prithuraj rasamanthi ansh - Epic | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

'પૃથુરાજ રાસા'માંથી અંશ

prithuraj rasamanthi ansh

ભીમરાવ ભોળાનાથ દિવેટિયા ભીમરાવ ભોળાનાથ દિવેટિયા
'પૃથુરાજ રાસા'માંથી અંશ
ભીમરાવ ભોળાનાથ દિવેટિયા

પછી તે પતિનાશકારમી—

દુખવાર્તા જઈ દાસિએ કહી;

સુણતાં મૃત શબ્દને નમી,

ઝટ મૂર્છા પણ રાણીને થઈ. 1

ભ્રમમાં અનુગામિની તે,

ઉર કમ્પે શ્રુતમાત્રવિવ્હલા;

ક્ષણમાં જઈ આણિ આનને,

જળ છાંટી, બહુ દાખવી કળા. 2

હૃદયે કર નાંખી આર્જવે,

હજી જીવે સખિ એમ તે વદી;

ઘડી એક પછી વ્યથા થવે,

સ્મૃતિ આવી ઉઠિ રાણી શોકથી. 3

સમજી પ્રિયનાશ તે સમે,

સકી તે ખમી વિવ્હલાન્તરે;

થઈ ભારી અસહ્ય જે દમે,

અકળાવી અતિ વેદના બળે. 4

સંયુકતાનો વિલાપ

શમવા કંઈ આર્ત્તિ તે ઉંડી,

ભુજ મૂકી હૃદયે પ્રિયાનના;

ઉભરો દુખનો નિવારતી,

પણ તે તો વહ્યું માર્ગ અશ્રુના. 5

પડતી અતિ ઉષ્ણ ધાર તે,

બહુ દાબે પણ જે નહિં શમી;

મુકી કંઠ ચિદોર્મિભાર તે,

પૃથુરાણી પછી રોઈ ત્યાં નમી. 6

ઉપરાઉપરી અબદ્ધ તે,

પડતાં જોઈજ અશ્રુબિન્દુને;

પ્રિય દાસીજનો મળ્યેં છતે,

સહુ આંખે વહિ આંસુ ધાર તે. 7

નીરખી સખિયો સહુ રુવે,

નૃપકાન્તા પણ ચીસ કારમી;

કંઈ પાડિ પળેક છાતિયે

ભુજ દેઉ બહુ રોઈ ના શમી. 8

સુણીને પુરવાસી તે ક્ષણે,

નૃપહમ્યેં અતિ ઉગ્ર શોક તે,

પરલોક જતે પિતાતણે,

સહુ રોયાં રહ્યાં રોકતે. 9

ધ્વનિ તે પસર્યો સ્થળે સ્થળે,

સુણી રોયાં વનવૃક્ષ વેલિયો;

મૃગ પંખી રહ્યાં સ્તબ્ધ તે,

પછી રોયાં ચિત શોકતો થયો. 10

રણમાં પડિયો પ્રજાતણો,

પતિ તેથી ગણી બંધુને ગયો;

કરીને પરદો પયોદનો,

મુખ ઢાંકી રવિ ગુપ્ત તે રહ્યો. 11

પૃથિવીપતિઅન્તને ગણી,

દિશ ચારે અતિ અંધકારથી,

યુથ વાદળનાં ફરી વળી,

સહુ સૃષ્ટિ બહુ રોઈ વારિથી. 12

નિરખી પણ દિવ્ય શોકને,

ઘન ઉત્પાત ગર્જના વીજે;

પવન પ્રતિદિક્ ક્ષણે ક્ષણે,

મુકિ નિશ્વાસ વહ્યો પ્રમત્ત તે. 13

ઉદધી ઉલટ્યો તરંગથી,

ધરીને તે સમભાવ ભાનુનો;

ઉલટી સરિતા વહી બધી,

નગ દાખે ઝરી ખેદ આપણો. 14

સખિયો મળી માળ તે ક્ષણે,

કરી આક્રંદ નૃપાંગના રુવે,

ખમવા થઈ તે અશક્ત ને,

જઈ દૂરે સહુ નેત્રને લુવે. 15

‘પૃથિવીપતિ આજ સમે,

તજી તારાં જન સર્વક્યાં ગયો?

