indrajitwadh mahakawyamanthi ansh - Epic | RekhtaGujarati

'ઇંદ્રજિતવધ મહાકાવ્ય'માંથી અંશ

indrajitwadh mahakawyamanthi ansh

દોલતરામ કૃપાશંકર પંડ્યા દોલતરામ કૃપાશંકર પંડ્યા
'ઇંદ્રજિતવધ મહાકાવ્ય'માંથી અંશ
દોલતરામ કૃપાશંકર પંડ્યા

સમુદ્રવર્ણન અને સમાપ્તિ

(શિખારિણી)

નદી જેવી વક્રા પ્રિય સહચરી અંગ ધરતો,

મદે છાતી કાઢી હરખભર શું નૃત્ય કરતો;

દબાવીને જ્વાળા, પરવશ કરી અગ્નિવડવા,

કરેછે શું ચાળા જલધિ રવિની સાથ લઢવા. 1

નૃશંસો ને દેવો અચળ અહિનો યોગ કરતાં,

મહા યત્ને વિષ્ણુ જળનિધિ વલોવે જળ છતાં;

મહા રત્નો તોએ અમૃતયુત દેછે અનિકલ:

મહાત્મા સોરંગી સમ વ્યથિત દે રંગ નવલ. 2

ક્ષણે ધાઈ ધાઈ ઘન પુલિનને જાય મળવા,

ક્ષણે ધીરે ઘીરે મૃદુકણ દ્રવે જેમ મઘવા.

કરે છે છોળોના ધવલ જલથી હાસ્ય અમલ;

ધરાને શો ખેંચે જલનિધિ તણો પ્રેમવમળ! 3

શિલા વૃક્ષો તારા શશિ રવિ અને અભ્ર ગળતો,

ભલાં ભુંડાં દ્રવ્યો ઉદરદરની મધ્ય ભરતો;

