Read Online Gujarati Kurukshetra - Dvadash Kand, Mahasudarshan eBooks | RekhtaGujarati

કુરુક્ષેત્ર - દ્વાદશ કાંડ, મહાસુદર્શન

  • favroite
  • share

પુસ્તક વિશે માહિતી

ન્હાનાલાલ દલપતરામ કવિ લેખક પરિચય

કવિ ન્હાનાલાલ દલપતરામનો જન્મ 16 માર્ચ, 1877ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. મૂળ અટક ત્રિવેદી (તરવાડી) પણ પિતા દલપતરામ ‘કવીશ્વર’ તરીકે પંકાતા હોવાથી શાળાને ચોપડે તેમ પછી જીવનભર ‘કવિ’ અટક અપનાવેલી. ન્હાનાલાલના ઘડતરમાં પિતા, ગુરુ કાશીરામ દવે, અને પત્ની માણેકબાનો અમૂલ્ય ફાળો રહ્યો છે. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં લીધું. 1893માં તેમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી અને આગળનો અભ્યાસ અમદાવાદની ગુજરાત કૉલેજ, મુંબઈની એલ્ફિન્સ્ટન, અને પૂનાની ડેક્કન કૉલેજમાં કર્યો. 1899માં તેમણે તત્ત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે સ્નાતક અને 1901માં ઇતિહાસના વિષય સાથે અનુસ્નાતક થયા. પછી તેઓ 1902થી 1918ના ગાળામાં સાદરાની સ્કૉટ કૉલેજમાં અને રાજકોટની રાજકુમાર કૉલેજમાં અધ્યાપક રહ્યા. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયાધીશ અને નાયબ દીવાનની પણ કામગીરી બજાવી. 1918માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા હત્યાકાંડથી વ્યથિત થઈ 1920માં લાંબી રજા પર ઊતરીને ગાંધીજી પ્રેરિત અસહકારની ચળવળ દરમ્યાન દેશદાઝથી એમણે 1921માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી, અમદાવાદને પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવ્યું અને સાહિત્યસર્જનમાં બાકીનું જીવન વ્યતીત કર્યું. તેમનું અવસાન જાન્યુઆરી 9, 1946ના દિને અમદાવાદ ખાતે થયું હતું.

કવિતામાં પ્રાચીન–અર્વાચીન કાવ્યકળાનું અભિનવ સમૃદ્ધિયુક્ત સંમિશ્રણ દાખવતી ન્હાનાલાલની કવિતાકળા વસંતના ઉત્સવ જેવી ગણી શકાય. તેમની કવિતાનો ચિરંજીવ અંશ તેમાં થયેલું ઊર્મિનિરૂપણ છે. ન્હાનાલાલની કવિતા સમગ્રતયા ઊર્મિકવિતા હોવા છતાં બાહ્ય સ્વરૂપ ભેદે 1) ઊર્મિકાવ્યો 2) ગીતો–રાસ–ભજનો, અને 3) ડોલનશૈલીનાં ખંડકાવ્યો, નાટકો, અને મહાકાવ્ય આદિમાં વિભાગી શકાય. ન્હાનાલાલે લેખનની શરૂઆત ડોલનશૈલીમાં ‘વસંતોત્સવ’ કાવ્ય દ્વારા કરી હતી. તેમની પાસેથી ‘કેટલાંક કાવ્યો’ ભા. 1–2–3 (1903, 1908, 1935), ‘ન્હાના ન્હાના રાસ’ ભા. 1–2–3 (1910, 1928, 1937), ‘ગીતમંજરી’ ભા. 1–2 (1928, 1956), ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’ (1903, 1905, 1911), ‘ચિત્રદર્શનો’ (1921), ‘પ્રેમભક્તિ ભજનાવલિ’ (1924), ‘દાંપત્યસ્તોત્રો’ (1931), ‘બાળકાવ્યો’ (1931), ‘મહેરામણનાં મોતી’ (1939), ‘સોહાગણ’ (1940), ‘પાનેતર’ (1941), ‘પ્રજ્ઞાચક્ષુનાં પ્રજ્ઞાબિંદુઓ’ (1943) આદિ કાવ્યસંગ્રહ મળે છે. એમાં હાલરડાં, બાળકાવ્યો, કન્યાકાવ્યો, લગ્નગીતો, રાસ-ગરબા, ભજનો, અર્ઘ્ય-અંજલિકાવ્યો, ગોપકાવ્ય, કરુણપ્રશસ્તિ, કથાગીતો એમ સારું વૈવિધ્ય છે. તેમાં પ્રણય, પ્રકૃતિ, પ્રભુ અને સ્વદેશવાત્સલ્ય કવિના મુખ્ય કવનવિષય રહ્યા છે. તત્ત્વત: ન્હાનાલાલની કવિતા અર્વાચીન યુગમાં મધ્યકાલીન યુગની કવિતાનો અર્વાચીન આવિર્ભાવ છે. 1919માં ગાંધીજીની પચાસમી જન્મજયંતીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચના ગાંધીજીને અર્પણ કરી હતી. તેમણે કેટલાંક ચિત્રકાવ્યો ઉપરાંત ‘વસંતોત્સવ’, ‘ઓજ અને અગર’, ‘દ્વારિકાપ્રલય’, ‘હરિદર્શન’, અને ‘વેણુવિહાર’ જેવાં કથાકાવ્યો તથા ‘કુરુક્ષેત્ર’ (બાર કાણ્ડ) અને ‘હરિસંહિતા’ (અંતિમ અપૂર્ણ કૃતિ) મહાકાવ્ય આપ્યાં છે. તો ‘વીરની વિદાય’, ‘કાઠિયાણીનું ગીત’ જેવી વીરરસિક કૃતિઓ, ‘ચાંદલિયો’, ‘તારા’ જેવાં બાળહૃદયને સ્પર્શતાં બાળકાવ્યો અને ‘શરદપૂર્ણિમા’ જેવી મહત્ત્વની કૃતિઓ આપી છે. સરવાળે, કવિતા એ સૌન્દર્યની સર્વાંગ આરાધના છે એ હકીકતને લક્ષ્યમાં રાખીને શબ્દાર્થ અને વાણીની છટાના સૌન્દર્યનો પરિચય મેળવવા ન્હાનાલાલની કવિતા કીમતી પ્રયોગશાળારૂપે હમેશાં કામ આવશે. ‘ઇન્દુકુમાર’ ભા. 1–2–3 (1909, 1927, 1932), ‘પ્રેમકુંજ’ (1922), ‘ગોપિકા’ (1935), ‘પુણ્યકથા’ (1937, ધર્મ–તત્ત્વજ્ઞાનપ્રધાન), ‘જગત્પ્રેરણા’ (1943, લગ્નવિષયક), ‘અજિત અને અજિતા’ (1952), ‘અમરવેલ’ (1954), ‘જયા-જયન્ત’ (1914), ‘વિશ્વગીતા’ (1927), ‘રાજર્ષિ ભરત’ (1922), ‘જહાંગીર–નૂરજહાંન’ (1928), ‘શાહનશાહ અકબરશાહ’ (1930), ‘સંઘમિત્રા’ (1931), ‘શ્રીહર્ષદેવ’ (1952) આદિ નાટક. ‘કવીશ્વર દલપતરામ’ ચરિત્રકૃતિ તેમ જ ‘પિતૃતર્પણ’ જેવી પિતાવિષયક રચના મળે છે.