રવિ આતપિ વ્યર્થ જો દમે,

મુજ ચિત્તે પણ અસ્ત તે થયો. 16

છતિ અતિદીર્ઘ દૃષ્ટિથી,

મુજ આંખે જણાય કાંઈ તે;

સમજી તું વનાનિ સૃષ્ટિથી,

નહિ સત્યે કંઈ વસ્તુને વિષે. 17

દઈને જળ પ્રેમ કેરું આ,

તનુવલ્લી મનથી ઉછેરી જે;

સહસા પડી વિયોગમાં,

રહી તે જીવતી તોય મૂઈ એ. 19

રહીને નિત સાથ સે’જમાં,

અણધાર્યો પિયુ છેહ જે દીધો;

‘તું વના હું નહિં’ સુધા સમાં

વચનોનો પ્રતિભંગ તેં કર્યો. 20

પ્રણયાશ્રય પ્રાણ રહ્યો,

ટકે તે વિરહે ભમે મતિ;

મુજ જીવન બોલી જાણિયો,

ક્ષણ સત્ય પ્રાણને પતિ. 21

તું જવે રહી આજ એકલી,

પ્રિયભર્તા! વનમાળિએ તજી,

સુકી વેલી સમાન હું બળી,

જવું શૃંગાર હવે ક્યહાં સજી? 22

અબળા તજી એકલો ગયો,

વચમાં તે પણ સાંભરી નહિ;

પ્રિય નિર્દય એટલો થયો,

કદિ જેણે કટુ વાણી ના કહી. 23

અપરાધ કશો કર્યો ઘણો,

અણજાણે ખશિયો વિના કહ્યો;

તું નહિ અજાણ સ્ત્રી તણો,

જીવતે તોપ્રિય સ્વામિને કહે. 24

કશી રીતથી હું કરી રહું;

પ્રિય જો તું જઈ સ્વર્ગમાં વસે?

મનમાં મન મળી ગયું,

થઈ છાયા ક્યમ તારી તે ખસે. 25

હમણાં જઈ ને ફરી વળી,

મળિશું તે કહીને ક્યહાં ગયો?

અથવા કરી હાસ્યને છળી,

પ્રિય! મારા થઈ ગુપ્ત તું રહ્યો? 26

ક્યમ દિન કાઢવા હવે,

સમજે તું થઈ તારી તેં કહ્યું;

દુખલેશ રંગમાં નવે,

હતું તે તો હતું સહૂ થયું. 27

વચમાં મધુરું વદી વદી,

પ્રિય પાસે લઈ જે ઉમંગમાં;

તુજ તે સદ્યળી કળા બધી,

રહી સંભારવી આવી અન્તમાં. 28

અથવા મન ઉભરા રહ્યા,

પિયુ! કોને જઈને હવે કહું

ચિતવહ્વિ પ્રદીપ્ત જે થયો,

ઝટ જે દીન થાય તે હું. 29

કરી પિયુ! આજ પારકી,

‘તું મારી’ બહુ તેં કહી કહી;

પતિને વશ જે કરી સકી,

તજવે તે નિરુપાય જો રહી. 30

વદ કાન્ત કયહાં જઈ હવે,

મનમાંનું સુખદુઃખ કો કને

કથવું સમભાવસંભવે,

નહિ ચિન્તા રહી એટલી તને? 31

બહુ શું તુજને કહું અરે?

મુકિ આધાર વનાની એકલી;

નહિ કો શરણે જતી ખરે,

હું પરાધીન પ્રિયાજ તેં કરી. 32

સુણીને કંઈ બોલ માહરા,

ફરી આવી કંઈ પ્રીતિ ભાવથી,

પ્રિય દર્શન દેઈને જરા,

કરી ઉદ્ધાર તું સાથ લે પતિ. 33

અતિ આકુલ નહિ ટકે,

ચિત મારું તુજ સંગ જે રહ્યું;

તનુમાં ક્યમ તે વશી સકે,

વસવા કારણ સર્વ તે ગયું. 34

પિયુજી કરી આમ વેગળી,

ક્ષણમાં તે ક્યમ મૂકીને ગયા?

