?
‘મુજ શિર અલિ બેઠો’ ગણી કિંશુક! કાં ફૂલાય?
માલતી-વિરહે દગ્ધ, ને અગ્નિ ભણી વળી ધાય!
સખી! અલિ ચરણ ન ચાંપતો, લે નવ ચંપકગંધ;
રૂડાનું દુર્ભાગ્ય એ નિયમ પુરાતન અંધ!
ગુણવંતા ભૃંગે ભમી અગરુ કોર્યો કોઈ;
વિનાશ કરે હજી વાંસનો અખૂટ વિશ્વાસ હોઈ!
પ્રેમ-સુહાગી જાઈને કરમાતાં નવ ચિંત!
વિકસિત નવલી માલિકા-બાલિકાશું કર પ્રીત!
વિચિકલ બકુલ બન્ને લતા એક થડે, નવ ભેદ;
બીચ ભ્રમર! તું કાં મરે? દોશું વિલસ ત્યજી ભેદ!
નેહ-ભરેલી પદ્મિની જેવી પદ્મિની મત્ત;
અવસરિયે રસ લે-મૂકે, દેહ ન ભ્રમર મૂકંત!
ભ્રમર! પલાસ, કરાંબલા, આંબા, આંબલી છાંડ!
કુચભારે નમી તરુણીશી કરેણશું પ્રીતિ માંડ!”
આ રીતે મધુવચનથી રીઝવે કામિની કંથ;
ગાય ‘વસંત-વિલાસ’ તે ધન ધન જન ગુણવંત!
(અનુ. ચિનુ મોદી)
સ્રોત
- પુસ્તક : વસંતવિલાસ (પૃષ્ઠ ક્રમાંક 9)
- સર્જક : વસંતવિલાસ-કાર
- પ્રકાશક : ચંદુલાલ મોહનલાલ મોદી
- વર્ષ : 1957
