Read Online Gujarati Padma Vinana Deshaman eBooks | RekhtaGujarati

પદ્મા વિનાનાં દેશમાં

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

મણિલાલ હ. પટેલ લેખક પરિચય

જન્મ 9 નવેમ્બર, 1949ના રોજ પંચમહાલના મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ગોલાના પાલ્લામાં પિતા હીરદાસ અને માતા અંબાબેનને ત્યાં થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મોટા પાલ્લા અને મધવાસમાં તેમ જ ઉચ્ચ શિક્ષણ મોડાસામાં મેળવી 1967માં મેટ્રિક, 1971માં ગુજરાતી–અંગ્રેજી વિષયો સાથે સ્નાતક, 1973માં ગુજરાતી–સંસ્કૃત વિષયોમાં અનુસ્નાતક, 1979 ધીરુભાઈ ઠાકર ‘સવ્યસાચી’ના માર્ગદર્શન હેઠળ ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. 1973થી 1987 સુધી આર્ટ્સ-કૉમર્સ કૉલેજ, ઈડરમાં ગુજરાતીના અધ્યાપક તરીકે અને 1987માં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગરના અનુસ્નાતક વિભાગમાં રીડર તરીકે જોડાયા. બાદમાં તેઓ પ્રાધ્યાપક તરીકે અને વિભાગના અધ્યક્ષ તરીકે કાર્યરત રહ્યા હતા. ‘દસમો દાયકો’, ‘શ્રુતમ્’, ‘પરસ્પર’, અને ‘પ્રજ્ઞા’ નામનાં સામયિકોનું સંપાદન કર્યું છે.

નવમા ધોરણના અભ્યાસ દરમિયાન દિવાળીની રજાઓમાં બેસતા શિયાળાની સીમ વિશે દલપતશૈલીમાં મનમાં ઊઠેલી લાગણીઓ કાગળ પર ઉતારેલી. આ દરમિયાન ‘કેકારવ’ વાંચતા. દસમા ધોરણમાં ‘સાચો રાહ’ નાટક ભજવ્યું. તેમણે પોતાના ગામમાં પહેલી વાર આ રીતે નાટક ભજવાવડાવ્યું, એના ફાળામાંથી આવેલી રકમથી ગામમાં ગ્રંથાલય બન્યું. દસમા-અગિયારમા ધોરણમાં ભણતાં ભણતાં દલપતરામ, કવિ કલાપીને વાંચતાં વાંચતાં જ છંદ શીખ્યા. જાતે છંદ શીખી લેવાની મથામણોને કારણે મણિલાલ હ. પટેલ અગિયારમા ધોરણ સુધીમાં તો કવિતા, વાર્તા, અને નવલકથાથી ત્રણ નોટ ભરી દે છે. એ જ વર્ષે તેમણે મધવાસ હાઈસ્કૂલના આચાર્યના ઘરે આવેલા તે સમયના જાણીતા કવિ કરસનદાસ માણેકને પોતાની કવિતાઓ સંભળાવી. કવિએ તેમાંથી ‘ગરીબો’ રચના લીધી અને ‘નચિકેતા’માં છપાવડાવી. મણિલાલ હ. પટેલની સર્જકતાનો આરંભ ત્યાંથી થયો. 1969માં એસ.વાય.બી.એ.માં સગાઈના સમયગાળામાં પ્રિયપાત્રને મળવાની સંવેદના–વેદનાને ‘આ-ગમન પછી’ સૉનેટમાં ઉતારી. જે સૉનેટ ‘કુમાર’માં છપાયું અને શ્રેષ્ઠ સૉનેટનો અને શ્રેષ્ઠ કાવ્યનો એ વખતનો પુરસ્કાર પણ પામ્યું. સુમન શાહ એમ.એ.ના વર્ગ લેવા આવતા. નક્ષત્ર ટ્રસ્ટની વિનંતીથી ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ તેમની પંદરેક કાવ્યરચનાઓ સંચય માટે પસંદ કરેલી અને 1983માં ‘પદ્મા વિનાના દેશમાં’ કવિતાસંગ્રહ પ્રગટ થયો. એ પછી ‘સાતમી ઋતુ’ 1988માં પ્રગટ થયો, જે ઈડરના સ્થળવિશેષની આગવી મિરાતથી અને ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનપ્રભાવથી બંધાતું કવિતાનું પોત આધુનિક પરંપરાને અનુબંધિત રાખીને ચાલતો સંગ્રહ છે. ‘ડુંગર કોરીને ઘર કર્યાં’ (1996), ‘વિચ્છેદ’ (2006), ‘સીમાડે ઊગેલું ઝાડવું’ (2011), અને હિન્દીમાં ‘પતઝર’, ‘માટી અને મેઘ’ (2018) તેમના અન્ય કાવ્યસંગ્રહ છે.

