પુસ્તક વિશે માહિતી
- લેખક: વલ્લભ ભટ્ટ
- સંપાદક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1892
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:146
- પ્રકાશક: વીરક્ષેત્ર પ્રિન્ટિંગ પ્રેસ વડોદરા
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
વલ્લભ ભટ્ટ લેખક પરિચય
તેમના જીવન વિશે સચોટ માહિતી મળતી નથી. વલ્લભ ભટ્ટનો જન્મકાળ આશરે ઈ.સ. 1700 ગણાય છે, પરંતુ એ નિરાધાર છે. તેમની રચનાઓ અને પ્રચલિત લોકકથા પરથી મળતા ઇંગિતો અનુસાર 18મી સદી પૂર્વાર્ધમાં એટલે કે તેમનો જન્મ આશરે વિક્રમ સંવત 1696માં અમદાવાદના નવાપુરામાં આસો સુદ આઠમના દિવસે મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો. વલ્લભ ભટ્ટ પ્રથમ વૈષ્ણસંપ્રદાયનો અનુયાયી હતો તેમ કહેવાય છે. ‘નર્મગદ્ય’માં વર્ણવેલ દંતકથા અનુસાર - એક વાર શ્રીનાથજીના મંદિરમાં બની ગયેલ પ્રસંગથી લોકનિંદા પામ્યો. સ્વબચાવમાં મૂકેલ વાતના પ્રત્યુત્તરમાં લોકવાત સાંભળીને ‘આજથી હું માને જ ગાઈશ’ તેવી પ્રતિજ્ઞા કરી અને માતાજીના ગરબાઓ રચ્યા. બહુચરાજીના પરમ ભક્ત એવા તેમણે અમદાવાદ છોડી બહુધા બહુચરાજીમાં વસવાટ કર્યો.
તેમણે સહુપ્રથમ માતાજીની લાવણી લખી. 118 કડી અને 236 પંક્તિઓનો વ્યાપ ધરાવતો ‘આનંદનો ગરબો’ તેમની અમર કૃતિ છે. બહુચરાનાં વિવિધ રૂપો, તેની શક્તિ, પરાક્રમો, શણગારનાં વર્ણનો, અસુરો સાથેનાં યુદ્ધો, એક ભક્તની આરતથી દેવી શક્તિની આરાધના – આ બધું વલ્લભ ભાવને અનુરૂપ લય, રાગ, તાલ, ચાલ યોજીને મુક્ત મને અને ક્યારેક ઊંડી આરતથી પોતાના ગરબાઓમાં વર્ણવે છે. આ ગરબાઓથી તેમણે બહુચરાજી માનો મહિમા પણ વધાર્યો.
તેમના ગરબાઓમાં સમસામયિક કથળેલી સ્થિતિ, કુરિવાજો, અનિષ્ટો, અને સમસ્યાઓનું બયાન કરતા ‘કળિકાળનો ગરબો’ અને ‘કજોડાનો ગરબો’, ખરી રીતે એક નાટ્યક્ષમ પ્રસંગયુક્ત કથાકાવ્ય જેવો અત્યંત લોકપ્રિય અને ઉત્તમ કથાકાવ્યોમાં સ્થાનનો અધિકારી ‘મહાકાળીનો ગરબો’, મીરાંબાઈના આ પૂર્વે લખાયેલા ‘સતભામાનું રૂસણું’માં આલેખાયેલા પ્રસંગનું જ આલેખન કરતો અને મીરાંબાઈની જેમ સ્ત્રીસહજ અસૂયા, રોષ, પ્રેમકલહ, નારીનાં રિસામણાં ને શ્રીકૃષ્ણની ચાર્ટૂક્તિઓ વગેરેને આલેખતો ‘સત્યભામાનો ગરબો' તેમજ શણગારના વર્ણનની ચિત્રાત્મકતાને લીધે નોંધપાત્ર ‘અંબાજીના શણગારનો ગરબો’, ‘બહુચરાજીનો આનંદનો ગરબો’ વિશેષ નોંધપાત્ર છે. ઉપરાંત ‘વ્રજવિયોગ’ નામના કાવ્યમાં કૃષ્ણ-ગોપીના વિરહને કવિએ ગાયો છે.
આ ઉપરાંત ‘કૃષ્ણવિરહના પદ’, ‘ચોસઠ જોગણીઓનો ગરબો’, ‘બહુચરાજીનાં પદ’, ‘રામચંદ્રજીનાં પદ’, ‘આનંદનો ગરબો’, ‘આરાસુરનો ગરબો’, ‘આંખમિંચામણીનો ગરબો’, ‘અંબાજીના મહિના', ‘કમળાકંથના બાર મહિના’, ‘ધનુષધારીનું વર્ણન’, ‘અંબાજીના મહિના’, ‘બહુચરાજીની આરતી’, ‘બહુચરાજીની ગાગર’, ‘બહુચરનો રંગ પદસંગ્રહ’, ‘ રંગ આરતી’, ‘અંબાજીનો ગરબો’, ‘રામવિવાહ’, ‘અભિમન્યુનો ચકરાવો’ અને છૂટક પદ તેમજ ગરબાઓ વગેરે જેવી વિવિધ રચનાઓ આપી આપણાં ધાર્મિક સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમની ઘણી રચનાઓ 'બૃહદ કાવ્યદોહન ભાગ 2-4-5-8'માં પ્રસિદ્ધ થઈ હતી તો કેટલીક રચનાઓની હસ્તપ્રત ગુજરાતી પ્રેસ ખાતે પણ સંગ્રહિત થયેલી જણાય છે. રમણિક દેસાઈ દ્વારા સંપાદિત ગ્રંથ ‘પ્રાચીન કવિઓ અને તેમની કાવ્યકૃતિઓ’માંથી ગરબોપણ આપણને વલ્લભ ભટ્ટની રચનાઓ મળી રહે છે.
ગુજરાતી સાહિત્યમાં ગરબા એટલે વલ્લભ અને વલ્લભ એટલે ગરબા એમ અભિન્ન ઓળખ ઊભી થઈ છે. વલ્લભે રચેલ ગરબા-ગરબીઓ આજે પણ એટલા જ પ્રચલિત છે ને લોકકંઠે ગવાય છે. વિજયરાજ વૈદ્યે વલ્લભ ભટ્ટના ગરબાને મધ્યકાલીન સાહિત્યના બુટ્ટી કે નથણી જેવા ગૌણ, પણ ચિત્તહર અલંકારો કહીને નવાજ્યા છે. આવા અનોખા માઈભક્ત વલ્લભ ભટ્ટનું અવસાન સંવત 1803માં થયાનું જણાય છે.