
પુસ્તક વિશે માહિતી
- લેખક: બેહેરામજી મેરવાનજી મલબારી
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1889
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:46
- પ્રકાશક: ધ ફોર્ટ પ્રિન્ટિંગ પ્રેસ, મુંબઈ
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
બેહેરામજી મેરવાનજી મલબારી લેખક પરિચય
તેમનો જન્મ 18 મે, 1853ના રોજ વડોદરામાં પિતા ધનજીભાઈ મહેતા અને માતા ભીખીબાઈને ત્યાં થયો. પરંતુ પિતાના અવસાન બાદ પાંચ વર્ષની વયે મા ભીખીબાઈ સાથે મહેરવાનજી નાનાભાઈ મલબારીને ત્યાં આંગળિયાત તરીકે ગયા. બાળપણ સુરતમાં પસાર થયું. તેમણે અભ્યાસ અનુક્રમે દેશી પદ્ધતિએ ચાલતી નરભેરામ મહેતાની શાળામાં, પારસી પંચાયતની સ્કૂલમાં, સર જમશેદજી ઍંગ્લો વર્નાક્યુલર સ્કૂલમાં અને મિશન સ્કૂલમાં મેળવ્યો. 1871માં મૅટ્રિક થયા. શરૂમાં શિક્ષકનો વ્યવસાય અપનાવ્યો. પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરતાં 1875માં બીજા મિત્રોની સહાયથી ‘ઇન્ડિયન સ્પૅક્ટેટર’ નામનું અંગ્રેજી સાપ્તાહિક શરૂ કર્યું. ઉપરાંત 1878માં મિ. માર્ટિન વુડની મદદથી ‘ગુજરાત અને ગુજરાતી’ નામનું પત્ર, 1883માં દાદાભાઈ નવરોજીના આશ્રય હેઠળ ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ પત્ર, 1879થી મરણપર્યંત ‘ઇન્ડિયન સ્પૅક્ટેટર’ સામયિક પત્રના તંત્રી રહ્યા. 1890માં યુરોપના પ્રવાસે ગયા. 1901માં ‘ઈસ્ટ ઍન્ડ વેસ્ટ’ નામના માસિકની શરૂઆત કરી. 11 જુલાઈ 1912ના રોજ હૃદયરોગના હુમલાથી શિમલામાં અવસાન થયું.
દેશદાઝ, સંસારસુધારો, અને નીતિબોધને લક્ષ્ય કરતી રચનાઓના એમના છ કાવ્યસંગ્રહોમાં મધુર અને કરુણ ગરબીઓનો સંગ્રહ ‘નીતિવિનોદ’ (1875), મિત્ર ડૉ. જ્હૉન વિલ્સનના મૃત્યુ પરનું તેમ જ દલપતરામના ‘ફાર્બસવિરહ’ને અનુસરતું શોકકાવ્ય ‘વિલ્સનવિરહ’ (1878), ફારસી શૈલીનાં ગીતો અને કવિતાસંચય ‘સરોદ-ઈ-ઇત્તેફાક’ (1881), ‘અનુભવિકા’ (1894), ‘આદમી અને તેની દુનિયા’ (1898), અને ‘સાંસારિકા’ (1898) આદિ સમાવેશ પામે છે. ‘ઇતિહાસની આરસી’ જેવી ‘સાંસારિકા’માં સચવાયેલી પ્રચલિત રચના ભાષાની પ્રૌઢિ દર્શાવે છે. મુખ્યત્વે દલપતરામ અને નર્મદની શૈલીનું અનુસંધાન આ કવિની રચનાઓમાં હોવા છતાં પારસી બોલીને અતિક્રમી ગુજરાતી શુદ્ધ ભાષા લખવાનો અને ગુજરાતી પિંગળને અનુસરવાનો એમનો પુરુષાર્થ નોંધપાત્ર છે.
એમની અંગ્રેજીભાષી રચનાઓનો સંચય ‘ઇન્ડિયન ન્યૂઝ ઇન ઈગ્લિશ ગાર્બ’ (1876) નામે પ્રસિદ્ધ થયો છે. 1978માં કરેલા ગુજરાત–કાઠિયાવાડના પ્રવાસના પરિણામરૂપે મળતું ‘ગુજરાત ઍન્ડ ધ ગુજરાતીઝ’ તથા 1890ની યુરોપયાત્રાના પરિણામરૂપે મળતું ‘ઇન્ડિયન આઈ ઑન ઇંગ્લિશ લાઇફ’—બંને પુસ્તકો અંગ્રેજીમાં છે. આ ઉપરાંત, હિંદુ ધર્મની ફિલસૂફીને લગતાં મેક્સમૂલરના ‘હિબર્ટ લૅક્ચર્સ’નું મનચેરજી મોબેદજીના સહયોગમાં ગુજરાતી ભાષાંતર એમણે આપ્યું છે.
મલબારીના કાવ્યગ્રંથોમાંથી ખબરદારે ચૂંટી કાઢેલી કાવ્યરચનાઓનો સંચય ‘મલબારીનાં કાવ્યરત્નો’ (1917) નામે પ્રકાશિત થયેલો.