હતી વૃત્તિ કૃપા ક્ષમા ભરી,

પણ આવા નઘરોળ ક્યાં થયા? 35

દુખમાં સહુ આલિ સમે,

રવિનું તેજ પડે ઉદાસીમાં;

તજવે વિનકાર્ય તમે,

દુખિ તે ભારતભૂમિ ત્રાસમાં. 36

ક્ષણ એક અરે જરા ફરી,

મુકિ તારી પ્રિય નારી રોતીને

મળ આવી દયા દીલે ધરી,

નહિ જાણું કહિં આવું તું કને. 37

પ્રિય તે રહી તારી પ્રિયા,

સુણી તેના કંઈ તો વિલાપને;

સ્મરીને મુજ એકવૃત્તિ આ,

કંઈ તો પ્રેમ તું આણજે મને! 38

તું વિના સુવિલાસવસ્તુમાં,

નહિ કાંઈ પણ કાર્ય તો દીસે;

ઉગિ પણ વ્યર્થ ચંદ્રમા,

બહુ ફીકી નહિ ચંદ્રિકા લસે. 39

તું જતે પિયુ હાય જો થઈ,

ગમતી તે સહુ સૃષ્ટિ સુની

તનુની પણ કાન્તિ તે ગઈ,

સમજે તું પછિ વાત શી ઘણી? 40

કરુ શું ક્યમ આવીને મળું?

તન જૂદાં જીવ એક તું કળે,

પણ ધિક દેહને ગણું,

અતિ આશ્ચર્ય કેમ નીકળે. 41

પ્રિય તેં મુજને બહુ ગણી,

ક્યમ છોડી સહસા ગયો વધૂ

તુજને હું નહિ એકલી,

તુજ આધાર રહ્યું જગત્ બધું. 42

નહિ જો રસ વસ્તુને વિષે,

ઉલટા તે ગુણ સર્વમાં દીસે,

જલ વહ્નિ સમાન જો દીસે,

દમતી તાપ સમાન ચંદ્રિકા. 43

પિયુ જો તજી આમ જાય તું,

ઘટી કિંચિત્ પમ સૂચના વિના

નહિ સત્વર આવિ જો મળું,

ધિક જીવિત મારું સર્વથા. 44

કરીને સઘળું વૃથા થયો,

મુજ સૌભાગ્ય, સદા અદૃશ્ય જે,

બહુ રોઈ કરી મનાવિયો,

પણ આવી મળશે કેમ તે? 45

તુજ મુખ રૂપ જે રુડું,

હૃદયેથી ક્યમ દૂર તે ખસે?

સ્મરીને સુણ સર્વ શું કરું,

અણધાર્યું ચિત તું ભણી ધસે. 46

પ્રિય તે પિયુ તારું બોલવું,

સુવિહારો રચવે નવા નવા;

નહિં તું પતિ તે થકી સહુ,

સ્મરવાના હવડાં તે રહ્યા. 47

ગયું તે ક્યમ આવિને મળે

બહુ રીતે પણ શોક તે કર્યે,

સ્થિર તે થતી પ્રેમને ગણે,

જઈ અન્તે નિજ તત્ત્વમાં ભળે. 48

કરી તે અપરાધ માહરા,

કટુ મિથ્યા વચનો તણી ક્ષમા,

ધર તું કંઈ પ્રીતિ તો જરા,

તું મારે, હું સમાં તુંને ઘણા. 49

ક્યમ તું હજી બોલતો નથી,

વચનો સુણી આંસુડે ભર્યાં?

ગઈ ઊતરિ છેક ચિત્તથી,

અણચિન્ત્યાં, પિયુ કાર્ય શાં કર્યાં 50

તુજમાં મુજ પ્રાણનાથ આ,

સ્થિર વૃત્તિ ખશિ તે દિઠી જરા,

વસતે નિત તારિ સાથ આ,

મન ધાર્યા, તુજ અર્થ મેં પૂર્યા. 51

પિયુજી મુખમાગ્યું આપિયું,

ઝીલી લીધા અરધેથી બોલ તેં;

સઘળું સુખરૂપ જે થયું,

નડતું વિઘ્ન થઈ હવે જતે. 52

સહસા પરલોકમાં જતે,

વદ આવી, સુકુમાર અંગના;

