પુસ્તક વિશે માહિતી
- લેખક: દિવાળીબાઈ, રાધાબાઈ
- સંપાદક: નાથાશંકર પૂજાશંકર શાસ્ત્રી, હરગોવિંદદાસ દ્વારકાદાસ કાંટાવાળા
- આવૃત્તિ:001
- પ્રકાશન વર્ષ:1890
- ભાષા:ગુજરાતી
- વિભાગ: કવિતા, મધ્યકાલીન સાહિત્ય
- પૃષ્ઠ:231
- પ્રકાશક: વીરક્ષેત્ર પ્રિન્ટિંગ પ્રેસ, વડોદરા
- સહયોગી: અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય, નડિયાદ
દિવાળીબાઈ લેખક પરિચય
મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. તેમનો જન્મ ડભોઈના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ઈ. સ. ૧૭૯૧ (સંવત ૧૮૪૭)માં જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે દીવાળીબાઈના પિતા પોતાનું અને દીકરીનું ગુજરાન ન થતાં, એક વૃદ્ધ સાધુને પોતાની દીકરી સોંપી ક્યાંક તીર્થયાત્રા માટે જતા રહ્યાનું કહેવાય છે. વૃદ્ધ સાધુ રામભક્ત હતા. તેથી તેમણે દીવાળીબાઈને અક્ષરજ્ઞાન આપ્યું અને રામભક્તિ પર તેમને દૃઢ કર્યાં. દીવાળીબાઈ રામભક્તિમાં નિરંતર મગ્ન રહેતાં હતાં. તેમની ભક્તિની વાત લોકોમાં પ્રસરતાં ઘણાં લોકો તેમનાં દર્શન કરવા અને તેમના મુખે રામકથા સાંભળવા આવતા હતા. ગોલવા કે ગોરવા ગામના એક પાટીદાર સત્સંગી જેઠાભાઈએ દીવાળીબાઈને પોતાને ગામ તેડાવી એક ઘર તેમને આપ્યું હતું. ત્યાં તેમણે રામમંદિર બંધાવ્યું. તે મદિરની પ્રતિષ્ઠા વખતે તેમના પાલક પિતા અને ગુરુ ગુજરી ગયા. તે વેળાએ લોકોએ તેમણે ખૂબ મદદ કરી. તે પછી દીવાળીબાઈ મંદિરમાં રહી રામભક્તિ અને કીર્તન કરવા લાગ્યાં. બીજું મંદિર તેમણે વડોદરામાં બંધાવ્યું હતું. ગોરવા અને વડોદરા રહીને તેમણે રામાયણની ગરબીઓ લખી હતી. એક વાર એક યાત્રાસંઘ અયોધ્યા જતો હતો. તેની સાથે દીવાળીબાઈ પણ ગયાં. તે પછી તેઓ ત્યાંથી પાછાં ફર્યાં નહોતાં. તેમનું અવસાન ત્યાં જ થયાનું મનાય છે.
રાધાબાઈ લેખક પરિચય
મધ્યકાલીન ભક્ત-કવયિત્રી. ‘રાધે’ નામછાપવાળી કૃષ્ણભક્તિની ૩ ગરબીઓ ‘વસન્ત’ માાસિકમાં મુદ્રિત થઈ છે. એમના સંપાદકે કૃતિઓને વડોદરાના મરાઠી બ્રાહ્મણ કવયિત્રી રાધાબાઈની હોવાનું કહ્યું છે, પરંતુ આ ગરબીઓની ભાષાનું લાલિત્ય અને શુદ્ધ ગુજરાતી રૂપ ‘પ્રાચીન કાવ્યમાળા’માં રાધાબાઈને નામે મુદ્રિત કૃતિઓની ભાષાથી સાવ જુદું પડી જાય છે. એટલે આ ગરબીઓની રચયિતા રાધબાઈ કોઈ જુદી કવયિત્રી હોવાનું જણાય છે. રાધાબાઈને નામે ‘રાધાની અસવારી’ અને ‘ચાતુરી’ એ બે રચનાઓ મળે છે. તેમની રચયિતા આ રાધેબાઈ છે કે અન્ય કોઈ રાધાબાઈ તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
