પુસ્તક વિશે માહિતી
- લેખક: નરસિંહરાવ દિવેટિયા
- આવૃત્તિ:001
- આવૃત્તિ વર્ષ:1930
- વિભાગ: ઇતિહાસ, વિવેચન/સંશોધન
- પૃષ્ઠ:331
- પ્રકાશક: ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અમદાવાદ
- સહયોગી: રાયચંદ દીપચંદ લાઇબ્રેરી, ભરૂચ
નરસિંહરાવ દિવેટિયા લેખક પરિચય
તેમનો જન્મ 3 સપ્ટેમ્બર, 1859ના રોજ અમદાવાદ શહેરમાં ગુજરાતી કવિ અને ધાર્મિક સુધારક ભોળાનાથ દિવેટિયાને ત્યાં થયો હતો. તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં જ પૂર્ણ થયું. 1880માં મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ત્યાર બાદ સ્ટેચ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેઓ 1884માં ખેડામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નિયુક્તિ પામ્યા હતા. થોડોક સમય ઍક્ટિંગ કલેક્ટર અને બાકીનો સમય આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નોકરી કરી. 1912માં નિવૃત્તિવય પહેલાં જ તેમણે નિવૃત્તિ સ્વીકારી લીધી હતી. 1915માં પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. 1924માં રૉયલ એશિયાટિક સોસાયટીની મુંબઈ શાખાના ફેલો ચૂંટાયા. 1921થી 1935 સુધી એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના પ્રાધ્યાપક પણ રહી ચૂક્યા હતા. દક્ષિણ ભારતનાં જુદાં જુદાં સ્થળોએ નોકરી નિમિત્તે ફરવાથી ત્યાંના સાગરકિનારાએ તથા પહાડી પ્રકૃતિની શોભાએ એમના સર્જકચિત્તને ખાસું એવું પ્રભાવિત કર્યું હતું. આવી જ રીતે હૈદરાબાદ (સિંધ)ના વસવાટને કારણે તેમને બોલીઓનો ખ્યાલ આવ્યો હતો. 14 જાન્યુઆરી 1937ના રોજ 78 વર્ષની જઈફ વયે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી.
તેમની પાસેથી અર્વાચીન કવિતા સાહિત્યના વિકાસમાં સીમાચિહ્નરૂપ લેખાતો, અંગ્રેજી ઊર્મિકવિતાની અસર નીચે ઘડાયેલી ગુજરાતી કવિતાનું પૂર્ણ અને નૂતન અર્વાચીન કળારૂપ દાખવતી, પ્રકૃતિ, પ્રણય, અને ચિંતનને વિષય બનાવતી ઊર્મિકવિતાનો સંગ્રહ ‘કુસુમમાળા’ (1887), ‘હૃદયવીણા’ (1893), ‘સર્જતરાયની સુષુપ્તિ’ (1912), મુખ્યત્વે કાન્તની પ્રેરણાથી લખાયેલાં ખંડકાવ્યોનો સંગ્રહ ‘નૂપુરઝંકાર’ (1914), જેમાંના ‘ચિત્રવિલોપન’ તથા ‘ઉત્તરા અને અભિમન્યુ’ જાણીતાં થયાં છે. અંગ્રેજ કવિ ટેનિસનના ‘ઇન મેમૉરિયમ’ને આધારે પુત્ર નલિનકાન્તના અકાળ અવસાનના આઘાત નિમિત્તે શોકથી જન્મેલી કરુણપ્રશસ્તિ ‘સ્મરણસંહિતા’ (1915), ગુજરાતી સ્મૃતિચિત્રોનું પહેલું પુસ્તક અને ગુજરાતી રેખાચિત્રો સ્વરૂપમાં ગુજરાતના 1850થી 1900 દરમિયાનની અડધી સદીનું સાંસ્કૃતિક આલેખન કરતું ‘સ્મરણમુકુર’ (1926) આદિ નોંધપાત્ર છે. એકંદરે શિષ્ટ સંસ્કારી ભાષાની ચારુતા અને પ્રૌઢિ તેમ જ વિવિધ ભાવસ્થિતિને કવિતામાં અપાયેલું અપૂર્વ મહત્ત્વ એમને અર્વાચીન ઊર્મિકાવ્યના પિતા ગણવા પ્રેરે છે.
