 
                પુસ્તક વિશે માહિતી
- લેખક: ભીમરાવ ભોળાનાથ દીવટિયા
- પ્રકાશન વર્ષ:1897
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:523
- સહયોગી: રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ
ભીમરાવ ભોળાનાથ દીવટિયા લેખક પરિચય
તેમનો જન્મ 2 ઑક્ટોબર, 1851ના રોજ અમદાવાદમાં ભોળાનાથ દીવટિયાને ત્યાં થયો હતો. તેમણે 1870માં મેટ્રિકની પરીક્ષા પસાર કરી. એ પછી એમને ક્ષય લાગુ પડવાથી આગળ ઉચ્ચ અભ્યાસ કરવાની ખૂબ ઇચ્છા હોવા છતાં એમ કરવાને અસમર્થ રહ્યા. 1880માં નોકરી અર્થે વડોદરા આવી, દસેક વર્ષ તેમણે વડોદરામાં વિતાવ્યાં. પણ ક્ષયની અસર વધી જવાથી તેમણે નોકરી છોડી. 13 ઑક્ટોબર, 1890ના રોજ 39 વર્ષની અલ્પ વયે અમદાવાદમાં અવસાન થયું.
ભીમરાવે ગદ્ય અને પદ્ય ઉભયમાં લેખણી ચલાવી હોવા છતાં એમનું સ્મરણ કવિતાને કારણે થાય છે. ભીમરાવની કવિતાઓમાં પ્રૌઢ સંસ્કૃત શૈલી અને દેશી શૈલી એમ દ્વિવિધ શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે. તેમની પાસેથી કેટલાક ગદ્યલેખો ઉપરાંત ‘બાળલગ્નનિષેધક’, ‘સ્ત્રીકેળવણી’ની ગરબી મળે છે. તેમની “ગરબે રમવા તે ગોરી નીસર્યાં રે” અનુપમ કલ્પના સૌન્દર્ય દાખવતી ગરબી છે. નર્મદની ‘કબીરવડ’ની અસરને ઝીલતું ભીમરાવનું પ્રથમ સુંદર કાવ્ય ‘આબુ’ છે. અર્વાચીન ઊર્મિકાવ્યોમાં ઉત્તમ ગણી શકાય તેવાં બે ઊર્મિકાવ્યો— ‘લાવણ્યમયી’ અને ‘જ્યુબિલી’ મળે છે. જે પૈકી ‘લાવણ્યમયી’માં ગુજરાતની પ્રજાકીય અસ્મિતા વિશેનો ગરવો ઉદ્ગાર છે. તેમની મહાકાય કૃતિઓમાં ગુજરાતીમાં સમશ્લોકી અનુવાદ કરવાના પ્રથમ પ્રયાસરૂપ ‘મેઘદૂત’ (1879)નું શિષ્ટ ભાષાંતર અને દિલ્હીના છેલ્લા વીર રાજપૂત રાજવી પૃથ્વીરાજ પર રચાયેલ, સંસ્કૃત ભાષા-શૈલી, અલંકારના વિનિયોગવાળી તેમ જ વીર-શૃંગાર તેમ જ કરુણ રસિક ‘પૃથુરાજરાસા’ મહાકાવ્યને ઉલ્લેખવામાં આવે છે. ભીમરાવ દીવટિયાએ એમની માંદગીમાં આરામ દરમિયાન 1875–76ના ગાળામાં આ મહત્ત્વાકાંક્ષી ઐતિહાસિક મહાકાવ્ય રચવાનો આરંભ કર્યો. અલબત્ત, એનું પ્રકાશન એમના મરણ પછી 1897માં ‘પૃથુરાજરાસા’ (સંસ્કૃત મહાકાવ્યની ગુજરાતીમાં મહાકાવ્ય રચવાના પ્રયત્નોમાં દોલતરામ પછી આ બીજો પ્રયત્ન લેખાય છે) શીર્ષકથી થયું. જે તેમની સર્ગશક્તિનો પ્રૌઢ ગંભીર આવિષ્કાર છે. તેમાંનો ભારતભૂમિ અને એની સંસ્કૃતિનું ગૌરવગાન કરતો પહેલો સર્ગ એમને એક સારા કવિ તરીકે સ્થાપી આપે તેવો છે. જોકે, કાવ્યનું વસ્તુ સુરેખ વિન્યાસ વગરનું છે, છતાં તેના સર્ગોની, પ્રસંગચિત્રોની, અલંકારોની તથા વાકશક્તિની સર્વપર્યાપ્ત સુંદરતા ઘણી છે. આથી જ આ મહાકાવ્ય ભીમરાવની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. અન્ય મરણોત્તર પ્રકાશનોમાં, એમનાં દલપતશૈલી અને લોકગીતોના ઢાળબદ્ધ ઊર્મિકાવ્યોનો સંગ્રહ ‘કુસુમાંજલિ’ (1930) અને ‘દેવળદેવી’ 1875માં લખાયેલું પણ, મરણોત્તર પ્રકાશિત સંસ્કૃતશૈલીનું પ્રસ્તારી નાટક નવ અંકમાં પથરાયેલું કાચું સર્જન છે.
 
        
 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        