Read Online Gujarati Vadlo - Ekanki Shokparyavasayi Natak eBooks | RekhtaGujarati

વડલો - એકાંકી શોકપર્યવસાયી નાટક

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

કૃષ્ણલાલ શ્રીધરાણી લેખક પરિચય

તેમનો જન્મ હાલમાં ભાવનગર જિલ્લામાં આવેલા ગામ ઉમરાળામાં થયો હતો. તેમનો શૈક્ષણિક અનુભવ ખૂબ વિસ્તૃત હતો. તેઓએ તેમનું પ્રાથમિક શિક્ષણ ઉમરાળાની ધૂળી નિશાળમાં લીધું. માધ્યમિક શિક્ષણ લેવા તેઓ ભાવનગરની પ્રખ્યાત દક્ષિણામૂર્તિ શાળામાં આવ્યા. ઈ.સ. 1929માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાઈને ત્યાંથી સ્નાતક થયા. 1929માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જોડાયા. 1930ની ઐતિહાસિક દાંડીકૂચના એક સૈનિક તરીકે એમની પસંદગી થઈ. ધરાસણા જતાં કરાડીમાં એમની ધરપકડ થતાં સાબરમતી અને નાસિકમાં કારાવાસ થયો. વિદ્યાપીઠનું શિક્ષણકાર્ય સ્થગિત થવાથી તેઓ 1931માં વિશ્વભારતી – શાંતિનિકેતનમાં દાખલ થયા. ત્યાં તેમની કુનેહથી પ્રભાવિત થઈ ટાગોર અને અન્ય એક અમેરિકી શિક્ષકની ભલામણથી 1933માં તેઓ અમેરિકા ગયા. ન્યૂ યૉર્ક યુનિવર્સિટીમાંથી ઈ.સ. 1935માં સમાજશાસ્ત્ર–અર્થશાસ્ત્રના વિષય સાથે એમ.એ. થયા. સાથે કોલંબિયા યુનિવર્સિટીની ‘ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ જર્નાલિઝમ’માંથી 1936માં એમ.એસ. થયા અને એ જ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્ર અને રાજકીય તત્ત્વજ્ઞાનના વિષયોમાં પીએચ.ડી. કર્યું. તેમના પીએચ.ડી દરમ્યાન તેમણે ભારતના સ્વાતંત્ર્યની નિસ્બતથી લોકોને વાકેફ કર્યા. 1945 પછી ‘અમૃત બાઝાર પત્રિકા’ માટે લખવાનું શરૂ કર્યું. ઈ.સ. 1946માં ભારત પાછા ફર્યા અને જવાહરલાલ નેહરુના મંત્રાલયમાં ખાસ ઑફિસર તરીકે નિયુક્ત થયા. ત્યાં થોડા સમય માટે કામ કરીને ફરી પાછા અંગ્રેજી અખબાર ‘અમૃત બાઝાર પત્રિકા’માં જોડાયા, તે છેક મૃત્યુ લગી ત્યાં રહ્યા. ત્યારે એ અખબારમાં ખૂબ લોકપ્રિય થયેલી ‘Inside India’ નામની કૉલમ લખતા. નેહરુના ‘Discovery of India’ પર આધારિત એક નૃત્યનાટિકાના મંચન ટાણે દયારામ ગીદુમલનાં પુત્રી સુંદરીબહેન સાથે પરિચય થયો હતો, જે પાછળથી ગાઢ બનતાં બંને લગ્નગ્રંથિથી જોડાયાં.

તેઓ 1946માં રાજકોટ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિભાગના પ્રમુખ રહ્યા હતા. 1958નો રણજિતરામ સુવર્ણચંદ્રક એમને મરણોત્તર એનાયત થયેલો. 23 જુલાઈ 1960ના રોજ હૃદય બંધ પડવાથી દિલ્હીમાં તેમનું અવસાન થયું.

કિશોરાવસ્થાથી રાષ્ટ્રપ્રેમ, અને સ્વાતંત્ર્યની ઝંખનાએ તેમનું ઘડતર કર્યું. દાંડીકૂચ દરમ્યાન થયેલી ધરપકડ વેળાના જેલવાસમાં તેમણે ‘વડલો’ નાટક લખ્યું. દક્ષિણામૂર્તિના અભ્યાસે તેમની સર્જનવૃત્તિને વેગ આપ્યો. 1927માં લખાયેલ ‘હું જો પંખી હોત’ તેમની પ્રથમ પ્રકાશિત કાવ્યકૃતિ. એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘કોડિયાં’ ઈ.સ. 1934માં પ્રસિદ્ધ થયો; જ્યારે ‘પુનરપિ’ મરણોત્તર બીજો કાવ્યસંગ્રહ ઈ.સ. 1961માં.