વિવેચન ઉદ્યમમાં ‘મનોમુકુર’ (ચાર ભાગો—1924, 1936, 1937, 1938), નાટક તેમ જ રંગભૂમિના તત્ત્વ-તંત્ર વિશે પ્રથમ વાર વિગતે, ઝીણવટભર્યો અભ્યાસ પ્રસ્તુત કરતો મહત્ત્વપૂર્ણ ગ્રંથ ‘અભિનયકલા’ (1930), ‘કવિતાવિચાર’ (1969), ‘જયાજયન્ત’, ‘ગુજરાતનો નાથ’, ‘વસંતોત્સવ’ વિશેનાં કૃતિલક્ષી વિવેચનો કે પ્રેમાનંદનાં નાટકોના કર્તૃત્વ વિશેની તેમની બાહ્યાભ્યંતર તપાસ, અથવા ‘અસત્ય ભાવારોપણ’, ‘ન્હાનાલાલની ડોલનશૈલી’, વગેરે વિવેચનલેખો સાહિત્યતત્ત્વની તેમની ચર્ચા કેવી સર્વાંગીણ ને તલસ્પર્શી હોય છે, તેના સાક્ષીરૂપ છે. ‘જ્ઞાનબાલ’ના ઉપનામથી લખાયેલા તેમના ચર્ચાપત્રોએ પણ એક જમાનામાં અભ્યાસીઓનું સારું એવું ધ્યાન ખેંચેલું.
ગુજરાતી વિભક્તિપ્રત્યયોનાં મૂળ, કોમલ અને તીવ્ર અનુસ્વારોના ભેદ, વ્યુત્પત્તિચર્ચા, ગુજરાતી ભાષાના ઉદ્ભવ-વિકાસ, વગેરે ભાષાશાસ્ત્રવિષયક સંશોધનોમાં તેમની સંશોધક તરીકેની વૈજ્ઞાનિક દૃષ્ટિ અને ખંત ભારોભાર જણાઈ આવે એવાં ભાષાવિષયક અન્વેષણની શાસ્ત્રીય પદ્ધતિએ તુલનાત્મક અભ્યાસ અને પ્રમાણભૂત મનાય તેવાં મંતવ્યોનું આલેખન કરતો ‘જોડણી વિશે નિબંધ’ (1888), ‘જ્ઞાનબાલ’નું ઉપનામ રાખી ચિન્તનમનનના વિવર્ત તરંગોને નિબંધાકૃતિ આપવાનો પ્રયત્ન ‘વિવર્તલીલા’ (1933) – નિબંધ ઉપરાંત અંગ્રેજી કૃતિ ‘લાઇટ ઑવ એશિયા’નો અનુવાદ ‘બુદ્ધચરિત’ (1934), ‘રોજનીશી’ (સં. ધનસુખલાલ મહેતા, રામભાઈ બક્ષી, 1953)માં 1892થી 1935 સુધીની વિગતવાર ચોકસાઈપૂર્વકની નોંધ લખાયેલી છે. ‘રોજનીશી’માં એક કર્મઠ, શ્રદ્ધાળુ તેમ જ વિચારશીલ સર્જકનું જે વ્યક્તિત્વ છતું થાય છે તે વાચકના રસનું કારણ બની રહે છે. ‘ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’ ભા. 1 (1921), ભા. 2 (1932) એ તેમણે આ વિષયના ઉત્તમોત્તમ અર્કરૂપ, મુંબઈ યુનિવર્સિટીમાં ‘વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ’ નામે આપેલાં વ્યાખ્યાનોના બે ગ્રંથ છે, જેનું ગુજરાતી ભાષાંતર રામપ્રસાદ બક્ષીએ કરેલું છે.