wirsinh - Epic | RekhtaGujarati

વીરસિંહ

wirsinh

નર્મદ નર્મદ
વીરસિંહ
નર્મદ

સર્ગ

(ગીતિવૃત્ત)

રોતી રહી વાગીશા ગા ગા ગા યશ તુ યુદ્ધને આજે;

કારાગૃહથી પીડિત, વીરસિંહ જે મથી ફરી રાજે.

રિદ્ધિખંડનૃપ જે દંભરાજસુ સ્વદેશની દાઝે;

ધાડું યુદ્ધ મચાવી, હણે શત્રુને સ્વતંત્રતાકાજે.

યુક્તિ શ્રમ બળ સાહસ, ધૈર્ય પરાક્રમ સુનીતિને ગાજે;

દંભરાજ શાણાને, વળી વજ્ર, જે ખટપટથી ગાજે,

ન્યાય દયા સત જનહિત, એનાં વાજાં પ્રસિદ્ધિમાં વાજે;

ભોળી પ્રજાને છળવા, દાબી નાખવા શૂદ્ર તે લાજે.

ગા તે માવડી વળી, માયાપુરની કળા સુરસમાં જે;

ગા તુજ પ્રસાદ જેથી, દાસ ટળી નૃપ સ્વતંત્ર થઈ રાજે.

ઊંચી ચપળતા તારી, વાહનની પણ સમાન છે ચારું;

રમ રમ કાવ્ય ઉપર મમ, ભક્તવત્સલા પ્રસન્ન થા વારુ.

લક્ષ્મી મોટી મનાતી, જોઈ વીલી પડી તું હું ધારું;

ચાંદરણામાં મુખડું, નદી પનઘટ પર વિચારમાં હાર્યું.

રે, રોતા તુજ ભક્તો, તેથી શું ઊતર્યું વદનકમળ તારુ?

સ્મૃતિ કર ઊંચા વરની, થાયે અમને ઊંચું સુખડું સારું.

શ્રમથી મળ્યું સુખ ઊંચું, આહા! ઊંચા તરંગ સંભારું,

વિવેકશૌર્ય યશ સુખ, અહીં ને તહીં પણ સુમુક્તિનું બારું.

ચંચળથી દુઃખ અને, ઠરેલથી સુખ નવલ ન્યારું;

શૌર્ય પ્રશંસા ગાયન, મગ્ન મગ્ન થા ઠરે કથન મારું.

(વીરવૃત)

શુભ પ્રભાત શ્રવણ માસ, પાણીનો ભાસ, એવું આકાશ, દીપનું સ્હોય.

મથી પ્રકાશતો તહાં સૂર્ય, શ્વેત ને રક્ત, સૃષ્ટિ આસક્ત, થઇ રહી જોય.

બધી ભીત લીસી લબરક્ક, ધોવાઇ બની, ઉપર કહીં દીસે, લીલ પથરાઇ.

સ્થળ રૂડું શાંત એકાંત, તેહમાં થાય, દૂર કલ મધુર, પક્ષીના કાંઇ.

લીલી ચાર રંગથી મ્હોય, રેતી ભીની હોય, એવું સૌંદર્ય, ઠરેલું જ્યાંહ.

ગૃહ બહાર કોટની માંહીં ખુલ્લી જહાં ચાલ, બંદી નૃપવીર, ફરે છે ત્યાંહ.

ફરતાં ગઇ ચંચળ દૃષ્ટ, ખૂણામાં એક, શિલા સુંદર, પડી તે ઠામ,

ઉકેલી ઠરીને લેખ, પછી કંઈ વાર, જોઇ રહી રાજ, વદે છે આમઃ

‘હું કોણ, કહાં હું અહીં, કહાં મુજ રાજ, દશા શી હાય, જોઇ શું પૂઠ?

ચલ ચલ ઝટ્ટ લઇ સજ્જ, શોધ નિજ ધ્વજ્જ, ઇષ્ટપદરજ્જ, શિર ધરી ઊઠ.

