 
                પુસ્તક વિશે માહિતી
- લેખક: નવલરામ લક્ષ્મીરામ પંડ્યા
- પ્રકાશન વર્ષ:1869
- ભાષા:ગુજરાતી
- વિભાગ: નાટક
- પૃષ્ઠ:307
- પ્રકાશક: યુનાઇટેડ પ્રિન્ટિંગ પ્રેસ, અમદાવાદ
- સહયોગી: રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા લેખક પરિચય
ગુજરાતી કવિ, નિબંધકાર, નાટ્યકાર, ચરિત્રકાર, ગ્રંથાવલોકન-વિવેચનના આદ્યપ્રણેતા, ઇતિહાસ આલેખક, પત્રકાર, ભાષાવિદ્ અને પ્રથમ શિક્ષણશાસ્ત્રી.  તેમનો જન્મ 3 માર્ચ, 1836ના રોજ સુરતમાં વિસનગરા નાગર બ્રાહ્મણ લક્ષ્મીરામ અને માતા નંદકોરબેનને ત્યાં થયો હતો. પ્રારંભિક શિક્ષણ ગોવિંદ મહેતાની ગામઠી નિશાળમાં, આઠ વર્ષની વયે દુર્ગારામ મહેતાજીની સરકારી નિશાળમાં પ્રવેશ લઈને ત્યાં અભ્યાસ કર્યો. ભણવામાં તેજસ્વી હોઈ ‘ફ્રી સ્કૉલર’ તરીકે અંગ્રેજી શાળામાં પ્રવેશ લીધો. 1853-મૅટ્રિક સુધીનું શિક્ષણ સુરતમાંથી મેળવ્યું. આર્થિક સંકડામણના કારણે ઉચ્ચશિક્ષણ લેવાને અસમર્થ એવા તેઓ 1854માં અઢાર વર્ષની નાની વયે સુરતની અંગ્રેજી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક, 1861માં ડીસાની ઍંગ્લો-વર્નાક્યુલર સ્કૂલમાં કામચલાઉ હેડમાસ્ટર, સુરત પાછા આવી 1867માં ટ્રેનિંગ સ્કૂલમાં હેડમાસ્ટર, 1870માં સુરત ટ્રેનિંગ સ્કૂલ બંધ થતા અમદાવાદની ટ્રેનિંગ કૉલેજમાં વાઇસ-પ્રિન્સિપાલ, 1870માં જ ત્યાં ‘ગુજરાત શાળાપત્ર’નું તંત્રીકાર્ય અને બાળવિવાહ નિષેધક મંડળીનું મંત્રીપદ, પ્રેમચંદ રાયચંદ કૉલેજમાં પ્રિન્સિપાલ તેમજ 1876માં રાજકોટની ટ્રૅનિંગ કૉલેજમાં પ્રિન્સિપાલના હોદ્દા પર મૃત્યુપર્યંત રહ્યા. અમદાવાદ અને રાજકોટના નિવાસ દરમિયાન પરિપક્વ બુદ્ધિ અને ગહન અભ્યાસના પરિપાકરૂપે સર્જન, વિવેચન અને શિક્ષણ-ક્ષેત્રે એમણે પોતાનું આગવું પ્રદાન કર્યું. 7 ઓગસ્ટ, 1888ના રોજ 52 વર્ષની વયે તેમનો રાજકોટ ખાતે દેહાંત થયો. નર્મદના સમકાલીન, નર્મદયુગના સંતાન એવા નવલરામ બે યુગ વચ્ચેની સંક્રમણભૂમિ છે. તેમણે કવિતાલેખનથી સર્જનયાત્રા આરંભી. 1962માં ‘મહારાજ લાયબલ કેસ’ પર કાવ્ય લખી મોકલનારને રૂ. 250નું ઈનામ જાહેર થતા ‘મહારાજ લાયબલ કેસ’ વિશે અઢીસો પૃષ્ઠોની દીર્ધ પદ્યરચના (1863) કરી સાહિત્યક્ષેત્રે પ્રસ્થાન કર્યું. ‘કરણઘેલો’ વિશે ‘ગુજરાત મિત્ર’માં વિવેચનલેખ (1867) પ્રગટ કરી ગુજરાતી ગ્રંથાવલોકનના પ્રારંભક બન્યા.  