 
                પુસ્તક વિશે માહિતી
- લેખક: બાપુસાહેબ ગાયકવાડ
- સંપાદક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1890
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા, મધ્યકાલીન સાહિત્ય
- પૃષ્ઠ:216
- પ્રકાશક: વીરક્ષેત્ર પ્રિન્ટિંગ પ્રેસ, વડોદરા
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
બાપુસાહેબ ગાયકવાડ લેખક પરિચય
તેમનો જન્મ વડોદરામાં મરાઠા રજપૂત યશવંતરાય ગાયકવાડની બે પત્ની પૈકીની રજપૂતાણી માતાની કુખે થયો. વડોદરા જિલ્લામાં આવેલા સાવલી નજીક આવેલ ગોઠડા ગામના જાગીરદાર તેમજ વડોદરા શહેરમાં મહમદવાડી વિસ્તારમાં મોટી વહોરવાડ ખાતે તેમનો નિવાસ, નાનપણથી ધર્મસંબંધી જ્ઞાનબુભુક્ષા હોઈ સાધુસંતોમાં ફરતા રહેતા, ધીરા ભગતના સંસર્ગમાં આવતાં ભજનકીર્તનની લગની લાગી. નિરાંત ભગતને જ્ઞાનનાં પદ ગાતા સાંભળતાં અને પોતાની ધર્મસંલગ્ન જિજ્ઞાસાવૃત્તિ સંતોષાતા તેમને ગુરુપદે સ્થાપ્યા. પોતાના ગુરુઓને ચીલે ચાલી બાપુસાહેબે પણ જ્ઞાનોપદેશ, બ્રાહ્મણશુદ્રભેદ, ધર્મવેશનાં અંગ, બ્રહ્મજ્ઞાનનાં પદ, જ્ઞાન ભક્તિ વગેરે વિષયો તેમજ બ્રહ્મજ્ઞાનના ષડ્ રિપુના રાજિયા, ગરબીઓ અને કાફીઓ જેવી રચનાઓ કરી. સં. 1899 આસો સુદ અગિયારસના દિવસે દેહત્યાગ કર્યો.
ગુરુને ચીલે ચાલીને સર્જેલી જ્ઞાનોપદેશની કાફીઓમાં સદ્ગુરુ, સત્સંગની આવશ્યકતા તથા બ્રહ્મજ્ઞાનનું માહાત્મ્ય દર્શાવતાં, કમઅક્કલ અને આડંબરી ગુરુઓને ઉઘાડા પાડી, કર્મકાંડનું મિથ્યાત્વ અને ધર્મપ્રપંચ પર સરળ છતાં કટાક્ષસભર ભાષામાં કોરડા વીંઝ્યા છે. આજે લગભગ નષ્ટપ્રાય થઈ ગયેલો પણ મધ્યકાળમાં અતિ પ્રચલિત રાજિયા કાવ્યપ્રકાર એના મૂળ રૂપમાં પણ આગવી છટાથી પ્રયોજી કામાદિ છ રિપુઓ પર પ્રહાર તેમજ જીવનની ક્ષણભંગુરતા તથા જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની આવશ્યકતાના ઉપદેશ આપ્યા છે. એમ તો ઉપદેશ હિન્દુ અને મુસલમાન બન્નેને માટે છે. હિન્દુ જીવનવ્યહારનું ઊંડું શાન એમણે દાખવ્યું છે; તેની સાથે ઇસ્લામનો પણ સારો એવો એમનો પરિચય પદોમાં પ્રકટ થાય છે. મન, સ્ત્રી, વિશ્વાસ, ધન, પુત્ર, ગુરુ, વૈરાગ્ય, દેહ, તૃષ્ણા, વચન જેવાં અંગો પાડી દરેક પર એમણે ચાર-ચાર ગરબીઓ લખી છે. જ્ઞાનીને, સાધુને, સાચા સંતને ઓળખવા માટે તેનાં લક્ષણ એમણે બતાવ્યાં છે.
અન્ય રચનાઓમાં ‘મહિના/જ્ઞાનના દ્વાદશ માસ’ તેમજ ‘જ્ઞાનીનાં લક્ષણ’ અને ‘સિદ્ધિખંડન’માં કાફીઓ, ‘ષડરિપુરાજિયા’ અને ‘રામરાજિયા’માં રાજિયા અને ‘પરજિયા’ વગેરે રૂપનાં ગુજરાતી તેમજ સાધુશાઈ હિંદીમાં રચાયેલાં ઘણાં પદોમાં તળપદી, રૂઢિપ્રયોગો ગૂંથતી અને બ્રહ્મજ્ઞાનવર્ણન ઉપરાંત બાહ્યાડંબરો પર પ્રહાર કરતી એમની સરળ, સચોટ અને વ્યંગસભર ભાષા અખાની યાદ અપાવે છે. તેમની રચના ‘રામરાજિયો’ આજે પણ મરણ પશ્ચાત ગવાય છે. તેમણે ‘બાપુકાવ્ય’ નામે ગ્રંથ પણ લખેલ છે.
 
        
 
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                         
                        