હર હર શંભુ મહાદેવ, શૌર્ય તું પેર, વશ્યું મન ઝેર, ભક્ત પર ત્રૂઠ!

લૂંટાઇ રહ્યો જો છેક ગયો મુજ ટેક, તપવ મુજ રેખ, શત્રુને લૂંટ.

શાકંબરી મુજ માત, ઝાલ મુજ હાથ, શંભુ સમજાવ, થાય સઉ સારું.

કહ્યું હતું કરી દે ઝટ્ટ, રાખ તુજ વટ્ટ, મુજ છેલ્લી હઠ્ઠ, મરું કે મારું.

સ્વતંત્રતા જન દેવી, રૂઠી ગઇ ક્યાંહ, કોપનો તાપ, ખમે ક્યમ જંન?

તું વિના પ્રાણી નવ જીવે, કદી જો જીવે, પ્રાણી તે તને, બાકી જડ મંન.

અતિ સખ્ત તાપથી હીરો, કોયલો થયો, કોયલો લહે, નિજને રાંક.

રે, લેવું રાંક એથકી, ભલું થવું ખાખ, માવડી ત્રૂઠ, ક્ષમા કરી વાંક.

શું યુક્તિ વિનાનું શૌર્ય, નહિ જનઐક્ય, તેથી કોપ કર્યો તેં માત?

મુજ જંન થયા પરતંત્ર, હું પણ પરતંત્ર, પ્રદેશીતણી, ખાઇએ લાત.

માત અમારો દેશ, તાહરું ધામ, તેહમાં અવર, કરે છે વાસ.

નહિં વાસ માત્ર પણ કરે, દેશીઓતણાં, તંનમંનધનતણો બહુ નાશ.

જહાં થયા અમારા જન્મ, ઊછર્યા અમે, રમ્યા ને ભણ્યા, લીધા ઉદ્યોગ,

જહાં મચે કટુંબ પિરવાર, માલ મિલકત, સગાં ને સ્નેહી, સુખનો યોગ,

વિધવિધ સંબંધે અમે, રહ્યા ગૂંથાઇ, તહાં શું ધસે, કરી છળભેદ?

પરજંન રંગમાં રમે, અમુને દમે, તુચ્છ બહુ ગણે, થાય નવ ખેદ?

જન મનુષ્યરૂપે કોઇ, જુલમ નવ સહે, રાજી થઈ કહીં, સર્જ્યું અવિનાશ.

તો જન્મભૂમિમાં જહાં, જન્મહકથકી, છૂટો જે તેહ, બને ક્યમ દાસ?

*

કહું દેશ જાત ને ધર્મ, બોલી ને રીત, લોહીથી જુદા, સ્વભાવે જેહ,

રે, કોટિ ઉપાયે કરી, પામવા કદી, પરસ્પર સુખ, મળે ક્યમ તેહ?

દરશાવે વિધવિધ લાભ, ઉપલા તોય, તેહમાં કપટ, કેમ નવ હોય?

ને તે જીવતો રાજ, થઇ કાયર, નિરાંતે નિત, ટક્કટક જોય.

શું સગાં સ્નેહી ને પ્રજા, રાખતાં હશે, મુજ પર સાચ, પૂર્વની ભક્તિ

રે, ખાય તેનું સહુ ગાય, એમ નહિ હશે, નિરાશી છેક, તેની શી શક્તિ?

ધગધગતું નહિ શું હોય, ઉરમાં છૂપું દેશકુળતણું, ચંડ અભિમાન?

શું છેક ડરી જઇ મને, સ્હાય નહિ કરે? ગમે ત્યમ થાય, હું તો દઉં પ્રાણ.

અંત છે સતનો યશ, વીરસિંહ ધસ, રણે રમ મસ, કીર્તિ સંપાદ.

જંગલમાં મંગળ થાય, સ્હાય જો ઈષ્ટ, હવે ઝટ થશે, શંખનો નાદ

વહારે માતા તું આવ, રાહ દરસાવ, કૃત્રિમી દુષ્ટ, શત્રુ છે મોટ.

