રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
- વિભાગ: નવલકથા
- પૃષ્ઠ:324
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી લેખક પરિચય
મહાનવલ 'સરસવતીચંદ્ર'ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીને ગુજરાતના યુગપ્રવર્તક સાહિત્યકાર માનવામાં આવે છે. ગુજરાતી ભાષાના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, ચરિત્રકાર અને વિવેચક ગોવર્ધનરામનો જન્મ 20 ઑક્ટોબર, 1855ના રોજ નડિયાદમાં થયો. પિતાનું નામ માધવરામ, માતાનું નામ શિવકાશી. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીનું શિક્ષણ નડિયાદમાં, ચોથા ધોરણથી મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં ભણ્યા.
બાળપણ મુનિમહારાજના સાનિધ્યમાં વીત્યું હોવાના કારણે વૈષ્ણવ ભક્તિના સંસ્કારો મળ્યા, દલપતરામની ચોપાઈથી કવિતાઓ પ્રત્યે પ્રેમ થયો, ‘કાવ્યદોહન’ના વાચનથી કાવ્ય-સંસ્કારો મજબૂત થયા. કાકા મન:સુખરામના સહવાસને કારણે તેઓ આર્યસંસ્કૃતિના પ્રેમી અને વિદ્યાવ્યાસંગી બન્યા.
ગોવર્ધનરામ ત્રિપાઠીનું લગ્ન 1868માં હરિલક્ષ્મી સાથે થયું. મુંબઈની ઍલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવીને 1871માં સોળ વર્ષની વયે મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પાસ કરી. 1874માં પત્ની હરિલક્ષ્મી રાધા નામે બાળકીને જન્મ આપતી વખતે મૃત્યુ પામે છે.
બી.એ.ની પરીક્ષામાં પહેલાં વર્ષે નાપાસ થતા 1875માં બીજા વર્ષે બીજા વર્ગથી પાસ કરે છે. જીવનમાં ત્રણ સંકલ્પો કરેલા કે એલ.એલ.બી.ની પરીક્ષામાં પાસ થવું. બીજું, મુંબઈમાં વકીલાતનો સ્વતંત્ર ધંધો માંડવો અને કદી કોઈની નોકરી કરવી નહિ. ત્રીજું, લગભગ ચાલીસમે વર્ષે ધંધામાંથી નિવૃત્ત થઈ, બાકીની જિંદગી સાહિત્યની સેવામાં અને સમાજની સેવામાં ગુજારવી.
ગોવર્ધનરામે 1876માં લલિતાગૌરી સાથે બીજા લગ્ન કર્યા. તેના બીજા વર્ષે ‘વ્યવહારુ સંન્યાસ’ની તેમની વિભાવનાને વાચા આપતો નિબંધ ‘એ રૂડ આઉટ લાઇન ઑવ્ ધ જનરલ ફીચર્સ ઑવ્ પ્રૅક્ટિકલ એસેટિસિઝમ ઇન માય સેન્સ ઑવ્ ધ વર્ડ’ લખ્યો. બળવંતરાય ઠાકોરે તેને ગોવર્ધનરામના વિચારમિનારના પાયારૂપ ગણાવ્યો.
ગોવર્ધનરામે ભાવનગર રાજ્યના દીવાન શામળદાસના ખાનગી સેક્રેટરી તરીકે 1879ના આરંભમાં કામગીરી સ્વીકારી. માંદગીને કારણે બે-ત્રણ વાર એલ.એલ.બી.ની પરીક્ષામાં નાપાસ થયેલા ગોવર્ધન છેવટે 1883માં પરીક્ષા પાસ કરે છે. ભાવનગર-જૂનાગઢનાં રાજ્યોમાં સારી નોકરીઓ ન લીધી અને સંકલ્પ પૂર્ણ કરવા 1884માં 29 વર્ષની ઉંમરે ગોવર્ધનરામે મુંબઈમાં વકીલાત શરૂ કરી. પોતાના વકીલાતના અનુભવોને તેમણે અંગ્રેજીમાં લખેલી ‘સ્ક્રૅપબુક’માં લખ્યા છે.
1885માં તેમણે ‘સરસ્વતીચંદ્ર ભાગ 1’ લખવાની શરૂઆત કરી. ‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ 1887માં અને બીજો 1892માં પ્રગટ થયો. ત્રીજા ભાગનું લેખનકાર્ય 1896માં પૂરું કર્યું, પણ એ સયમની રાજકીય અસ્થિરતાના કારણે તે 1898માં પ્રગટ થયો. છેવટે ચોથો ભાગ 1901માં પ્રગટ થયો. આમ આ મહાનવલ પંદર વરસમાં કટકે કટકે પ્રસિદ્ધ થઈ.
‘સરસ્વતીચંદ્ર’નો પહેલો ભાગ ભારતીય સાહિત્યની અસાધારણ ઘટના ગણાય છે. ગુજરાતીમાં ગદ્યનો સંપૂર્ણ વિકાસ થયો ન હતો ત્યારે ગદ્યના વિવિધ ચઢાવ-ઊતારને પ્રગટ કરતી આ નવલકથા યોગ્ય રીતે ગુજરાતીનો ગૌરવગ્રંથ બની છે.
