પુસ્તક વિશે માહિતી
- લેખક: દયારામ
- સંપાદક: નર્મદ
- આવૃત્તિ:03
- આવૃત્તિ વર્ષ:1943
- વિભાગ: કવિતા
- પૃષ્ઠ:673
- પ્રકાશક: "ગુજરાતી" પ્રિન્ટિંગ પ્રેસ મુંબઈ
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
દયારામ લેખક પરિચય
‘ગરબી કવિ’ દયારામ એ આપણો મધ્યકાલીન સાહિત્યનો અંતિમ, તેજસ્વી પ્રતિનિધિ સર્જક છે. વડોદરા નજીક નર્મદાકાંઠે આવેલા તીર્થધામ ચાણોદમાં 16 ઑગસ્ટ 1777ના રોજ સાઠોદરા નાગર બ્રાહ્મણ કુળમાં પ્રભુરામ પંડ્યા અને રાજકોર બાના ઘરે બીજા પુત્ર તરીકે દયારામનો જન્મ થયો હતો. માતા-પિતાનું નાનપણમાં મૃત્યુ થયા પછી 14-15 વર્ષની વયે જ દયારામ ભ્રમણ કરવા નીકળી પડ્યા હતા. 12 વર્ષ સુધી ભારતભ્રમણ કર્યું અને પછી પોતાની પ્રથમ મહત્ત્વની રચના ‘ગીતગોવિંદ’ આપી. પછી તો એક પછી એક અનેક રચના આવતી રહી. ગુજરાતીમાં ગરબી, ગરબા, ધોળ લખ્યાં, તો વ્રજ ભાષામાં દ્રુપદ અને પદ, ધમાર અને ખયાલ, ઠૂમરી અને કેરબાની રચના કરી. મરાઠીમાં લાવણી, પ્રબંધ, અને પદ રચ્યાં, ઉર્દૂમાં રેખતા, પીસ્તા, અને ગઝલ જેવી રચનાઓ પણ દયારામે કરી. મારવાડી અને સંસ્કૃતમાં પણ રચનાઓ કરી હતી. એમાં ગરબી સૌથી વધુ પ્રચલિત છે. આજીવન મીરાંની જેમ શ્રીકૃષ્ણને જ પોતાનો પ્રિયતમ માનીને દાસીભાવથી તેની ભક્તિ કરી હતી. શ્રીકૃષ્ણલીલાવિષયક અદ્ભુત વર્ણનોથી શોભતી ‘સારાવલિ’, ‘બાળલીલા’, ‘પત્રલીલા’, ‘કમળલીલા’, ‘રાસલીલા’, ‘રૂપલીલા’, ‘મુરલીલીલા’, અને ‘દાણચાતુરી’ જેવી કૃતિઓમાં દયારામ વિશેષ ખીલે છે. આ ગરબીઓનો મુખ્ય વિષય પણ રાધા અને ગોપીઓની ઉત્કટ શ્રીકૃષ્ણભક્તિ અને શ્રીકૃષ્ણની એમની સાથેની લીલા છે. દયારામની ઘણી ગરબીઓમાં ગોપી અને ઉદ્ધવ, ગોપી અને કૃષ્ણ, તથા ગોપી અને વાંસલડી વચ્ચેના સંવાદો પણ નાટ્યાત્મક શૈલીએ રજૂ થાય છે. દયારામે ગુજરાતી સાહિત્યમાં ‘રેખતા’ નામે નવું સાહિત્યસ્વરૂપ આપ્યું.
