રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપુસ્તક વિશે માહિતી
- લેખક: નર્મદ
- આવૃત્તિ:002
- આવૃત્તિ વર્ષ:1912
- વિભાગ: સંદર્ભસાહિત્ય, નિબંધ
- પૃષ્ઠ:517
- પ્રકાશક: "ગુજરાતી" પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ
- સહયોગી: રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ
નર્મદ લેખક પરિચય
તેમનો જન્મ તા. 24 ઑગસ્ટ, 1833ના રોજ સુરતમાં વડનગરા નાગર બ્રાહ્મણ લાલશંકર દવેને ત્યાં થયો હતો. પિતાને મુંબઈ નોકરી હોવાથી બાલ્યકાળ મુંબઈમાં પસાર થયો. વિદ્યાપ્રારંભ પાંચ વર્ષની ઉંમરે મુંબઈમાં ભૂલેશ્વરની નાના મહેતાની નિશાળથી થયો. પછી અનુક્રમે ઈચ્છા મહેતા અને ફકીર મહેતાની શાળા (સુરત), પાયધૂની પરની બાળગોવિંદ મહેતાજીની સરકારી ગુજરાતી નિશાળ (મુંબઈ), નવલશાના કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળ (સુરત), 1845માં અંગ્રેજી શાળા અને 1850માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટમાં શિક્ષણ મેળવ્યું. કૉલેજનો અભ્યાસ અધૂરો મૂકી (સમય જતા મિત્ર ઝવેરીલાલ ઉમિયાશંકરના સૂચનથી ફરી કૉલેજ-પ્રવેશ કરેલો) 1852માં રાંદેરની શાળામાં, પછી સુરતની શાળામાં અને 1854માં ઍલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટયુટની સેન્ટ્રલ સ્કૂલ, મુંબઈમાં મદદનીશ શિક્ષક તરીકે રહ્યા હતા.
1858માં ઇષ્ટદેવતા કલમને ખોળે માથું મૂકી શિક્ષકની નોકરીમાંથી હંમેશ માટે નિવૃત્તિ. 1851માં ‘બુદ્ધિવર્ધક સભા’ અને ‘જ્ઞાનસાગર’ નામના સામાયિકની નિડર તંત્રી તરીકે કામગીરી, 1851થી 1854ના સમયગાળા દરમ્યાન ‘સ્વદેશી હિતેચ્છું’ મંડળીના મંડાણ, 1860માં તત્વશોધક સભાની સ્થાપના મુંબઈમાં કરી. 1864માં ‘દાંડિયો’ પાક્ષિક દ્વારા કલમ ચલાવી સમાજસુધારા ક્ષેત્રે મહત્ત્વની કામગીરી બજાવી. ‘શ્રેયસ સાધક અધિકારી મંડળ’માં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી ‘સર્વધર્મસમભાવ’ની ભાવના વ્યાપક બનાવી.
1875 પછી સુધારા વિશેનો ભ્રમ ભાંગતાં આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. 1876માં મુંબઈ જઈ નાટકો લખવાનું કામ આરંભ્યું. 1882માં ‘કલમને ખોળે માથું’ પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરીનો કમને સ્વીકાર કર્યો. 26 ફેબ્રુઆરી, 1886ના રોજ આ મહાન વિભૂતિનો દેહવિલય થયો. મધ્યકાળની ધર્મપરાયણતામાંથી સાહિત્યને સંસારાભિમુખ કરવાનો તેમ જ સાહિત્યસમજ અને સાહિત્યવિષયમાં આમૂલ પરિવર્તન લાવવાના એમના પુરુષાર્થ થકી અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ થયો છે. વિવિધ પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો પ્રહરી’ ગણાયા છે.