રમણલાલ જોશી વિશ્વકોશમાં સરસ્વતીચંદ્ર વિશે ગુજરાતી કવિઓ અને લેખકોએ લખેલી નોંધ મૂકે છે. જે મુજબ આનંદશંકર ધ્રુવ ‘સરસ્વતીચંદ્ર’ને ‘પુરાણ’ કહે છે. વિશ્વનાથ ભટ્ટ એને ગદ્યદેહે અવતરેલું ‘મહાકાવ્ય’ કહે છે. ડોલરરાય માંકડ સંસ્કૃત સાહિત્યમીમાંસકોને અનુસરીને તેને ‘સકલ કથા’ કહે છે. વિજયરાય વૈદ્યે એને ‘પ્રેમકથા નિમિત્તે સંસ્કૃતિકથા’ તરીકે વર્ણવેલી. ઉમાશંકર જોશી કહે છે, ‘આ સો વરસનું યુગકાવ્ય ગદ્યદેહે સરસ્વતીચંદ્ર-રૂપે પ્રગટ્યું'.’
ગોવર્ધનરામ 19 ઑક્ટોબર, 1898ને દિવસે મુંબઈ છોડીને નડિયાદ પરત આવે છે. સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા પહેલાં મગજમાં જે દ્વંદ્વ ચાલે છે તેને મનનપોથી(scrap-books)માં લખ્યો છે.
1902માં મોટી દીકરી લીલાવતીના અવસાન બાદ તેમણે લીલાવતીના જીવન ઉપરથી ‘લીલાવતી જીવનકલા’ પુસ્તક લખ્યું જે 1905માં પ્રકાશિત થયું.
1905માં પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા અને ‘ગુજરાતના પ્રાચીન સાહિત્યના ઇતિહાસનું દિગ્દર્શન’ વિષય પર વ્યાખ્યાન આપ્યું. કવિ દયારામના સાહિત્યમાં રહેલી તત્વવિચારણાને સ્પષ્ટ કરતો ‘કવિ દયારામનો અક્ષરદેહ’ નામનો નિબંધ અમદાવાદની 'સાહિત્ય સભા' માટે લખ્યો હતો. યોગશાસ્ત્રના ગહન અભ્યાસી હતા. જીવનમાં સંપૂર્ણ સંન્યાસ લેવાનો વિચાર આવ્યો હતો, પરંતુ તેને સ્થાને ‘ઘરમાં રહીને જ સંન્યાસ’ના નિર્ણય પર આવે છે. તેમની તબિયત તો પહેલાંથી જ નાજુક રહેતી હતી છેવટે 4 જાન્યુઆરી, 1907ના રોજ તેમનું અવસાન થયું હતું.
ગોવર્ધનરામ ત્રિપાઠીની સાહિત્યસેવાને 'લંડન ટાઇમ્સે’ 13 ફેબ્રુઆરી, 1907ના અંકમાં વખાણી હતી. ‘સમાલોચક’ અને ‘વસંત’ સહિત કેટલાંક સામયિકોએ તેમની સ્મૃતિમાં વિશેષાંકો પ્રગટ કર્યા.
ગોવર્ધનરામે પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાન બાદ આઘાતમાંથી ‘સ્નેહમુદ્રા’ નામનું કાવ્ય લખ્યું હતું. અંગત સ્વજનના શોકમાંથી જન્મ્યું હોવા છતા આ કાવ્ય કથા અને પાત્રોથી અદ્ભુત તૈયાર થયું હતું. ગુજરાતના આદ્યવિવેચક નવલરામનું જીવનચરિત્ર ‘સ્વ.સાક્ષર નવલરામ લક્ષ્મીરામનું જીવનવૃત્તાંત(1891)’ના નામે લખ્યું છે. તેમના લખાણો પરથી આ ચરિત્ર લખાયું છે.
નાગરજ્ઞાતિનો પરિચય આપતી અને પોતાના પૂર્વજોનું વૃતાંત ‘માધવરામ સ્મારિકા’(1900)માં લખ્યું છે. સાક્ષરજીવન જીવતા વિદ્યમાન લોકોનો પરિચય ‘સાક્ષરજીવન’(1919)માં આપ્યો છે. જે અધૂરી હતી અને મૃત્યુ બાદ પ્રકાશિત થઈ હતી. ‘અધ્યાત્મજીવન અથવા અમર જીવનનો શ્રુતિબોધ’(1955)માં જીવન વિશે ચર્ચા કરી છે.
ગુજરાતી કવિતાઓની તત્કાલીન સામાજિક, રાજકીય અને ધાર્મિક જીવન પર કેવી અસર કરી છે તેની ચર્ચા લેખકે ‘કલાસિકલ પોએટ્સ ઑવ ગુજરાત ઍન્ડ ધેર ઈન્ફલુઅન્સ ઑન ધ સોસાયટી ઍન્ડ મોરલ્સ’(1994)માં અંગ્રેજીમાં કરી છે.
‘સ્ક્રેપ બુક્સ’-પાર્ટ 1,2,3 (1957, 1959, 1959) એ મરણોત્તર પ્રકાશિત કૃતિમાં લેખકની 1888થી 1906 દરમિયાનની અંગત નોંધો છે. 1901માં લખાયેલું ‘ક્ષેમરાજ અને સાધ્વી’ નાટક ‘સરસ્વતીચંદ્ર’ની કથાને આગળ લંબાવે છે, પરંતુ તે પ્રકાશિત થયું ન હતું.