રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: બલવંતરાય ઠાકોર
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1923
- વિભાગ: નાટક
- પૃષ્ઠ:201
- પ્રકાશક: જીવનલાલ અમરશી મહેતા
- સહયોગી: રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ
બલવંતરાય ઠાકોર લેખક પરિચય
બલવંતરાય ઠાકોરનો જન્મ 23 ઑક્ટોબર 1869ના રોજ ગુજરાત રાજ્યના ભરૂચ શહેરમાં વીશા બ્રહ્મક્ષત્રિય કલ્યાણરાયના પરિવારમાં થયેલો. પ્રાથમિક શિક્ષણ વતન ભરૂચમાં અને પછી રાજકોટમાં લીધેલું. કાઠિયાવાડ હાઈસ્કૂલ, રાજકોટમાંથી 1883માં મેટ્રિક પાસ કરી, શામળદાસ કૉલેજ, એલ્ફિન્સ્ટન કૉલેજથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે 1890માં પ્રથમ વર્ગમાં વિનયન સ્નાતક થયા અને 1891માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને 1892માં ત્યાં એલિસ ફેલો નિમાયા. 1893માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી દીધી. 1890થી ‘ઇન્ડિયન સ્પૅક્ટેટર’ (મુંબઈ)ના કામચલાઉ સહાયક તંત્રી અને 1894થી સ્થાયી સહાયક તંત્રી તરીકે ફરજ બજાવેલી. તે સાથે મુંબઈનાં ગુજરાતી દૈનિકોમાં સાંપ્રત પ્રવાહો પર લેખો લખતા. બલવંતરાય ઠાકોર સંસ્કૃતના જ્ઞાતા, ઇતિહાસ, રાજકારણ, અને અર્થશાસ્ત્રના ગણ્યકોટીના વિદ્વાન અને ગુજરાતી તથા અંગ્રેજીના આરૂઢ અભ્યાસી હતા. 1895માં કરાચીની ડી.જે. સિંધ આર્ટ્સ કૉલેજમાં અને 1896માં બરોડા કૉલેજમાં ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય, તર્કશાસ્ત્ર, અને નૈતિક તત્ત્વજ્ઞાનના કામચલાઉ અધ્યાપક તરીકે કાર્ય કર્યું. આ ઉપરાંત અજમેરની સરકારી કૉલેજ (અધ્યાપક અને ઉપચાર્ય), રાજકુમાર કૉલેજ–રાજકોટ અને છેલ્લે પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે રહી 1924માં નિવૃત્ત થયા. 1927 સુધી પૂના, 1928થી 1937 સુધી વડોદરા અને 1937થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. ત્યાં થોડોક સમય વિલ્સન કૉલેજમાં ગુજરાતી ભાષાસાહિત્યના માનાર્હ અધ્યાપક તરીકે કામ કર્યું હતું. 2 જાન્યુઆરી 1952ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું.
અગત્યની અન્ય સેવાઓમાં—દસથી વધુ વર્ષ યુનિવર્સિટીમાં સરકાર-નિયુક્ત ફેલો તરીકે ઇતિહાસના અને ગુજરાતીના અભ્યાસમંડળમાં તેમ જ તપાસસમિતિમાં સેવાઓ આપી તેમ જ અજમેર મ્યુનિસિપાલિટી સભાસદ, દુષ્કાળ નિવારણ કમિટી-મુંબઈ / રાજકોટમાં અને હિસ્ટોરિકલ રેકર્ડ્ઝ કમિશનમાં કાર્યકર્તા, પરિષદના મંત્રી, ગુજરાતી સાહિત્ય પરિષદના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ એમ બહુવિધ ક્ષેત્રે સક્રિય રહી સેવા આપી.