કવિની દીર્ઘ કૃતિઓમાં સૌથી વધુ નોંધપાત્ર છે પદ નામે ઓળખાવાયેલાં 109 કડવાંની ‘રસિકવલ્લભ’ કેવલાદ્વૈત સિદ્ધાંતનું ખંડન અને શુદ્ધાદ્વૈત સિદ્ધાન્તનું મંડન કરવાના ઉદ્દેશથી ગુરુશિષ્યસંવાદરૂપે રચાયેલી આ કૃતિમાં દયારામનો સાંપ્રદાયિક તત્ત્વવિચારનો અભ્યાસ અને એની સંપ્રદાયનિષ્ઠા સબળરૂપે વ્યક્ત થયાં છે. ‘પુષ્ટિપથ2હસ્ય’, ‘ભક્તિપોષણ’, ‘બ્રાહ્મણભક્તિવિવાદ', ‘દ્વિદલાત્મક સ્વરૂપનો ગરબો’ ‘શુદ્ધાદ્વૈતપ્રતિપાદન–માયામતખંડનનો ગરબો’ આદિ સાંપ્રદાયિક તત્ત્વવિચારની કૃતિ છે. ‘મન પ્રબોધનો કક્કો’, ‘પ્રેમપરીક્ષા’ નામક ગરબો આદિ કૃતિઓ, તો વળી, દયારામે 13 વર્ષની ઉંમરે રચેલી ઠરતી 66 કડીની ‘તત્ત્વપ્રબંધ’, ‘સદ્ગુરુ-સંતાખ્યાન’, ‘ભક્તિ દૃઢત્વ’, ‘ધર્મનીતિસાર’, ‘શુદ્ધાદ્વૈતસિદ્ધાંત / શુદ્ધાદ્વૈતદર્શન’, ‘સારનિરૂપણ’, ‘પ્રેમભક્તિ’, ‘સિદ્ધાન્તસાર’, ‘નિઃસાધનતા’, ‘સારશિક્ષા’, ‘સ્વલ્પાપારપ્રભાવ’, ‘રસિકભક્ત’, સમશ્લોકી ‘શ્રીમદ્ભગવદ્ગીતા–પ્રાકૃતભાષા-પદ્યબંધ’, ‘ગુરુશિષ્ય સંવાદ’ અને કેટલીક પ્રકીર્ણ કૃતિઓ – એમાં વ્યક્ત થતી વેદાંત–પુરાણાદિવિષયક વિદ્વત્તા, દયારામચરિત્રની બિનઆધારભૂત હકીકતો તેમ જ ધવલ ધન્યાસી રાગનો વિનિયોગ વગેરે જુદાં જુદાં કારણોથી દયારામની હોવાનું સંદિગ્ધ ગણવામાં આવ્યું છે.
દયારામ પાસેથી ઘણી બોધાત્મક કૃતિઓ પણ મળે છે. એમાં ‘પ્રબોધબાવની’, ‘ચિંતાચૂર્ણિકા’, ‘મનમતિ-સંવાદ’, ‘શ્રીકૃષ્ણનામ માહાત્મ્ય માધુરી’ તથા ‘શ્રીકૃષ્ણનામમાહાત્મ્ય-મંજરી’, ‘હરિદાસચંદ્રિકા / હરિભક્તિચંદ્રિકા’, ‘શિક્ષાભક્તિવિનવણી’, ‘વિનયબત્રીસી’, ‘ભક્તિવેલ’, ‘શ્રીકૃષ્ણસ્તવનમંજરી’, ‘કાળજ્ઞાનસારાંશ’, ‘શિક્ષાપરીક્ષાપ્રદીપ’, ‘વ્યવહાર ચાતુરીનો ગરબો’, ‘ભક્તિદૃઢાવનો ગ2બો’, ‘ચેતવણી’, ‘માધવરામ વ્યાસને પત્ર’ તથા અન્ય કેટલીક બોધાત્મક કૃતિઓ આ કવિની મળે છે. તો ‘પ્રાચીનકાવ્યમાળા : 13’માં મુદ્રિત ‘મૂર્ખલક્ષણાવલિ’ તથા ‘વ્રજમહિમાનો ગ2બો’ અભિવ્યક્તિની દૃષ્ટિએ દયારામના કર્તૃત્વ વિશે શંકા જગાડે એવી કૃતિ છે.
ભાલણે આખ્યાનને આકારિત કરવા કડવાની રચના કરી તો દયારામે કડવાના બદલે મીઠા શબ્દ પ્રયોજ્યો. દયારામે પૌરાણિક કે ભક્તચરિત્રવિષયક વૃત્તાંતોને વણી લેતી આખ્યાનાત્મક રચનાઓ આપી છે. ‘નાગ્નજિતીવિવાહ', ‘અજામિલાખ્યાન’, ‘સત્યભામાવિવાહ’, ‘વૃત્રાસુરનું આખ્યાન’, ‘રુક્મિણીવિવાહ/હ2ણ’, ‘રુક્મિણીસીમંત’, ‘મીરાં-ચરિત્ર’, અને ‘કુંવ2બાઈનું મામેરું’ પ્રાસાદિક અભિવ્યક્તિ ધરાવતી દયારામની આ આખ્યાનરચનાઓમાં સાંસ્કૃતિક અધ્યયનની કેટલીક સામગ્રી છે.
