પુસ્તક વિશે માહિતી
- લેખક: ભોજો ભગત
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1890
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:248
- પ્રકાશક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
ભોજો ભગત લેખક પરિચય
સૌરાષ્ટ્રમાં જેતપુર પાસેના દેવકીગાલોળ ગામમાં કરશન ભગત તથા ગંગાબાઈને ત્યાં એમનો જન્મ. જ્ઞાતિએ સાવલિયા અટકના લેઉઆ કણબી. લગભગ 25 વર્ષની વય સુધી ભોજા ભગત દેવકીગાલોળ પછી રાજકીય અને કુદરતી આફતને કારણે અમરેલી નજીક ચક્કરગઢ ગામમાં અલ્પાવાસ અને આખરે અમરેલી સમીપ ફત્તેપુરને કર્મભૂમિ બનાવી. તેઓ ગિરનારી રામેતવન નામના એક યોગીના એ શિષ્ય હતા. વ્યવસાયે તેઓ ખેડૂત અને તદ્દન નિરક્ષર હોવા છતાં સરસ્વતી દેવીની એમના ૫૨ કૃપા થઈ હતી. પેશ્વા સરકારના દીવાન વિઠ્ઠલરાવની માગણીથી, તેમને ઉપદેશ આપવાને ઇરાદે ભોજા ભગતે દોઢસો’ક ચાબખા લખ્યાનું કહેવાય છે. 1850માં વીરપુર મુકામે 65 વર્ષની ઉંમરે તેમનું દેહાવસાન થયું.
સમકાલીન સમાજમાં ખદબદતાં દૂષણોથી સચેત કરવા ‘અખાની નાની આવૃત્તિ’ એવા આ સાચા વેદાંતી, જ્ઞાની-મરમી સુધારકે પોતાની રચનાઓથી લોકોને જાગ્રત થવાની ચાનક ચડાવી હતી. તેમણે નરસિંહની માફક પ્રભાતિયાં અને ધીરાની જેમ કાફીઓ લખેલી છે; ‘છોટી ભક્તમાળ’ અને ‘ચેલૈયા આખ્યાન' પણ લખેલ છે.
ચાબખા ઉપરાંત બાવનાક્ષરી, કક્કો, મહિના, કીર્તન, ભજન, આરતીઓ, પ્રભાતિયાં, ધોળ, ધૂન, સરવડાં, ગોડી, હોરી, કવિત, તિથિ, વાર, મહિના, આખ્યાન તથા ભક્તમાળ વગેરે લખ્યાં છે. પણ ચાબખાથી સવિશેષ ખ્યાત ભોજા ભગતની રચનાઓ આખાબોલાઈ તેમજ કહેવતો, રૂઢિપ્રયોગો, શબ્દ-અર્થ અલંકારોથી સમૃદ્ધ ઉપરાંત ક્યાંક સંસ્કૃત શબ્દોથી દુર્બોધ, તો તળપદી ગ્રામીણ છાંટવાળી સાદી, ખરબચડી, કઠોર છતાં એટલી જ ચોટદાર, બલિષ્ઠ ભાષા હોવાથી મનલુભાવક પણ બની છે.
ઉપરાંત ‘પ્રાણિયા ભજી લેને કિરતાર આ તો સ્વપ્ન છે સંસાર’ અને ‘મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલશે મોટો પાણો’ જેવા તેના ચાબખા પણ લોકોમાં ખૂબ પ્રચલિત છે.
અખાની પછીની હરોળમાં બેસતા અખાના અનુગામી સંતકવિ ધીરા, પ્રીતમ અને નિરાંતની સાથે ભોજાનું સ્થાન નિશ્ચિત છે.