તો ગુજરાતી સાહિત્યમાં તેમનું પ્રદાન ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ છે. યુગસંદર્ભે તેઓ પંડિતયુગ અને ગાંધીયુગ વચ્ચેના સંક્રાંતિકાળના કવિ છે. તેમને અનુસરનારા ઉમાશંકર જોશી, સુંદરમ્, સ્નેહરશ્મિએ પોતાના કાવ્યગુરુ તરીકે સ્થાપ્યા છે. તેમણે કાવ્ય, નાટક, વાર્તા, વિવેચન, સંપાદન અને અનુવાદ એમ એકાધિક વિધામાં પ્રદાન કર્યું છે. અર્વાચીન કવિતામાં ક્રાંતિકારી નવપ્રસ્થાનો કરનાર કાવ્યભાવના આચાર્ય એવા બ.ક.ઠા. પાસેથી ‘ભણકાર’ધારા પહેલી (1918), ‘ભણકાર’ધારા બીજી (1928), ‘મ્હારાં સૉનેટ’ (1935) તેમ જ આ ત્રણેયનો સમન્વયરૂપ સમગ્ર કવિતાનો સંગ્રહ ‘ભણકાર’ (1942, 1951) અને મરણોત્તર ‘નિરુત્તમા’ (1957) મળી આવે છે. ‘ભણકારા’, ‘પ્રેમની ઉષા’, ‘અદૃષ્ટિદર્શન’, ‘મોગરો’, ‘વધામણી’, ‘જૂનું પિયરઘર’ તથા ‘વર્ષાની એક સુંદર સાંઝ’ અનવદ્ય સુંદરતાવાળી સૉનેટકૃતિઓ છે. તેઓ ગુજરાતી કવિતામાં છંદ-લયના સ્થિત-જડ નિયમોનો પ્રતિકાર કરતી પૃથ્વી છંદયુક્ત અગેય પ્રવાહી પદ્યરચના તેમ જ યતિવિહીન છંદરચનાઓના પ્રયોગોના હિમાયતી રહ્યા. સરવાળે તેમનો કવિતોદ્યમ ‘બલવંત કવન’ સમ બની શક્યો છે.
ઠાકોરનાં નાટકોમાં મૌલિક વસ્તુ અને પ્રચુર સંવાદોવાળું ‘ઊગતી જુવાની’ (1923) અને મધ્યકાલીન નાટિકા ‘લગ્નમાં બ્રહ્મચર્ય અથવા સંયોગે વિયોગ’ (1928) મળ્યાં છે. વાર્તાસંગ્રહ ‘દર્શનિયું’ (1924)માં અપ્રસ્તુત વિગતોથી ખચિત મૌલિક અને અનૂદિત વાર્તાઓ છે. ‘રમણી પ્રફુલ્લ’ નામની નવલકથાનું ફક્ત એક જ પ્રકરણ લખાયું છે. તેમણે ‘અંબાલાલભાઈ’ (1928) નામે ચરિત્રગ્રંથ, જીવન-અનુભવોનું મિતાક્ષરી આલેખન કરતું ‘પંચોતેરમે’ નામે આત્મચરિત્ર અને ‘દિન્કી’ નામે બે ભાગમાં (1969 અને 1976, હર્ષદ મ. ત્રિવેદી દ્વારા પ્રકાશિત) ડાયરી આપી છે.
વિવેચનને ‘કલાસખી’, ‘શાસ્ત્રસખી’ કહેતા વિવેચક બલવંતરાયના સાહિત્યવિચારનું એકમેવ પ્રમુખ તત્ત્વ પ્રગટ કરવું હોય તો એમ કહી શકાય તેઓ કાવ્યમાં કેન્દ્રસ્થાને એટલે કે કાવ્યના આત્મા તરીકે ‘અર્થ’, ‘વિચાર’ કે ‘દર્શન’ને મૂકે છે. આમ, તેઓ વિચારપ્રધાન કવિતાને ‘દ્વિજોત્તમ જાતિ’ની કવિતા કહી તેની હિમાયત કરે છે. જોકે, તેમની સમગ્ર વિચારણા અવલોકતાં તેમને ‘વિચાર’ દ્વારા ઘણું બધું અભિપ્રેત હોય એમ જણાય છે. ‘કવિતા શિક્ષણ’ (1924), ‘લિરિક’ (1928), ‘નવીન કવિતા વિશે વ્યાખ્યાનો’ (1943), ‘વિવિધ વ્યાખ્યાનો’ : ગુચ્છ પહેલો, બીજો (48), ગુચ્છ ત્રીજો (56), ‘ભણકાર : પદ વિવરણ’ (1951), ‘પ્રવેશકો’ : ગુચ્છ 1 (1959), ગુચ્છ 2 (1961), ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (2004) આદિ વિવેચન. ઉપરાંત ‘પ્રસ્થાન’ સામયિકમાં પ્રગટેલી સમકાલીન કાવ્યો અને એનાં વિવરણો કરતી લેખમાળા, ગો.મા. ત્રિપાઠીએ લખેલું ‘સાક્ષરજીવન’ અને નવલરામ પંડ્યાકૃત ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ના વિવરણને સમાવતું ‘આપણી કવિતાસમૃદ્ધિ’ (1931) પુસ્તક, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે ત્રણ વ્યાખ્યાનો’ (1909) અને ‘પરિષદ પ્રવૃત્તિ – વિભાગ બીજો અને ત્રીજો’ (1928-29), વગેરે આપીને પોતાની અભ્યાસશીલ પ્રકૃતિનું દર્શન કરાવ્યું છે.