‘યુગવિધાયક સર્જક’, ‘પ્રેમ-શૌર્યનો કવિ’, ‘સમયમૂર્તિ’, ‘અર્વાચીનોમાં આદ્ય’ (ક.મા. મુનશી દ્વારા), ‘નવયુગનો પ્રહરી’ (રા.વિ.પાઠક દ્વારા), ‘સુધારાનો સેનાની’, ‘ગુજરાતી ગદ્યના પિતા’, ‘નવયુગનો નાન્દી’ (ઉમાશંકર જોશી દ્વારા), ‘નિર્ભય પત્રકાર’ અને ‘પ્રાણવંતો પૂર્વજ’ (સુંદરમ્ દ્વારા) તેમજ ‘યુગંધર’, ‘યુગપ્રવર્તક’, ‘યુગદૃષ્ટા’, ‘અર્વાચીન સાહિત્યમન્વન્તરનો મનુ’, ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો અરુણ’ જેવા અનેક વિશેષણો પામેલો નર્મદ મુખ્યત્વે શેલી અને હેઝલિટના કાવ્યવિચારને ઝીલી, તેના અસર તળે બે સંપ્રત્યયો પ્રગટાવે છે : ‘જોસ્સો’ અને તર્કબુદ્ધિ.
કવિતા માત્ર બુદ્ધિચાતુર્યથી નથી રચાતી. કવિ સંવેદનશીલ હોવો જોઈએ. જગતના સંપર્કમાં આવતા ભાવાવેગ અનુભવતો હોવો જોઈએ. એ ભાવાવેગ કે જોસ્સો કવિતાનો પ્રાણ છે. આમ જોસ્સા વિણ કવિતા લખાય નહિ અને લખાય તે કવિતા નહીં. આ લાગણીને તર્ક (કલ્પનાવ્યાપાર) દ્વારા નવો રંગ આપવાનું કહે છે. - આવી કાવ્યવિભાવના બાંધી આપતા નર્મદની સઘળી કવિતાઓ ‘નર્મકવિતા’ પુસ્તક 1-2(1862, 63)માં અને પછી તમામ પદ્યરચનાઓ ‘નર્મકવિતા’(1864)માં સંગ્રહિત થઈ છે. ‘વનવર્ણન’, ‘પ્રવાસવર્ણન’, ‘ઋતુવર્ણન’, ‘બ્રહ્મગિરિ’, ‘હિંદુઓની પડતી’, ‘વીરસિંહ’, ‘જય જય ગરવી ગુજરાત’ અને ‘અવસાનસંદેશ’ નોંધનીય કાવ્યો છે. ‘વીરવૃત્ત’ નામક નવા છંદનો પ્રયોગ કરી રચેલ ‘વીરસિંહ’ અને ‘રુદનરસિક’ દ્વારા તેમણે મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કર્યો.
‘મંડળી મળવાથી થતા લાભ’ 1850થી ગદ્યનો પ્રારંભ. તેમના ગદ્યલખાણોમાં - 1850થી 1865 સુધીનાં લખાણોના સંચયો ‘નર્મગદ્ય’ (1865) અને ‘નર્મગદ્ય-2’ (1936) ઉપરાંત એમનાં નિબંધગ્રંથો ત્રણ ‘નર્મદગદ્ય’ સંપાદનોમાં સમાવિષ્ટ છે : આ સંપાદનોમાંનું એક, મહિપતરામ રૂપરામ નીલકંઠ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય અથવા કવિ નર્મદાશંકર લાલશંકરના ગદ્યાત્મક ગ્રંથોનો સંગ્રહ’ (1875), બીજું વિશ્વનાથ ભટ્ટ દ્વારા સંપાદિત ‘નર્મદનું મંદિર’ - ગદ્યવિભાગ (1937) અને ત્રીજું, ગંભીરસિંહ ગોહિલ દ્વારા સંપાદિત ‘નર્મદગદ્ય’ (1975) છે.