નાટકને સર્વજન સંતર્પક સાહિત્યપ્રકાર લેખતા આ સર્જકે ફ્રેન્ચ નાટ્યકાર મોલિયેરના નાટકના અંગ્રેજી ભાષાંતર ‘મોક ડૉકટર’ ઉપરથી હાસ્યરસપ્રધાન છતાં તત્કાલીન સામાજિક કુરિવાજો પર કટાક્ષના હળવા ચાબખા વીંઝતું હેતુપ્રધાન નાટક ‘ભટ્ટનું ભોપાળું’ (1867), ‘રાસમાળા’માંથી વસ્તુ લઈને એમણે રચેલું ઐતિહાસિક નાટક ‘વીરમતી’ (1869)-એમ બે નાટકો આપ્યાં છે. ઉપરાંત ‘મેઘદૂત’નું ભાષાંતર(1870), પ્રેમાનંદ કૃત કુંવરબાઈનું મામેરું-સંપાદન (1871), ‘કાવ્યાચાતુર્યની રચના’ ઉપરાંત ‘અકબરશાહ અને બિરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ’ (‘ગુજરાત શાળાપત્ર’માં હપ્તાવાર પ્રકાશિત, 1870-80)માં બુદ્ધિતર્કયુક્ત અને સુરુચિપૂર્ણ હાસ્ય સાથે કાવ્યતત્ત્વની પ્રાથમિક ચર્ચા, ‘બાળલગ્ન બત્રીસી’ (1876), ‘બાળ ગરબાવલી’ (1877) નામક બે કાવ્યસંગ્રહ - જેમાં ગુજરાતનાં ઇતિહાસ, ભૂગોળ, તેના પ્રાકૃતિક-પ્રાચીન સ્થળોનું, પ્રજાના રિવાજો અને સ્વભાવનું ચિત્ર આપતી કૃતિઓ ‘ઇતિહાસની આરસી’, ‘ગુજરાતની મુસાફરી’ અને બાળલગ્નની હાસ્યરસમાં તીવ્ર આડંબના કરતી ‘જનાવરની જાન’ વગેરે નોંધપાત્ર રચનાઓ, ‘ઇંગ્રેજ લોકનો સંક્ષિપ્ત ઇતિહાસ’ (1880-1887, તેમની ઇતિહાસ દૃષ્ટિ અને ગદ્યકલાથી સુપરિચિત કરાવતી યશોદાયી અપૂર્ણ કૃતિ) નામે ‘ગુજરાત શાળાપત્ર’માં હપ્તાવાર લખાયેલ ઇતિહાસ (જેનું ગ્રંથસ્થ સંપાદન 1924માં બળવંતરાય ઠાકોરે કર્યું છે), ‘કરસનદાસ મુળજીદાસ ચરિત્ર’, ‘મહેતા દુર્ગારામ મંછારામનું જીવનચરિત્ર’ તેમજ ‘કવિજીવન’ (1888) નામે નર્મદચરિત્ર-આદિ ચરિત્રાત્મક તેમજ વ્યુત્પત્તિ પાઠ’ અને ‘નિબંધ રીતિ’ આદિ અન્ય કૃતિઓ મળે છે. ‘નવલગ્રંથાવલિ’ ભાગ :1-2-3-4 (1891, નવલરામની જીવનકથા સહિત સમગ્ર સાહિત્યનું ગોવર્ધનરામે કરેલ સંકલન) : જેના ગ્રંથ એકમાં નાટકો, કાવ્યો, વાર્તાઓ અને ભાષાંતરો; ગ્રંથ બેમાં ગ્રંથો અને ગ્રંથકારો વિશે સાક્ષર ચર્ચા; ગ્રંથ ત્રીજામાં શાળોપયોગી અને શિક્ષણવિષયક લેખો અને ગ્રંથ ચારમાં પ્રકીર્ણ લેખો-એમ ચાર વિભાગો છે.  ગોવર્ધનરામ પછી હીરાલાલ શ્રોંફે ‘નવલગ્રંથાવલિ’ની શાળોપયોગી આવૃત્તિ બે ભાગમાં (1911) અને નરહરિ પરીખે તારણરૂપ ‘નવલગ્રંથાવલિ’ (1937) નામે સંપાદનો કર્યાં છે. પ્રથમ શાસ્ત્રીય વિવેચક લેખાતા નવલરામે કાવ્ય-નાટક ગ્રંથોના અવલોકન નિમિત્તે, કવિઓનાં જીવન અને કવન આલેખન નિમિત્તે તેમણે ‘કાવ્યશાસ્ત્રી સંબંધી વિચારો’, ‘મનના વિચાર’, ‘હાસ્ય અને અદ્ભૂત રસ’ આદિ સ્વતંત્ર લેખો દ્વારા વિવેચન કાર્ય કર્યું છે. નવલરામે 1872થી 1888 સુધીમાં શિક્ષણ વિશે સૈદ્ધાંતિક તેમજ વ્યવહારુ વિચારણાના ત્રીસેક લેખ લખ્યા છે. 1872માં લખાયેલ ‘મહેતાજીનો ધંધો’માં શિક્ષકના વ્યવસાયનું ગૌરવ કર્યું છે. ‘વાચનમાળાની જોડણી’, ‘જોડણીના નિયમોનું અર્થગ્રહણ’માં સૌપ્રથમ શાસ્ત્રશુદ્ધ જોડણીના કેટલાક નિયમો બાંધ્યા છે. ’સુધારાનું ઇતિહાસરૂપ વિવેચન’ સમગ્ર દૃષ્ટિના ચિંતનનું સંતર્પક સુફળ છે. નવલરામે જે રીતે નર્મદ પર ચરિત્ર ‘કવિજીવન’ લખ્યું તેમ વિજયરાય વૈદ્યે નવલરામનું જીવનચરિત્ર ‘શુક્રતારક’(1944)માં આલેખ્યું છે.
 
        
 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        