જોઉં હું ધસીને બહાર, છીનવું શસ્ત્ર, મારું કે મરું, મુજ હોઠ.

નથી ઉપાય સૂઝતો કાંઈ, મૂંઝાઉ છેક, ઊઠું શું હાય, નથી ઉઠાતું.

નથી પાસ માહરી કોય, દેવી દર્શન, દેઇ સાક્ષાત, મને ઝટ સ્હા તું.’

તત્ક્ષણ શાકંબરી ત્યાંહ. થઇ સન્મુખ, વદે ‘પ્રિય વત્સ, રાખ તું ધીર.

પડશે ધાર્યું તુજ પાર, છઉં હું સહાય, શંભુને જઈ, મળું છું વીર.’

થઇ તે પછી અંતરધાન, વીરસિંહરાજ, ચોંકીને ઊઠ્યો, સ્વપ્ન શું અજ

દેવીનાં દર્શન જ, લાભ લઉં મોટ,’ ભણે છે રાજ, સીઝશે કાજ.

રે, સાંભળ્યું તો નહિ હોય, કોઈએ મુજ? હશે, શું હવે, ડરી ગભરાઉં?

માત, કહીશ ત્યમ કરીશ, પહેલી કહી જજે, કીદાડે કેમ, મુક્ત હું થાઉં.’

સર્ગ

જ્યાં કર્યો કૂકડે શબ્દ, થયો શ્રુતિધોષ નદીનીરભાસ, ઊજળો સ્હોય.

તેવે શાકંબરી ઝટ્ટ, સ્નાન કરી પટ્ટ, શુભ્ર સજી ધ્યાન, કરે તો જોય,

આવી છે પોતે ત્યાંહ, હિમાલય જ્યાંહ, ઊંચ શૃંગ જેહ, ભણ્યું કૈલાસ.

પુરી ત્યાંહ નહિ પણ જ્યાંહ, કરે વિશ્વેશ, યોગધ્યાનાર્થ, નિરાળો વાસ.

ત્રણકૂટ ત્રિકોણે તોય, મધ્ય હિમભર્યું, તેથી ત્યાં કોઇ, દીસે નહિ તેહ.

અતિ આરસ ઓપે જેમ, કઠિણ હિમથકી, સપાટી એક, થઇ દીવો રેહ.

વડ વિશાળ અતિ ગંભીર, ઘટાએ ભવ્ય, જટાની જુગત, અનુપમ હોય.

ધૂણી ધૂમ્રકોટ ચોપાસ, વિભૂતિ ઊડે, કુસુમસહવાસ, મંડપે મ્હોય.

વિજ્યાનાં વિધવિધ વૃંદ, બીલીનાં વૃંદ, આક ધંતૂર નિંબ ત્યાં જોય.

તાંડવ નૃતકેરો સાજ, યોગનો રાચ, મચ્યો ગણસાથ, સાંબશિવ સ્હોય.

કપૂરગૌર વડી કાય, કપોળ વિશાળ, નયન ત્રણ દિવ્ય, રંગ વિકરાળ.

મસ્તકે જટા રહી ઊર્ધ્વ, વિભૂતે શ્વેત, હોય સર્વાંગ, મુડની માળ

ભૈરવ સ્વરના અતિરમ્ય, ઘટાનભ તાંહીં, જુવે ને કરે, સ્વરૂપ વિલાસ,

દિગ જે જેહનું વસ્ત્ર, વ્યાઘ્ર આસન, એહવો યોગી, કરે અટ્ટહાસ્ય.

સર્ગ

જેવું કહાં કહ્યું અભિમાન, દેશમાં અને વીરસિંહતણા, કેટલા ભક્ત.

છે અગત્ય એની પ્રથમ, સાધનો મળે, સ્હેજ જો હોય, પ્રજા આસક્ત.