‘કોડિયાં’ (1939)માં સંગૃહીત એમની કવિતા લોકપ્રિય બની છે. બાળકાવ્યો અને પ્રણયકાવ્યોમાં કવિની સ્વકીય મુદ્રા છે. અર્થ કે વિચારની સામે તેઓએ સૌંદર્ય અને રસને પ્રાધાન્ય આપ્યું છે. વર્ણમેળ વૃત્તો કરતાં માત્રામેળ છંદોમાં રચાયેલાં કાવ્યોમાં તેમ જ ગીતોમાં સિદ્ધિ વિશેષ છે. અનુગાંધીયુગમાં રવીન્દ્રનાથનો પ્રભાવ વિશેષ રહ્યો હતો અને શુદ્ધ કવિતાની નિસ્બત વધતી હતી ત્યારે એમણે રવીન્દ્રપ્રભાવને પર્યાપ્ત રીતે આત્મસાત્ કરી કેટલીક ઉત્તમ કાવ્યકૃતિઓનું સર્જન કરેલું.

રાજકારણ અને સમાજકારણથી નિર્ભ્રાન્ત બનેલા આ કવિ 1948 પછી પુનઃ કાવ્યલેખન આરંભે છે. ‘કોડિયાં’ (1957) નવી આવૃત્તિમાં ઉમેરેલાં અગિયાર જેટલાં કાવ્યો તેમ જ મરણોત્તર પ્રગટ થયેલા કાવ્યસંગ્રહ ‘પુનરપિ’ (1961)માં સંગૃહીત બાવીસ રચનાઓમાં ઉત્તર શ્રીધરાણી વિશિષ્ટ રીતે આપણી સામે આવે છે.

એમણે નાનાં-મોટાં મળી સોળ નાટકો લખ્યાં છે. ‘વડલો’ (1931) અને ‘પીળાં પલાશ’ (1933)માં સંગૃહીત બાળનાટકો છે. એમણે લખેલાં ત્રિઅંકી નાટકો પૈકીનું ‘મોરનાં ઈંડાં’ (1934) નીવડેલું નાટક છે. બીજું ‘પદ્મિની’ (1934) ઐતિહાસિક નાટક છે. દાંડીકૂચના એક સૈનિક તરીકે નાસિકમાં કારાવાસની સજા થઈ એ વખતે કેટલાક કેદીઓની આપવીતી સાંભળી, એ સત્યકથાઓને આધારે એમણે ટૂંકી નવલકથા ‘ઇન્સાન મિટા દૂંગા’ લખેલી; એમાં એમનું વાર્તાકાર તરીકેનું સામર્થ્ય પ્રગટ થયું છે.

આ ઉપરાંત ‘આપણી પરદેશ નીતિ’ (1948) એમના નામે છે. ‘વૉર વિધાઉટ વાયોલન્સ’ (1939), ‘માય ઇન્ડિયા, માય અમેરિકા’ (1941), ‘ધ બિગ ફૉર ઑવ્ ઇન્ડિયા’ (1941), ‘વોર્નિંગ ટુ ધ વેસ્ટ’ (1943), ‘ધ મહાત્મા ઍન્ડ ધ વર્લ્ડ’ (1946), ‘જનરલ નૉલેજ ઍન્સાઇક્લોપીડિયા’ (1949), ‘સ્ટોરી ઑવ્ ધી ઇન્ડિયન ટેલિગ્રાફ’ (1953), ‘ધ જર્નાલિસ્ટ ઇન ઇન્ડિયા’ (1956), ‘ધી ઍડ્વેન્ચર્સ ઑવ્ અપસાઇડ ડાઉન ટ્રી’ (1956) વગેરે એમના અંગ્રેજી ગ્રંથો છે.

તેમના વિવિધ સંગ્રહો વિશે વિવેચક તૃષિત પટેલ નીચે પ્રમાણેની નોંધ લે છે :