અનુવાદોમાં ‘અભિજ્ઞાન શકુન્તલા નાટક’ (1906, કાલિદાસની કૃતિનો અનુવાદ), ‘પ્લૂટાર્કનાં જીવનચરિત્રો’ (1906, હરિલાલ માધવજી ભટ્ટના સહયોગમાં કરેલું ભાષાંતર) ‘માલવિકાગ્નિમિત્ર’ (1933, કાલિદાસની કૃતિનો અનુવાદ), ‘સોવિયેટ નવજુવાની’ (1935, રશિયન નાટ્યકાર વેલેટાઇન કેટેયેવના નાટકનો અનુવાદ), ‘ગોપીહૃદય’ (1943, રેહાના તૈયબજી લિખિત અંગ્રેજી કાવ્ય ‘ધ હાર્ટ ઑવ્ અ ગોપી’નું ભાષાંતર), ‘વિક્રમોર્વશીયમ્’ (1958, કાલિદાસની કૃતિનો અનુવાદ), ‘દેશભક્તિનો વ્યોમ કળશ’ (પર્લ બકની નાટ્યકૃતિનો અનુવાદ) અને ‘મેઘદૂત’ (કાલિદાસની કાવ્યકૃતિનો અનુવાદ), ‘ભગવદ્ગીતા’, ‘રાશેલનો ગૃહત્યાગ’ (રુમાનિયન લેખક મૉંસિયે સેન્ડોર માર્ટિનેસ્કુની કૃતિનો અનુવાદ) ઉપરાંત, ‘સંસ્કૃત લિટરરી ક્રિટિસિઝમ’ (શંકરનની કૃતિ), ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’ (એબરક્રોમ્બીની કૃતિનો અનુવાદ) જેવા સારગ્રાહી વિવરણાત્મક અનુવાદ પણ આપ્યા છે. એમણે કરેલાં સંપાદનોમાં ‘કાન્તમાળા’ (1924), ‘ગુર્જર રાસાવલી’ (1956), મધ્યકાલીન સાહિત્યનાં ‘અંબડ-વિદ્યાધર રાસ’ અને ‘વિક્રમ ચરિત્ર રાસ’ નામનાં અભ્યાસપૂર્ણ સંપાદનો કર્યાં છે ને ઇતિહાસના અભ્યાસી વિદ્વાન તરીકે ‘ઇતિહાસ દિગ્દર્શન’ (1928), ‘સંક્રાન્તિ સમયમાં સ્ત્રીઓ’ (1928), ‘યુનાઇટેડ સ્ટેટ્સનો ઇતિહાસ’ (1928) જેવાં પુસ્તકો પણ લખેલાં છે. ‘વિધવાવિવાહ’ (1886), ‘કુન્તી’ (1907), ‘શરીરસ્વાસ્થ્ય’ (1936) તેમનાં અન્ય પ્રકાશનો છે.
અંગ્રેજી ભાષામાં ‘એન એકાઉન્ટ ઑવ્ ધ ફર્સ્ટ માધવરાવ પેશ્વા’ (1895), ‘ટેક્સ્ટ ઑવ્ ધ શાકુન્તલ’ (1920), અને ‘ઇન્ડિયન ઍડ્મિનિસ્ટ્રેશન ટુ ધ ડૉન ઑવ્ રિસ્પૉન્સિબલ ગવર્નમેન્ટ’ ભાગ 1 (1921) અને ભાગ 2 (1927). ઓરિએન્ટલ કૉન્ફરન્સ, પુણેમાં તેમણે સંદિગ્ધ પાઠ વિશે અંગ્રેજીમાં વિસ્તૃત ચર્ચા પણ કરેલી. તેમના માનમાં સાહિત્યકારોને બ.ક.ઠા. ઍવૉર્ડ એનાયત કરવામાં આવે છે.
(તસવીર સૌજન્ય: જગન મહેતા)