જહાં જ્ઞાન ઊંચા ઉમંગ, વિના મન રિક્ત, પેટની વેઠ, કરે સહુ જન.

જહાં આર્જવ ને આળસ, મહાલતાં મસ રિક્ત, પેટનીવેઠ, કરે સહુ જન.

સ્થિરતા કાયરની તેહ, હશે જો બધે, લાગશે વાર, થતાં તો કાર્ય,

ચલિત થયા વણ નહિ. ચાલશે કોઇ, પ્રસાદી રૂપ, ઉપાયો આર્ય.

માટે જઈ જાગે જાગ, જોઇને પછી, કરી ઉપાય, કાઢવો રોગ,

બળ આપી શીખવી જુગત, ઊંચપણથકી, આણવો સ્હેજ, લાભનો યોગ.

કરી વિચાર એવો ફરે, દેશમાં બધે, ધરી જનરૂપ. દેવતા તેહ.

પછી પરમાણે જુએ, લોકના હાલ, છેક લાચાર, બીચારા જેહ.

પરદેશી રાજ્યોમાંહીં, ઉપલું સુખ, મળ્યે જન રોજ, રાજી થઇ રહે.

નરદેહે પશુથી નીચ મૂગાં ને રાંક, દાસપણતણો, માર નવ લહે.

જ્યાં અન્ન વસ્ર છત વળી, ઉપરની પ્રીત, સ્વામીની જોઇ, રાચતા દાસ,

જ્યાં નીચ મજા સુખથકી, રાજી ધનવાન, ત્યાં શી હોય, ઊંચી વળી આશ?

નવ જાણે છૈએ દાસ, મૂર્ખ જડભરત, તહાં શું જંન, ભીતરના ભેદ,

સત્તાધારીના લહે, સ્વારથી જેહ, પ્રજાને નિત, રાખતા કેદ.

રાખે બહુ રાજી રોજ, ઉપરથી તોય, દાસ ને મૂર્ખ, જંન સહુ હોય.

વણ સમજ દાઝ ને છૂટ, રિદ્ધિ દેશ, ઊંચો સુખથકી, ઊંચા ક્યમ સ્હોય?

દેશી રાજ્યોમાં છેક, પ્રજા બહુ દુ:ખી, એહ પણ ઇચ્છે, પ્રદેશી રાજ,

જેના દાબ્યા નૃપ રહે, સદા ભયભીત, રખે લે લૂંટી, અમારું તાજ.

નવ જાણે નિજ જનદાઝ, રહે ગુલતાન, નીચ સુખમાંહીં, નિજ પણ ખોઇ.

સ્વારથ કાજે પરધાન, પ્રજાને દમે, બની કંગાલ, રહે જે રોઈ.

જ્યાં ત્યાં છે દુઃખ અજ્ઞાન, દીસે વેરાન, વળી સૂનકાર, એકલાં રાજ.

કો જન વળી લહી સમશાન, થઇ નિરાશ, વિરાગી બની, સમાવે દાઝ.

ખીચોખીચ ઝાડીથકી, સૂર્યનાં કિરણ, પેસી નવ શકે, અને જ્યાં હોય,

જળહવાથકી બહુ પત્ર, જેહમાં પડી, એવું કો નિશ્ચળ, જળાશય હોય,

તેવું છે જનનું મન, દેશમાં બધે, કાર્યની સિદ્ધિ, ઝટ્ટ ક્યમ થાય?

પૂતળાં મુડદાં શું કરે, વિના ચૈતન્ય, રુધિર વણ કેમ, ઉર ઊંચકાય?

ઉત્સુકતાવાળું જ્ઞાન, દીસે નહિ કહીં, અરે વિના નિરર્થક યોગ.

દાઝે તે આઘું જાય, દાઝ છે કહાં? થઈ પાષણ, ઠોઠ છે લોક.

આવ્યાં છે જનને શીત, ઘટિત ઉષ્ણત્તા, વિના ક્યમ જાય, પીડતો રોગ?