મુક્તે સમજ્યો નહીં તું કે,

મુજ સર્વસ્વ ગયું પતિ જતાં. 53

કહીને મુજ પ્રીતિરૂપ તું,

અથવા પ્રાણસ્વરૂપ તું થઈ,

ધરી મૌન રહ્યો વિલુપ્ત તું,

ક્યમ જીવ સકે જુદો રહી.’ 54

કરી એમ બહૂ વિધે રુવે,

દુખિ તે ભારતરાણીને સુણી,

પ્રિય ત્યાં સખી આવીને જીવે,

કરી આશ્વાસન હાથ દે ઘણી. 55

થઈ પરિવેદના તણી,

પ્રિય રાજ્ઞી, સહુ જાણિયે સીમા,

પણ ભંગુર દેહને ગણી,

સ્વજન પ્રાણ ગયે ઘટે ક્ષમા. 56

પરિતાપ મૃતાર્થ જે કરે,

પણ પાછું મળે વિલાપથી;

અતિ શોકથી મુગ્ધ તે ઠરે,

અવધી તે થકી દુઃખનો સતી. 57

પ્રિય વસ્તુ દેખી દૃષ્ટિયે,

પણ જો તે હૃદયે સદા વસે;

રહી દૂર તથા સમીપ એ,

સમભાવે સુખરૂપ તે થશે. 58

સખી પ્રેમનિબદ્ધ સર્વદા,

દૃઢ ચૈતન્ય વિશુદ્ધ સૃષ્ટિમાં;

રહ્યું વ્યાપિ સમસ્ત સ્વસ્થતા,

સુણ આપે, પછિ દુઃખવૃત્તિ ક્યાં. 59

સમજી સતી સ્નેહ બંધથી,

વિજ બંધુ ચિતમાં વશી રહે;

મૃત જીવતી તેની તેહથી,

અવિભિન્ન સ્થિતિ જ્ઞાનિયો કહે. 60

ગણીને પતિ નિત્ય પાસ તે,

ઘરો સંન્યસ્ત પવિત્ર કાનને,

કરીને પરિધાન યુક્ત તે,

સ્થિર ભાવે વસવું ઘટે તને. 61

અથ તે પરિપૂજ્યપિંડમાં,

કરી ઇચ્છા સ્વશરીર અર્પવા,

ધર્યુ સખીવાક્ય લક્ષમાં,

કહ્યું જે જ્ઞાન તપસ્વિની થવા. 62

બહુ મોહમયી કીધા થકી,

કદિ માયા મુનિ ધ્યાન તે ચળે,

પણ જે દૃઢ સ્તરી કરી સકી,

મનના નિશ્ચય તે નહિં ટળે. 63

ધરીને પરિધાનમંડનો,

સહુ સૌભાગ્યસુચિન્હ શોભતાં;

ગણી મરણ પ્રચંડનો,

ભય તે કાન્ત ગણીજ જીવતા, 64

કર્યું જે શુભભાલ કુંકુમે,

ધરીને મૌકિતક હાર આર્જવે;

સતીમંગળવસ્ત્ર તે સમે,

અતિ ઓપ્યું પૂરી તે ક્રિયા થવે. 65

ધરીને પરિધાન અન્તનાં,

કરી ધૂપાર્ચિ પ્રદીપ્ત જ્યોતમાં,

પિયળે શિર કર્ણિકારનાં,

કુસુમે તે સતી ચાલી દ્યોતમાં. 66

ગુરુએ વિધિનિષ્ઠ રાણીને,

સજીને પૂજન ત્યાં ચિતા તણું,

પદ દેઈ પ્રદક્ષિણા કને,

ચલવી તે પછી અગ્નિમાં ઘણું. 67

જે તે ચઢી પડી ચિતાતળી અગ્નિમાંહી,

રાણી અનન્ય ગુણથી સુણી સૃષ્ટિમાંહી,

તે એકવૃત્તિ ધરીને પતિ કેરી નિષ્ઠા,

જાણી ગઈ સહજ ભારતની પ્રતિષ્ઠા. 68

સ્રોત

  • પુસ્તક : પૃથુરાજ રાસા (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સર્જક : ભીમરાવ ભોળાનાથ
  • વર્ષ : 1932
  • આવૃત્તિ : 2