તેમની પાસેથી મળતી અન્ય કૃતિઓમાં – સામાજિક વાસ્તવના પરિવેશમાં સ્નેહ, સંવનન, અને લગ્નની કથા બનતી ‘ઉષા’ (તેની ગદ્યસૌરભે તેને ગુજરાતની ‘કાદંબરી’ કહેવડાવી છે) અને એથી બમણા કદની રાજકીય દર્શનના સારની બનાવેલી કથા ‘સારથિ’ એમ બે નવલો, ‘પાંખડીઓ’ વાર્તાસંગ્રહ (સર્જકે પોતે જ જેને વાર્તાઓ નહિ પણ પ્રસંગો અને ‘તેજ-અણુઓ’ તથા ‘હીરાની કરચો’ કહી છે), તો અંગ્રેજી અને સંસ્કૃત કૃતિમાંથી કરેલા અનુવાદોમાં ‘મેઘદૂત’, ‘શાકુન્તલ’, ‘ભગવદ્‌ગીતા’, ‘ઉપનિષત્પંચક’, અને ‘શિક્ષાપત્રી’ વગેરે તેમ જ ટેનિસનના ‘ઈન-મેમૉરિયલ’ના જાણીતા ખંડનો ‘ઘંટારવ’ અનુવાદ, ‘‘જગત કાદંબરીઓમાં ‘સરસ્વતીચંદ્ર’નું સ્થાન’ અને ‘આપણાં સાક્ષરરત્નો’ ભા. 1–2 તેમ જ પુસ્તકોના કેટલાક પ્રવેશકો આદિ વિવેચન, ગૃહજીવન, સમાજપ્રશ્નો, સાહિત્ય, શિક્ષણ, ધર્મ, કલા એમ જીવનનાં બધાં મુખ્ય ક્ષેત્રોને સ્પર્શી વળતા આ વ્યાખ્યાન-લેખોના ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’, ‘ઉદ્‌બોધન’, ‘સંસારમંથન’, ‘સંબોધન’ આદિ આઠ સંગ્રહો (જે કવિના ઇતિહાસરસ, અભ્યાસશીલતા, ભારતીય ધર્મ ને સંસ્કૃતિએ પુરસ્કારેલાં જીવનમૂલ્યો પરની આસ્થા, લોકહિતચિંતા, સમન્વયદૃષ્ટિ અને ભાવનાશીલતાના દ્યોતક છે) મળે છે. 16 માર્ચ 1978ના દિવસે ભારતીય ટપાલ ખાતા દ્વારા એમના નામની ટિકિટ બહાર પાડવામાં આવી હતી.