વિરાટે ફાડ્યું વદન મકરાકાર અથવા

બતાવે માયાનાં તરલપડ અંભોનિધિ નવાં. 4

પ્રભાવે છે મોટો અકલગતિ, ગંભીર, સબળો,

પ્રસન્નાત્મા શ્રીમાન્ વિમલ, નહિ લેશે અછકલો,

સહી પીડા આપે અતુલબલ, ખારો પણ જળે

નહિ સંસારે સકલ ગુણ એકસ્થ નિકળે. 5

હણે જોતાં જોતાં દ્વિદગણને સિંહ જબરો,

ધરાને ધ્રુજાવે જ્વલિતમુખથી ભૂધર ખરો

ધરે મૂર્છા તંદ્રા મુખરસ્વર વાત્યા ઘનથકી,

ત્રણે તોએ ત્રાસે જલનિધિતણા ચંડધ્વનિથી. 6

છબીલી કાન્તાનાં સ્તન ઝઘન આલિંગન ભરે,

છતાં ધીમે ધીમે ત્રમ ભુવન આમોદ પ્રસરે

સુયોગી સંચોગી હૃદય ભરતો દિવ્ય મુદથી,

અસૂ જેવા વ્હાલા સ્વજનિત વિદેહી પવનથી, 7

લઈ લક્ષ્મી કેરી લટભ લટકાળી સુરસતા,

શશિની ખેંચીને અતિશય સુધાની શીતળતા

પ્રિયાના લાવણ્યે લવણરસ વામે સ્થલ સ્થલે,

મહાત્માના હૈયાસમ મસૃણ અંભોનિધિ જળે. 8

રમાડે રામાને વલયરણકાનો સ્વર કરી,

શમાવે શરાના શ્રમ કરૂતણાં વિંજન ધરી

નિયંતા લંકાના પદતળ વિશે અંજલિ ભરી,

મહત્તા રીઝાવી જળનિધિ કરે નિત્ય બસરી. 9

દઈ લક્ષ્મી સાથે જગતપતિને કૌસ્તુભમણિ,

હરિ અર્થે હસ્તી ત્રણ ભુવન કાજે નિશમણિ

સુધા દેવોને ને ગરલ મદિરા શંબુ અરથે,

થયો મોટો અબ્ધિ સતત યશની વૃદ્ધિ ગરથે. 10

કરે ભીની લીસી જલકણથકી શ્વેત સિક્તા,

ધરી ઉષ્મા બાષ્પે ગગનરમ બારે રસિકતા

ઝઘે ન્હાની મોટી દૃઢ મૃદુ શિલા કૃષ્ણ તટમાં,

ધસે તેમાં વેગે, જળનિધિ રહે તોય વટમાં. 11

ફરે દોડે નાચે મુદિત પશુ ઉચ્છ્રંખલ બને,

રમે નાનાં પક્ષી જળચર નિરાંતે સુરતને

ભર્યો ભોળાં ચિત્તે અકલકલ કલ્લોલ કરતાં,

કરીને ઠારે છે રસિક રમુજી ગાન રટતાં. 12

થતો ટાઢો આત્મા વિરહિત તણો વિસ્મરણથી,

પડે છૂટા જીવો ત્રિગીણિત અવિદ્યાશરણતી

જરા ચિંતા ક્યાંથી, પરનિજ યદા વૃત્તિ રહે,

કહો શું શું અત્રે મહત જનનો સંગ કરે 13

ગ્રહે આકાશેથી મલરહિત આભાસ ઉજળો,

નદીનારી કેરો ગુણ પતિતના પાવન તણો,

તિતિક્ષા પૃથ્વીથી, અચળ ગિરિથી ગૌરવ ઘણું,

મહાત્મા ખેંચે છે ભ્રમર સમ સારૂં સરવનું. 14

સ્વભાવે બેરંગી પણ વરણમાં શ્યામ દિસતો,

કરી સ્વાહા સર્વે વ્યથ અવરની જઈ હિસતો

ત્યજી જીર્ણા પત્નિ નવ નવ વધૂમાં રતિ ધરે

અહો સંબોધિ અસુરજનની સંગતિ કરે. 15

જળે મત્સ્યો કચ્છો મગર દિન ને રાત વસતાં,

રમી ખાતાં પીતાં લઘુ ગુરુ ચદા જીવ ઠરતા

કરે ધંધાધારી નિજ ઉચિત નિર્બાધ પ્રસરે.