પરીક્ષા સમયે ‘વર્ષાની સાંજ’ નિબંધ લખેલો. એમ નિબંધમાં પણ હળવે પગલે પ્રવેશ કરી રહ્યા હતા. લુણાવાડા કૉલેજમાં જોઈએ એવું પ્રોત્સાહન ન મળ્યું પણ મોડાસા કૉલેજમાં ખેતરો વચ્ચે ધમધમતું કૉલેજ કૅમ્પસ, સમૃદ્ધ ગ્રંથાલય અને વિશાળ સંસ્કૃતિ-પ્રકૃતિ વચ્ચે સર્જકમન વાંચનલેખનમાં રત રહેવા લાગ્યું. ‘જનસત્તા-લોકસત્તા’માં ‘માનવીનાં મન’ અને ‘સંદેશ’માં ‘નવાં કલેવર’ કટાર નિયમિત વંચાતી. સુરેશ જોષીનો પ્રભાવક પરિચય, તેમની કલ્પનાસૃષ્ટિ અને ભાષાછટા પ્રભાવિત કરી ગયાં. ઈડર છોડતાં ઉમાશંકર જોશીએ શુભેચ્છા પાઠવતાં કહેલું કે, “વિદ્યાનગર જાવ છો તે સારું જ છે પણ ઈડર મલક તમને નહીં છોડે”. ઈડર પ્રદેશમાં નોકરી કરતાં કરતાં નિહાળેલો આજુબાજુનો પહાડી વિસ્તાર અને પુષ્કળ વાંચન નિબંધો માટેના મોટા ખજાનારૂપ નીવડ્યો.

“નિબંધ મારું ઘર છે” એમ કહેતા આ સર્જક નિબંધ વિશેની કેફિયત આપતાં કહે છે કે, “ઈડર પ્રદેશના વસવાટની મોટી ભેટ એટલે નિબંધ. વિવિધ ઋતુઓનાં સૌંદર્ય, વતનની અને સ્વજનોની યાદ, વિશાળ વાંચન અને કૉલેજનો અદ્‌ભુત વાતાવરણમાં લલિતનિબંધ, ચરિત્રનિબંધ, રેખાચિત્ર, પ્રવાસનિબંધ, વગેરે લખાયા”. ‘અરણ્યોમાં આકાશ ઢોળાય છે’થી શરૂઆત થયેલા નિબંધલેખનની સફર ‘મુખોમુખ’, ‘કોઈ સાદ પાડે છે’, ‘માટીવટો’, ‘અક્ષરને અજવાળે’, ‘હું તો નિત્ય પ્રવાસી’, ‘વૃક્ષાલોક’, ‘માટીના મનેખ’, ‘ભૂંસાતાં ગ્રામચિત્રો’, ‘ચાલ, વૃક્ષને મળવા જઈએ’, ‘મલકની માયા’, ‘વેળા વેળાની વાત’, ‘આડા ડુંગર ઊભી વાટ’, ‘સર્જકનો સમાજલોક’, ‘ધૂળમાં ઊડતો મેવાડ’, અને ‘સોનાના વૃક્ષ’ સુધી વિસ્તરી છે.

વલ્લભ વિદ્યાનગરમાં આવ્યા ત્યારે એક વાર અજાણ્યા ગામમાં ઊતરી પડ્યા જ્યાં તેમના વિદ્યાર્થિનીની પ્રેમાળ મહેમાનગતિ માણ્યા પછી ‘વચલી ખડકી’ વાર્તા લખાઈ અને વાર્તાસર્જન શરૂ થયેલું. તો ‘બદલી’ વાર્તા પણ એ જ રીતે ખેતરના શેઢે એક ઉદાસ બહેનનો ચહેરો વાંચતાં મળી આવેલી. 1988થી શરૂઆત કરીને 2008 સુધીના બે દાયકામાં તેમણે ‘રાતવાસો’, ‘માટી બોલે’ (હિન્દી), ‘હેલી’, ‘બાપાનો છેલ્લો કાગળ’, ‘સદાબહાર વાર્તાચયન’, તથા ‘સુધા અને બીજી વાર્તાઓ’ નવલિકાસંગ્રહો ભેટ ધર્યા છે. ‘મણિલાલ હ. પટેલની વાર્તાસૃષ્ટિ' (2005) એ તેમની ચૂંટેલી વાર્તાઓનો સંગ્રહ છે. તો, ‘તરસઘર’, ‘ઘેરો’, ‘કિલ્લો’, ‘અંધારું’, ‘લલિતા’ અને ‘અંજળ’ એમની નવલકથાઓ છે.