ઊંચ સંગત ને ઊંચ જ્ઞાન, વિના ઉમંગ, બીજા ઉપાય, સર્વથા ફોક.

જે જંન યવનમાં હીણ, તેહના હુકમ દેશી કુળ ઊંચ બજાવે રોજ.

પછી થાય ભાંડુનું ભૂંડું, તોય તે વહે, વૃષભની પઠે, રાજનો બોજ.

જે કુલીન દેશી જન તેહ, રહે હક ખોઈ, બીચારા કોક મૂકી કુળટેક,

લઇ નોકરી રાજી રહે, નોકરી તેથી, ડરે તે હોય, દબેલા છેક.

ઊંચાં પદ થોડાને જ, હવે તે કેમ, છૂટથી ભણે, નિજ વિચાર?

થોડા જે પાસે ધંન ભણેલા નહિ, નિર્ગમે દિન, કરી વેપાર.

વચલાં કુળ વણ ઉદ્યોગ, રવડતાં ફરે, ધંન વણ કેમ, ભણે પરબોલી?

માત્રે ખેડૂત અજ્ઞાન, સુખી છે ખરા, બીજા જન દુઃખી, જનાની શોખી.

જે જે શૌર્યદિક ગુણ, ઊંચ કુળરીત, દીસે નહિ કહીં, દેશી જંનમાંહી.

વણ નરપણું શું હોય, સર્વ કાયર, ઢોરરૂપ બની, રાજી રહે ત્યાંહીં.