ધરા જેવું ધીંગું જળનિધિ પ્રવાહી સ્થળ ખરે. 16

તટે ચારે ખૂણે સરસ કદળીસ્થંભ દિસતા,

ગઈ બેશી ધૂલી, અમલ જલના ઓઘ સરતા,

ભરી ત્યાં રંગોળી, નવકુસુમનાં તોરણ કર્યો,

જરી કેરાં ભારે ધ્વજસહિત વિતાન વિખર્યો. 17

ચિતા માંડી મધ્ય સુખડ તુળસી કાષ્ઠ ખડકી,

સતીને છે જાણે સ્વરનગર ગોપૂરખડકી

ભરેલાં રેડેછે અસુરવનિતા પ્તાર ઘૃતનાં,

દ્રવેછે શું આજે અસુરજનનાં સ્નેહઝરણાં. 18

થવા દીર્ધાયુ કે વર વશ થવા કે પરણવા,

હણાવા કે પીડા સુતર નિજ સંસાર કરવા,

ભલી લેવા આશી જગતજનનીની ઉમળકે,

વહે છે લોકોનાં પુલિન પર સાં વીચિ ખળકે, 19

વદે જંબે જંબે કર કુસુમના હાર લઈને,

નમે વારે વારે પદકમલમાં શીર્ષ ધરીને

જુવે સાક્ષાત્ દુર્ગા ત્રિગુણમય સંસાર ફરતી,

કરાવાને ઝાંખી ભ્રમ સુજનના ભગ્ન કરતી. 20

કરે હાંસે મુકતામણિકુસુમની વૃષ્ટિ લલના,

સતીને છાંટે છે અમૃત, સુરની ચન્દ્રવદના

વધુને પૂજે છે, શ્વસુરપ્રતિ ધારે વિનય

गुणाः पूजास्थानं गुणिषु लिंग वयः 21

રહ્ચો શોભી આજે આમલ નભમાં ભાસ્કર ભલો,

સુગંધી વાએ છે મૃદુ મૃદુ વદી વાત વિરલો

સુધાંશુ ઉગ્યો શું ત્યમ જળતંરંગો ઉછળતા,

તટસ્થાયી વૃક્ષો નમન કરતાં સાથ મળતાં. 22

કરી છૂટી ન્હેરો સુઅલકનન્દા અલકની,

તજી મિથ્યા સેરો મનજનિત ખંદા ખલકની,

વહે મિઠી ધારા પથ ઉપર પંચામૃતભૃતા,

કૃપા વર્ષે કિંવા સહૃદય કટાક્ષે અહિસુતા 23

કપાળે કંકુની અરધશશિ પીયેળ દિસતી,

સજી કુંળાં અંગે અભિનવ અલંકાર લસતી

છતાં હૈયાસૂનો દશમુખ જુએ મૂર્તિ ભયની

સદા રેછે ભ્રાન્તિ અધમ જનને અંધતમની. 24

સતીને સાવિત્રી, રતિ યુવતિને, સિદ્ધિ યતિને,

પ્લવંગોને અંબા, ચિતિ વિખુધને, શ્રી સમુમતિને,

અધર્મીને તિત્રા અસિ, અસુરને સાંગ જ્વલિતા,

જણાતી લોકોને ગુણકૃતિ પ્રમાણે પતિવ્રતા. 25

ચઢી હાડોહાડે પતિવિરહની જ્વાલ અતિશે,

ધસે ચિતા સામી જ્યમ ઘન ઉમંગે નભ વિષે,

સતી કેરો થાએ શરભર નહિ વેગ તુરગે,

ચઢી યુદ્ધે વીરો મરણભયથી શું જરી ડગે 26

નમીને કલ્યામી શ્વસુર ગુરૂ ને શ્વશ્રુગણને,

જવા માગે આજ્ઞા પતિસહિત આનન્દસદને

શકે કાન્તા માંડે ચરઅચર સાથે પ્રણિપતિ,

અસારે સંસારે પતિમય પદાર્થો નિરખતી. 27

ચઢી માતાઅંકે અગર ઉમરે શૈશવ ધરી,

ચઢી મામાઅંસે, અગર વરપાટે જવ વરી,

ચઢી શૈયામાં કે પતિહૃદયમાં જોબનવતી,

ચઢી ચિતા મધ્યે ત્યમ પતિ સમીપે કુલવતી. 28

વિરાજે છે શ્યામા પતિવદનને અંક ધરતી,

બહુ દીપ્તિ ધારે સહગમનથી સ્નેહ ઝરતી

દયા લાવી કે છે અથ ઈતિ દસા રાવણ તણી,

ના હાલે ના ચાલે નગરવસતિ સ્તંભિત બની 29

નિદ્રા કે તંદ્રા, મરમ નહિ, મૂર્છા પણ નહિ,

ઉન્માદે મોહે સુમતિ મનચેષ્ટા પણ ગ્રહી

વજ્રાપાતે કે અહિદશનથી પ્રાણ અટકે,

વિધાત્રીના લેકો સમ વચનથી જીવ ફટકે 30

મહાબૂતો તોયે વિકલ થઈને સંભ્રમ ધરે,

ભવિષ્યત્ નિર્ઘાતે નિયત નિજ વ્યાપાર વિસરે

ગઈ ત્રાસે વ્યાપી ત્રિભુવન વિષે શૂન્ય જડતા,

બન્યાં પ્રાણી ચિત્રો સમ ગિર વદી જ્યાં પતિવ્રતા. 31

સતીને અંગુષ્ઠે સહજ પ્રકટ્યો વન્હિ ક્ષણમાં,

વશ્યો આવી ત્યારે શરદ ઋતુનો ચન્દ્ર તનમાં,

ભર્યાં સ્નેહે ચક્ષુ, વદન પણ હાસ્યે મલકતું,

વરાંકે પરંકે રમણશિરનું બિંબ લસતું. 32

ઘણાં વાજાં વાગે અનહદ રવે સપ્ત સૂરથી,

ધરા શું ભીંજાતી ત્રિભુવન તણા બાષ્પજળથી,

હરિદ્રા કસ્તૂરી અબિલ અગરૂ અક્ષત ઉડે,

ચઢે જ્યાં સ્વર્લોકે સુરરિયુવધૂ અક્ષતચૂડે. 33

ધરે દિવ્યા જ્યોતિ, વપુ અનલમાં સ્નાન કરતું,

પડ્યું જાણે ભૂલું પરમપદનું તેજ ભમતું,

ચઢે છે આકાશે સરરસર શાં ધૂમ્રપટલો,

શકે સ્હેજે મિથ્યા વિલય ભજતા ઐહિક મલો. 34

સુગંધી મ્હેકે છે જ્વલિત વપુથી ભવ્ય બસરી,

શકે સાક્ષાત્ કીર્તિ રૂચિર અનિલારૂઢ પ્રસરી,

ચિતાજ્વાલા સાથે પ્રણયરસની જ્વાલ મળતાં

થઈ શાંતિ શાંતિ, પણ અસુરના ચિત્ત જ્વલતાં. 35

તુટ્યા જોતાં જોતાં સજડ પડ અષ્ટાવરણનાં,

ઉડ્યાં ઉચ્ચે પંખી વિમલ થઈને દ્વૈતવનનાં

ત્યજી કારા જેવાં વપુ સ્વબળથી વિસ્તૃત થતાં

ધરી બે સત્ત્વો પુનિત રતિ અદ્વૈત બનતાં. 36

ત્યજી હમ્ર્ બાગો અશન ધન ને માન મમતા,

પિતા માતા ભ્રાતા પ્રિયજન સતી ભોગ ગમતા,

સતીત્વે આંલંબી ત્રિગુણગણ દિક્કાલ હરતી,

ત્યજી લિંગાભાસો અચલપદ પામી સહપતિ. 37

સદેહે લાખેણી અસુરનગરે ધર્મકુશલા,

શકે લંકાપંકે ભવકમલની શુદ્ધ કમલા,

ગણીને અસ્થાને ઝટપટ હરી સુજ્ઞ વિધિએ,

હરી શ્રી શ્રીકેરા જ્યમ જનકની સદ્ય હરિએ. 38

સ્રોત

  • પુસ્તક : ઇંદ્રજિતવધ મહાકાવ્ય (પૃષ્ઠ ક્રમાંક 141)
  • સર્જક : દોલતરામ કૃપારામ પંડ્યા
  • વર્ષ : 1913
  • આવૃત્તિ : 2