પુસ્તક વિશે માહિતી
- લેખક: દલપતરામ
- આવૃત્તિ:06
- આવૃત્તિ વર્ષ:1898
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:27
- પ્રકાશક: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
દલપતરામ લેખક પરિચય
તેમનો જન્મ તા. 21 જાન્યુઆરી, 1820ના રોજ સૌરાષ્ટ્રના વઢવાણમાં પિતા ડાહ્યાભાઈને ઘેર અમૃતબાના કુખે થયો હતો. ગામઠી નિશાળમાં અક્ષરજ્ઞાન મેળવી આઠ વર્ષની વયથી જ એમણે સામવેદનો અભ્યાસ કરવા માંડેલો. મોસાળમાં જઈ મોટા થતા થતા થોડું સંસ્કૃત અને જ્યોતિષનું શિક્ષણ પામ્યા. મૂળી ગામમાં જઈ તેમણે દેવાનંદ સ્વામી પાસે પિંગળ અને અલંકારશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું અને ત્યાં ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થઈને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લીધી. દેવાનંદ સ્વામીએ કવિને પરંપરાગત કાવ્યશાસ્ત્રનું, અલંકારશાસ્ત્ર, છંદશાસ્ત્રનું અને વ્રજભાષાની કવિતારીતિનું શિક્ષણ આપ્યું હતું.
ચોવીસ વર્ષની વયે સંસ્કૃતનો વધુ અભ્યાસ કરવા અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં રહ્યા. 1847માં અમદાવાદના સ્વામિનારાયણ મંદિરમાં સંસ્કૃતનો અભ્યાસ પૂરો કરીને તે વઢવાણ ગયા. અમદાવાદમાં સારસ્વત વ્યાકરણ તથા કુવલયાનંદનો અભ્યાસ પણ કર્યો. અમદાવાદના દિવસોમાં ભોળાનાથ સારાભાઈના પિંગળગુરુ બનવાનો અવસર અને ભોળાનાથના કારણે એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસ સાથે મિત્રયોગ થયો. ભોળાનાથ સારાભાઈની ભલામણથી દલપતરામે ફાર્બસ સાહેબના શિક્ષક અને સાથી તરીકેની નિયુક્તિ સ્વીકારી. ગુજરાત-સૌરાષ્ટ્રમાં ફરીને ઇતિહાસકથાઓ, લેખો, દસ્તાવેજો, હસ્તપ્રતો વગેરે સાધનો એકઠાં કરીને દલપતરામે ફાર્બસને ‘રાસમાળા’ તૈયાર કરવામાં મદદ કરી.
1846ના વર્ષમાં અમદાવાદમાં આસિસ્ટન્ટ જજ તરીકે નિમાયાના બે-એક વર્ષ પછી 1848ના ડિસેમ્બરમાં ફાર્બસે દલપતરામની સહાયથી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(ગુજરાત વિદ્યાસભા)ની સ્થાપના કરી. ‘વરતમાન’ વર્તમાનપત્ર અને ‘બુદ્ધિપ્રકાશ’ માસિકના તંત્રી પણ રહ્યા. 1854ના માર્ચમાં ફાર્બસ સ્વદેશ ગયા ત્યારે દલપતરામને તે સાદરામાં મહેસૂલી ખાતામાં નોકરી અપાવતા ગયા. પરંતુ સરકારી નોકરી તજીને 1855માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીનું વાસ્તવિક સુકાન દલપતરામે સ્વીકારી પાંચેક વર્ષમાં એની કથળતી જતી સ્થિતિનો ઉત્કર્ષ સાધી તેને સમર્થક સંસ્કારકેન્દ્ર બનાવી આપ્યું. સોસાયટીના વિદ્યાવૃદ્ધિના કાર્ય માટે કવિતા વડે સૌનું મનોરંજન કરીને ભંડોળ એકઠું કરવા લાગ્યા. તત્કાલીન ગુર્જરનરેશ ખંડેરાવ ગાયકવાડ સમક્ષ તેમણે ગુજરાતી વાણીના વકીલ તરીકે કરેલી વિનંતીનો પ્રસંગ અને તેમની અપીલને ધ્યાનમાં લઈને ખંડેરાવે તત્કાલીન વડોદરા રાજ્યમાં મરાઠીને સ્થાને ગુજરાતીને રાજભાષા તરીકે સ્વીકારીને નિશાળો અને પુસ્તકાલયો સ્થાપવાનો નિર્ધાર કરેલો. દલપતરામના પ્રયાસથી આમ ગુ.વ.સો.ની સ્થિતિ સધ્ધર થઈ અને ગુજરાત-સૌરાષ્ટ્રમાં વિદ્યાવૃદ્ધિનું આન્દોલન જાગ્યું. આ સંસ્કારસેવા બદલ રાણી વિક્ટોરિયાના દરબારમાં દલપતરામને શાલપાઘડીનો સરપાવ અને સી.આઇ.ઈ.(કમ્પેનિયન ઑફ ઇન્ડિયા એમ્પાયર)નો ઇલકાબ મળે છે. 1879માં નયનવ્યાધિને કારણે ગુ. વ. સોસાયટીમાંથી નિવૃત્ત થતા સોસાયટીએ તેમને નિવૃત્તિવેતન અને કીર્તિચંદ્રક અર્પણ કરી જાહેર સન્માન કર્યું હતું. 25 માર્ચ, 1898માં તેમણે સદેહે આ દુનિયામાંથી વિદાય લીધી.