રસપ્રદ તથ્યો

[ત્રણે સર્ગમાંથી ચયન –સંપા.] [લેખકની પ્રસ્તાવના: જ્યારથી મને સમજાયું કે હવે હું કોઈ પણ વિષયની કવિતા કરવામાં ફાવીશ ત્યારથી મને એવો બુટ્ટો ઉઠેલો કે જિંદગીમાં એક મોટી વી૨૨સ કવિતા તો કરવી જ; પણ વ્યવસાયને લીધે તે કામનો વિચાર પડતો મુકેલો. સને ૧૮૬૨માં જીવરાજ લખવા માંડ્યો પણ બે વિરામથી જ અટક્યો– વૃત્ત અનુકૂળ ન પડવાથી વિચારોને કવિતામાં મુકતાં વાર લાગવા માંડી ને તેથી રસ ઓછો જણાયો. સને ૧૮૬૩માં હિંદુઓની પડતી લખતી વેળા તે બુટ્ટાનું પાછું સ્મરણ થયું. પણ એ વેળા પણ ફાવ્યું નહિ. સને ૧૮૬૬ના ડિસેમ્બરમાં એ બુટ્ટો પાછો જાગ્યો ને મોટી વી૨૨સ કવિતા કોને કહેવી એ વિષે મેં અંગ્રેજી પુસ્તકો ઉપરથી સારી પેઠે સમજી લીધું ને નક્કી કર્યું કે તે લખવી જ. હવે વિષય જોઈયે. નવા કલ્પિત વિષય કરતાં જુના ઇતિહાસમાંનો વિષય લોકને ઉત્સાહથી વાંચવો ગમે છે માટે તે લેવો;પ્રેમ-શૌર્યાદિક ગુણો તેવા વિષયથી જેવી ભભકથી દેખડાવાય છે તેવી ભભકથી બીજામાં નથી દેખડાવાતા; માટે વિષય લેવો તો ઈતિહાસરૂપ જ. એની ખોળમાં પડતાં કોઈ યશસ્વી નાયક ન મળે. દિલ્હીના પૃથિરાજની ચંદે કવિતા કરી છે માટે એ લખાએલો વિષય ન લેવો ને વળી એ યશસ્વી નાયક નથી. તા. ૨૦મીએ સુઝ્યું કે વિક્રમનો શક ગુજરાતમાં ચાલે છે ને જો કે એ માળવાનો રાજા હતો તો પણ તેના વખતમાં ગુજરાત તેને તાબે હશે જ. એ વિક્રમે સ્કુથિ નામના લોકનો પરાભવ કરી શક ચલાવ્યો છે માટે એનું સ્કુથીઓનું જે યુદ્ધ થયું તે પ્રસંગ લઈ તેમાં વિક્રમનું શૌર્ય પરાક્રમ વર્ણવવું એવો વિચાર કર્યો. એને સારુ વિક્રમ ને સ્કુથી સંબંધી અંગ્રેજી ઘણાંક પુસ્તકો (જૂના ઇતિહાસનાં) જોયાં પણ યુદ્ધપ્રસંગ તેમાં મળે નહિ. જ્યોતિર્વિદ્યાભરણ નામના સંસ્કૃત ગ્રંથમાંથી કામને લગતું એટલું મળે છે કે તેણે ૯૫ સ્કુથી સરદારો (રાજા)નો પરાભવ કર્યો. સાહિત્ય નહિ તેથી નિરાશ થઈ એ વિષય છોડી દીધો. પછી મેવાડના પ્રતાપ વિષે લખવાનું ધાર્યું કે જેમાં અકબર જહાંગીર શાહજહાં અને કેટલાક નામાંકિત રજપુતોનાં ચરિત્ર વર્ણવવામાં આવે. પણ એ પણ યશસ્વી ને દેશપ્રસિદ્ધ નાયક નહિ તેથી તેને પણ પડતો મુક્યો. મેં જોયું કે મારે માંહિ વી૨૨સકવિતા લખવાનો ઉદ્દેશ દેશાભિમાન જગાડવાનો છે ને એ ઉ૫૨ મનના ઉભરા સારી પેઠે કાડવા છે અને જ્યારે ઇતિહાસરૂપ કોઇ યશસ્વી નાયક નથી ત્યારે કોઈ નવો કલ્પિત જ નાયક રાખવો ને નવી જ વાતો યોજવી એ સારું છે. તે પછી તેમ જ કરવું નક્કી કર્યું. પછી વૃત્તના વિચારમાં પડ્યો. રોલાવૃત્ત બીજા બધા કરતાં અનુકૂળ પડે તેવું છે. પણ એમાં પણ જેટલી જોઈએ તેટલી પ્રૌઢતા નથી. અંગ્રેજી વી૨૨સકવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મથ્યો પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ. અંતે સને ૧૮૬૭ના મેની ૧૭મીએ કોઈ રાજા કોઈ બીજા રાજાએ તેનું રાજ્ય લઇને કેદ કર્યો છે તે પાછો પોતાનું રાજ પાછું મેળવે છે એટલા જ વિચાર ઉપરથી મે વીરસિંહ ને કાફ૨જંગ (દંભરાજ) એવાં નામો આપી સરસ્વતીનું મંગળાચરણ કર્યું; ને પછી તા. ૨૫મી મેએ વીરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિષે એકદમ જોસમાં આવી લખવા બેઠો. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં એ વિચા૨થી બોલાઈ ગયું કે ‘હું કોણ કહાં હું’ ને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું. એ વેળા મારી આંખ કેવી હતી તે ‘પુર્ણા’ એ લીટીથી જણાશે. તે દિવસે તો ૧૫ લીટી જોડી. પ્હેલી આઠ લીટી પછવાડેથી જોડી છે. પ્હેલો ને બીજો એ બે સર્ગો જુલાઇની આખર લગીમાં પૂરા કર્યાં, ને પછી કોશની તડામારમાં પડવાથી એ વિષય આગળ પડતો મુક્યો છે—હવે જ્યારે લેવાય ત્યારે ખરો. હજી લગી આગળ શું લખવું છે તેનો કંઈ જ વિચાર નથી. જે વેળા જે સુઝે તે ખરું. નથી વિષયના પુરુષોનાં ઠેકાણાં ને નથી વાર્તાનાં ઠેકાણાં, સરસ્વતી એ મારો મોટો ઉદ્દેશ પાર પાડે ત્યારે ખરું. ઓગસ્ટ ૧૮૬૯]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023