‘કવિતાનું શિક્ષણ’, ‘જીવનકથા’, ‘ઈશ્વર પેટલીકર’, ‘નિબંધકાર સુરેશ જોષી’, ‘કવિ રાવજી : એક ક્લોઝઅપ’, ‘કથાસર્ગ’, ‘અભિમુખ’, ‘ગુજરાતી પ્રેમકવિતા’, ‘કાવ્યસંવાદ’, ‘પરિષ્કૃત વાર્તા અને બીજા લેખો’, ‘કાવ્યપદાર્થ’, ‘સર્જક રાવજી પટેલ’, ‘રચનાલોક’, ‘ગુજરાતી પ્રેમકવિતા’, ‘માનવીની ભવાઈ : એક અભ્યાસ લેખ’, ‘ઉમાશંકરના મલકમાં’, ‘કવિતા : કાલની અને આજની’ (2011), ‘કવિતામાં છંદોલય’ (2011), ‘કથા અને કલા’ (2013), ‘કર્તા અને કૃતિ’ એ તેમના વિવેચનસંગ્રહો છે.

તેમણે 6 જેટલી જીવનકથાઓ લખી છે. ‘વીતક ઝંખે વ્હાલ’ (જૉસેફ મૅકવાન), ‘મોલ ભરેલું ખેતર’ (રાવજી પટેલ), ‘તરસ્યા મલકનો મેઘ’ (2007, 5ન્નાલાલ પટેલનું જીવનવૃત્તાંત), વગેરે જીવનકથાઓ છે, તો, ‘તરસી માટી’, ‘એકલા હોવું’ આ બે આત્મકથાના ભાગ છે. આ ઉપરાંત, 30થી પણ વધારે સંપાદન પુસ્તક આપ્યાં છે.

સર્જક શ્રી મણિલાલ હ. પટેલની વિવિધ કૃતિઓનો માધ્યમિક શાળામાં અને યુનિવર્સિટીના વિવિધ પાઠ્યક્રમમાં, સંદર્ભ સાહિત્ય વગેરેમાં સમાવેશ થયેલો છે. હિન્દી, મરાઠી, અંગ્રેજી કવિતાના અનુવાદો, અભ્યાસ-લેખો, કાવ્યપાઠ, અને વ્યાખ્યાનો આપ્યાં છે. વિવિધ સંસ્થાઓમાં તેઓ સેવારત રહ્યા છે. જેમ કે, ‘ગુજરાતીનો અધ્યાપક સંઘ’ના પ્રમુખ, અરવલ્લી વિદ્યા ભવન ટ્રસ્ટ ખેડબ્રહ્મા મૅનેજિંગ ડાયરેક્ટર, સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ નડિયાદના મૅનેજિંગ ટ્રસ્ટી, જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી., નેટ, સ્લેટ પરામર્શક, અને ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના સંપાદક, આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસક્રમ લેખન પરામર્શકની કામગીરીમાં સક્રિય રીતે ભાગીદાર રહ્યા છે.

30થી વધુ પારિતોષિક મળ્યાં છે. બે વાર તેઓ રાજ્ય સરકાર દ્વારા સન્માનિત થયા છે. તેમની સર્જકપ્રતિભાને ઉમા–સ્નેહરશ્મિ પારિતોષિક, શ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર, ઉત્તમ સાહિત્ય પુરસ્કાર–મુંબઈ, ધનજી કાનજી સુવર્ણ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, ગુજરાત ગૌરવ પુરસ્કાર, સુરેશ જોષી લલિતનિબંધ પારિતોષિક, કાકાસાહેબ પારિતોષિક, જૉસેફ મૅકવાન સાહિત્ય પુરસ્કાર–આણંદ, સીએસ ઍવૉર્ડ / મુદ્રા ચંદ્રક–અમરેલી, નવરોજ પારિતોષિક, સાહિત્ય સંવાદ પારિતોષિક, નવલકથા માટે કલકત્તાનો સાહિત્યસેતુ ઍવૉર્ડ, વિવેચન માટે ક્રિટિક્સ ઍવૉર્ડ તેમ જ ગુજરાત સાહિત્ય પરિષદનાં સાત અને ગુજરાત સાહિત્ય અકાદમીનાં છ પારિતોષિકો વડે નવાજી છે.