આ ઉપરાંત એમનાં પંદરેક ગદ્યલખાણોને સમાવતો ‘જૂનું નર્મદગદ્ય’- ભા.1, 2 (1865, 1874) સંચયગ્રંથ પણ નોંધપાત્ર છે. ઉપરાંત ગદ્યમાં ‘મારી હકીકત’(1866માં લખાયેલ પણ 1933માં પ્રકાશિત ગુજરાતી ભાષાની પ્રથમ આત્મકથા), ‘ઉત્તરનર્મદ ચરિત’ જેવી આત્મકથનાત્મક કૃતિઓ, ‘ધર્મવિચાર’ જેવું ચિંતનાત્મક ગદ્ય અને ‘ભિખારીદાસ-ગરીબાઈ’, ‘તુલસી વૈધવ્યચિત્ર’ (1859, સંવાદરૂપે), ‘રામજાનકી દર્શન’ (1876), ‘દ્રૌપદીદર્શન’ (1878), ‘બાળકૃષ્ણવિજય’ (1886), ‘કૃષ્ણકુમારી’, ‘કૃષ્ણલીલા’, ‘સીતાહરણ’- નાટકો-સંવાદોના ગ્રંથો વગેરે સમાવેશ પામે છે. ગુજરાતી ભાષામાં સાહિત્યવિવેચનનો આરંભ નર્મદે ‘કવિ અને કવિતા’(1858) નિબંધ લખ્યો ત્યારથી ગણી શકાય.
તેમણે નવીન કાવ્યરુચિ પર પ્રકાશ પાડતા ‘પિંગળપ્રવેશ’ (1857), ‘રસપ્રવેશ’ (1858), ‘અલંકારપ્રવેશ’ (1858), ‘નર્મવ્યાકરણ’ ભા.1, 2(1865), ‘વર્ણવિચાર’ (1865), ‘નાયિકાવિષયપ્રવેશ’ (1866) જેવા કાવ્યશાસ્ત્રીય સિદ્ધાંતલક્ષી નિબંધગ્રંથો આપ્યા. અન્ય કૃતિઓમાં-‘સૂરતની મુખ્તેસર હકીકત’ અને ‘મેવાડની હકીકત’, ‘ગુજરાત સર્વસંગ્રહ’ (1887) તથા ‘કાઠિયાવાડ સર્વસંગ્રહ’ (1887) આદિ ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી લખાયેલા ગ્રંથો, ‘કવિચરિત’ (મધ્યકાલીન કવિઓના ચરિત્રો), ‘મહિપતરામ રૂપરામ મહેતા’ (ચરિત્ર), ‘મહાપુરુષોનાં ચરિત્ર’ (1870, રેખાચિત્રો) જેવી ચરિત્રાત્મક કૃતિઓ તેમજ ‘રાજ્યરંગ’ નામે વ્યાપક રાજકીય ઇતિહાસ, ‘ઈલિયડનો સાર’ (1870), ‘મહાભારતનો સાર’ (1870), ‘રામાયણનો સાર’ (1870), ‘સાર શાકુંતલ’ (1881) - આદિ સાર, ‘ભગવદ્ગીતાનું ભાષાંતર’ (1882), ઉપરાંત ‘નર્મકથાકોશ’ અને ‘નર્મકોશ’ જેવું કોશ કાર્ય, ‘નાગર સ્ત્રીઓમાં ગવાતાં ગીતો’ (લોકગીત ક્ષેત્રનું સંપાદન), મનોહર સ્વામીકૃત ‘મનહર પદ’ (1860), ‘દયારામકૃત કાવ્યસંગ્રહ’ (1865), પ્રેમાનંદ કૃત ‘દશમસ્કંધ’ અને ‘નળાખ્યાન’ જેવી સંશોધન-સંપાદન કૃતિઓ સમાવિષ્ટ પામે છે.
નર્મદને કેન્દ્રમાં રાખી નવલરામે ‘કવિજીવન’, વિશ્વનાથ મ. ભટ્ટે ‘વીર નર્મદ’ અને ક. મા. મુનશીએ ‘અર્વાચીનોમાં આદ્ય’ જેવા ચરિત્ર તો દિનકર જોશી પાસેથી ‘એક ટુકડો આકાશનો’ નામે નવલકથા મળે છે. નર્મદની યાદમાં નર્મદ સાહિત્ય સભા, સુરત દ્વારા દર વર્ષે ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનારને નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવે છે.