દયારામની કેટલીક વિશિષ્ટ કથાત્મક રચનાઓ પણ મળે છે : ‘શ્રીમદ્ભગવદ્ગીતામાહાત્મ્ય’, ‘દશમસ્કંધલીલાનુક્રમણિકા’, ‘શ્રીકૃષ્ણ ઉપવીત / જનોઈ’, ‘શ્રીકૃષ્ણપ્રાગટ્ય / જન્મખંડનો ગરબો’ લઘુકૃતિઓ દશમસ્કંધના કથાપ્રસંગોનો ક્રમશઃ ઉલ્લેખ કરે છે. ‘મોહિનીસ્વરૂપનો ગરબો’, ‘અદલબદલનો શૃંગા2નો ગરબો’, ‘માનલીલાનો ગરબો’, 26–26 કડીના 2 ‘બાળલીલાના ગરબા’, ‘રાસલીલાનો ગરબો’, તથા ‘રાસપંચાધ્યાયીનો ગરબો’ દશમસ્કંધ આધારિત અન્ય વૃત્તાન્તમય રચનાઓ છે.
પ્રસંગવર્ણનાત્મક અન્ય દીર્ઘકૃતિઓમાં ‘શ્રીકૃષ્ણસ્તવન માધુરી’ અને ‘હનુમાન ગરુડ-સંવાદ’ પણ વિશિષ્ટ પ્રકારની વૃત્તાન્તગર્ભિત રચના છે.
પદમાળારૂપે વિકાસ પામેલી કેટલીક કૃતિઓ પણ દયારામ પાસેથી મળે છે. એમાં ભાગવતદશમસ્કંધ-આધારિત ‘પ્રેમરસ-ગીતા’ વત્સલ, વિપ્રલંભ, અને કરુણના અસરકારક આલેખન તેમ જ તળપદી વાકભંગીઓ ને દૃષ્ટાંતોની મર્મવેધકતાથી સૌથી વધુ નોંધપાત્ર બનતી કૃતિ છે.
દયારામે ઘણાં મધ્યકાલીન પરંપરાગત કાવ્યરૂપો પ્રયોજ્યાં છે. 12 કડી ઉપરાંત શાર્દૂલવિક્રીડિત અને માલિનીવૃત્તના 1-1 શ્લોકમાં પ્રત્યેક ઋતુનો સંદર્ભ ચિત્રાત્મક રીતે વર્ણવતી ‘ષડ્ઋતુવર્ણન’ રાધાવિરહને નિરૂપતી વિશિષ્ટ રચના છે. મહિના, તિથિ, વાર વિષયક દયારામની કેટલીક રચનાઓમાં ‘રસિયાજીના મહિના’, ‘કૃષ્ણવિરહના / રાધિકાવિરહના દ્વાદશમાસ’, ‘તેરમાસ’, તથા ‘વહાલમજીના મહિના’. ‘પંદર તિથિનો ગરબો’ અને ‘સોળ તિથિઓ–હીરાવેધ’, ‘સાત વાર અને માનચરિત્રનો ગ2બો’, વગેરે મળે છે. ઉપરાંત, હિંદી રીતિધારાના લક્ષણગ્રંથોની પરંપરાની કૃતિ ‘અલૌકિકનાયકનાયિકાલક્ષણ ગ્રંથ’ મળે છે.
દયારામે જેમાં શ્રીજીનાં દર્શનના સ્વાપ્નિક અનુભવો વર્ણવ્યા હોય ને જાત સાથે ગોષ્ઠિ કરી હોય તેવી ‘સ્વાંતઃકરણ સમાધાન’ વગેરે કેટલીક ફુટકળ પદ્યરચનાઓ ને ‘નિકુંજનાયક શ્રીનાથજીને વિનવણી’, ‘મનપ્રબોધ’, ‘પ્રત્યક્ષાનુભવ’, વગેરે ગદ્યરચનાઓ મુદ્રિત મળે છે. દયારામની અન્ય ગદ્યરચનાઓમાં ‘પ્રશ્નોત્તરમાલિકા’, ‘પ્રશ્નોત્તરમાળા’, ‘હરિહરાદિસ્વરૂપ તારતમ્ય’, ‘શ્રીમદ્ભગવદ્ગીતા માહાત્મ્ય’, વ્રજભાષાની કૃતિ ‘સતસૈયા’ તથા ગુજરાતી-વ્રજ કૃતિ ‘ચાતુરચિત્તવિલાસ’ તેમ જ ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની ગદ્યટીકા મળે છે. ગદ્યમાં આ ઉપરાંત, દયારામ પાસેથી ‘વલ્લભનામ માહાત્મ્યનિરૂપણ’, ‘જ્ઞાનપ્રકરણ’, તથા સત્સંગ વિશેની નોંધો, કલેશકુઠારના 3 દુહા પરની નોંધ અને અન્ય પ્રકીર્ણ રચનાઓ મળે છે.