“કોડિયાં(1934) : અહીં બાળસૃષ્ટિ, સ્વાતંત્ર્યઝંખના, ભક્તિ, પ્રણય, અને પ્રકૃતિ જેવા વિષયોનું આકર્ષણ છે. ‘પતંગિયું ને ચંબેલી’ જેવાં કાવ્યોમાં ટાગોરનાં શિશુકાવ્યોની મોહકતા છે. સ્વાતંત્ર્ય અને સામાજિક વાસ્તવને નિરૂપતાં કાવ્યોમાં ભાવનાત્મક અભિગમ છે. ‘સ્વરાજ રક્ષક’માં ખેડૂતનો પ્રસ્વેદ જ શેલડીના મિષ્ટરસમાં રૂપાંતર પામે એ વક્તવ્ય સૂચક છે. ‘આ જ મારો અપરાધ છે, રાજા!’માં ટાગોરથી જુદી સ્વકીય ભાવમુદ્રા કવિએ ઉપસાવી છે. કવિએ અહીં મુક્તક પ્રકારની લઘુ ગેયરચનાઓ આપી છે. ઉપરાંત, સૉનેટ, ગીત, અને પ્રસંગકાવ્યોની અજમાયેશ કરી છે. એમાં સૉનેટમાં સિદ્ધિ અલ્પ છે; પ્રસંગકાવ્યોમાં લાગણીના બળની સાથે નાટ્યાત્મકતા ભળે છે ત્યારે એ વિશેષ ચમત્કારક લાગે છે; દીર્ઘકાવ્યોમાં શિથિલ બંધ અને વાગાડંબર છે. ‘આઠમું દિલ્હી’, ‘બુદ્ધનું પુનરાગમન’ આદિ સ્વાતંત્ર્યોત્તર રચનાઓ કટાક્ષ અને વક્રતાપ્રેરિત છે. નવા વિષયો ઉપરાંત કાવ્યભાષાની રુક્ષતા અને પદ્યમુક્તિ અંગે કવિએ અનુભવેલી મથામણ નોંધપાત્ર છે.

“વડલો(1931) : એમાં કાવ્યતત્ત્વ, નાટ્યતત્ત્વ સંગીત અને નૃત્યનો સમન્વય થયો છે; તેથી નાટકની બાળભોગ્યતા વધી છે. ‘વડલો’ની સૃષ્ટિમાં વૃક્ષો છે, પુષ્પો છે, સમીર છે, ગ્રહો અને નક્ષત્રો છે, મેઘ છે, ઝંઝાવાત છે. આ બધા પદાર્થો અહીં સચેત પાત્રો તરીકે વર્તે છે. એ સૃષ્ટિમાં ભથવારી અને બાળકો પણ છે. પરંતુ આ નાટકમાં કોઈ રૂપક હોવાની સંભાવના જણાતી નથી. ઝંઝાવાત એ પ્રકૃતિની એક શક્તિ છે, તો વડલો તેની બીજી શક્તિ છે. આ બંને શક્તિઓ એકબીજા સાથે ટકરાય છે. વડલો પરાજિત થાય છે પણ પરાધીન થતો નથી; તેથી એનો પરાભવ ભવ્ય લાગે છે.

“મોરનાંઈંડાં(1934) : અહીં નિસર્ગના સંતાન સમા તીરથને ભણાવવા માટે છાત્રાલયમાં રખાય છે. પુસ્તકના અક્ષરો અને છાત્રાલયની શિસ્ત એની ચેતનાને રૂંધે છે. ગામમાં મિયાણાની ઘાડ પડી ત્યારે કોઈને પૂછ્યા વગર તત્ક્ષણ છાત્રાલયમાંથી છટકી તેણે મિયાણાનો સમાનો કર્યો અને શહાદત વહોરી લીધી. આશ્રમનાં જ્ઞાન, શિસ્ત, અને અભ્યાસની સામે લેખકે તીરથના જીવનનાં પ્રેમ, શૌર્ય, અને કર્તવ્યને વિરોધાવી સભ્યતાને ઝાંખી પાડી છે.

“પદ્મિની(1934) : પદ્મિનીની ઇતિહાસકથાને નીતિશાસ્ત્રના કૂટપ્રશ્નના ઉકેલ અર્થે પ્રયોજતું કૃષ્ણલાલ શ્રીધરાણીનું નાટક. ક્ષત્રિય નરનારીઓનાં ટેક, પરાક્રમ, સતીત્વ, અને કુલાભિમાન જાણીતાં છે, તેથી એ પાત્રો, નાટકકાર બતાવે છે તેમ, પસંદગીના સંઘર્ષમાં સંડોવાય જ નહિ. મેટરલિન્કની વાનાની જેમ પદ્મિનીને એક સ્ત્રી તરીકે નિર્ણય કરવાનો હોઈ શકે. પદ્મિનીના અંતરમાં આવો કોઈ સંઘર્ષ બતાવ્યો હોત તો કદાચ નિર્વાહ્ય ગણાત. આ નાટકમાં નાટકકારનું અમુક સામર્થ્ય પ્રગટ થયું છે, પણ એ નિરપવાદ નથી.”