અર્વાચીન ગુજરાતી કવિતાનો આવિષ્કાર દલપતરામ તરફથી મળતા ‘બાપાની પીંપર’(1845) કાવ્યથી થાય છે, એ રીતે તેઓ ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. તેઓ શ્રેષ્ઠ બાળકવિ, હાસ્ય-કટાક્ષના કવિ, બોધકવિ અને શીઘ્રકવિ છે. ‘ભોળોભાભો’, ‘કેડેથી નમેલી ડોશી’, ‘અંધેર નગરી ને ગંડુ રાજા’, ‘રાજવિદ્યાભ્યાસની વઢકણી વનિતા’, ‘વેનચરિત્ર’, ‘ઊંટ કહે’, ‘શરણાઈવાળો’ લોકપ્રિય હાસ્ય-કટાક્ષસભર રચનાઓ છે. ‘હુન્નરખાનની ચડાઈ' (અર્વાચીન ગુજરાતનું દેશભક્તિનું પહેલું કાવ્ય), ‘ફાર્બસવિરહ’(પ્રથમ કરૂણપ્રશસ્તિ)થી નવપ્રસ્થાન કર્યું છે. ‘ફાર્બસવિલાસ’, ‘વિજયવિનોદ’, ‘વેઠે કામ ન કરવા વિશે’ આદિ પદ્ય કૃતિઓ અનુકૂળતાએ ગદ્યમાં પણ સરે છે.
દીર્ઘ કાવ્ય રચનાઓમાં ‘વેનચરિત્ર’, ‘હુન્નરખાનની ચડાઈ’, ‘હંસકાવ્યશતક’, ‘ફાર્બસવિરહ’, ‘રાજવિદ્યાભ્યાસ’ સમાવેશ પામે છે. ‘માંગલિક ગીતાવલી’નાં 151 પદો લોકજીવનના પારિવારિક પ્રસંગોની વિશિષ્ટ માવજત છે. ઉપરાંત શામળ ભટ્ટની અસરમાં કિશોર વયે ‘હીરાદન્તી’ અને ‘કમળલોચની’ નામે પદ્યવાર્તાઓ, ગ્રીક એરિસ્ટોફેનિસના ‘પ્લૂટ્સ’નું રૂપાંતર ‘લક્ષ્મી’ (રૂપાંતરિત હોવાથી નગીનદાસ મારફતિયાના ‘ગુલાબ’ને પ્રથમ ગુજરાતી નાટક લેખાય છે) અને ‘મિથ્યાભિમાન’(1869, ભૂગળ વિનાની ભવાઈ તરીકે ઓળખાયેલ ગુજરાતી પ્રથમ મૌલિક હાસ્યનાટક) એમ બે નાટકો, ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘હોપ વાચનમાળા’ દ્વારા નિબંધો, લેખો, નાટકો અને વાર્તાને મળતા સાહિત્યપ્રકાર આદિ દ્વારા ગદ્યનું ખેડાણ કર્યું છે.
1849માં તેમણે ‘ભૂત નિબંધ’ લખ્યો તે અર્વાચીન ગુજરાતીના પ્રથમ ગદ્યગ્રંથ તરીકે ગણનાપાત્ર છે અને ‘જ્ઞાતિનિબંધ’ સમાજશાસ્ત્રીય અભ્યાસ છે. ‘બાળવિવાહ નિબંધ’ ઉગ્ર સુધારણાનો દ્યોતક છે તેમજ ‘પુનર્વિવાહ નિબંધ’, ‘શહેરસુધરાઈનો નિબંધ’, ‘પરદેશગમન વિશે નિબંધ’, ‘કીમિયાગર ચરિત્ર’ આદિ ગદ્ય લખાણો પણ નોંધનીય છે. ગદ્યકૃતિઓમાં ‘દેવજ્ઞ-દર્પણ’, ‘સ્ત્રીસંભાષણ’, ‘તાર્કિક બોધ’ (1870) પણ સમાવિષ્ટ છે.
વ્રજભાષાના ‘પ્રવીણસાગર’ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પણ કરેલું. ‘વિશ્વાનુભવસ્વપ્ન’ અને ‘ઈશ્વરની ચોપડી’ સંવાદાત્મક વાર્તાઓ આપી છે. ‘દલપતપિંગળ’ નામે છંદશાસ્ત્ર અભ્યાસ આપ્યો છે.