દયારામે વ્રજ–હિંદી ભાષામાં વિપુલ પ્રમાણમાં અને નોંધપાત્ર રચનાઓ કરી છે. એમાં ‘રસિકરંજન’, ‘સંપ્રદાયસાર’, ‘પુષ્ટિપથસારમણિદામ’, ‘સિદ્ધાંતસાર’ જેવી તત્ત્વવિચારાત્મક કૃતિઓ. ‘કલેશકુઠાર’, ‘કૌતુકરત્નાવલી’, વગેરે બોધાત્મક, તો ‘પુષ્ટિભક્તરૂપમાલિકા’ આદિ ઘણી નામમાળાઓ પણ એમણે રચેલી છે. ‘વિષ્ણુસ્વામીની પરચરી’, ‘અકલચરિત્રચંદ્રિકા’, અને ‘શ્રીમદ્ભાગવતાનુક્રમણિકા’ ચરિત્રવર્ણનાત્મક ને પ્રસંગવર્ણનાત્મક કૃતિઓ છે. તો શ્રીજી, ગુરુ આદિના માનસદર્શનના અનેક પ્રસંગોને વર્ણવતી ‘અનુભવમંજરી’, ‘પ્રમેયપચાવ’, ‘સ્વાંતઃકરણસમાધાન’, વગેરે કૃતિઓ આત્મકથાનાત્મક અને આત્મનિવેદનાત્મક છે. ‘વૃંદાવન વિલાસ’ જેવી વર્ણનાત્મક કૃતિઓ અને લાવણી, રેખતો આદિ અનેક પદ્યબંધોમાં ચાલતાં ઘણાં પદો પણ દયારામે રચ્યાં છે.
દયારામની બહુશ્રુતતાનો વિસ્મયકારક અનુભવ કરાવતી ભાષા અને પદ્ય 52નું પ્રભુત્વ દાખવતી ‘વસ્તુવૃંદદીપિકા’ અને ‘પિંગળસાર’ ઉપરાંત દયારામને નામે ‘વ્રજવિલાસામૃત’, ‘સપ્તભૂમિકા’, ‘રાગમાળા’, ‘તાલમાળા’, વગેરે કેટલીક કૃતિઓ નોંધાયેલી છે. દયારામે મરાઠીમાં ‘નરસિંહ મહેતાની હૂંડી’ અને સંસ્કૃતમાં સ્તોત્રાદિ પ્રકારની કૃતિઓ રચેલી મળે છે.
દયારામનો કવિપદયશ જેના 52 વિશેષે નિર્ભર છે એવું એમનું સર્જન તો છે લગભગ 600ની સંખ્યાએ પહોંચતી ગરબો–ગ2બી–ધોળ આદિ પ્રકારની લઘુ પદરચનાઓ. જેમાં આત્મ-અનાત્મનો વિવેકબોધ, આત્મનિરીક્ષણ, વિનમ્રતા, પશ્ચાત્તાપ, દાસ્ય, દીનતા આદિ ભાવોને આલેખતાં ભક્તિવૈરાગ્યનાં પદો છે અને એમાંથી ઉત્કૃષ્ટ પુષ્ટિજીવ તરીકેનું દયારામનું વ્યક્તિત્વ પમાય છે. ન્હાનાલાલે, દયારામને ‘બંસીબોલનો કવિ’, ‘પ્રાચીનતાનું મોતી’, અને ‘વૃંદાવનની ગોપી’ કહી બિરદાવ્યા છે. કનૈયાલાલ મુનશીના મતે, દયારામ એટલે, ‘નરસિંહથી પ્રારંભ થયેલી મધ્યકાલીન કવિતાનું પૂર્ણવિરામ’. દયારામે કૃષ્ણ અને ગોપાંગનાઓનાં પરસ્પરના અનુરાગ, કામણ, રિસામણાં-મનામણાંની ભાવાવસ્થાઓને આત્મનિવેદન, સંવાદ, કથન જેવી વિવિધ અભિવ્યક્તિ છટાઓમાં શબ્દસ્થ કરતાં ગુજરાતી ભાષાની ભાવક્ષમતાની જે ગુંજાયશો પ્રગટ કરી છે એ તેમનું અવિસ્મરણીય કવિકર્મ છે.