Read Online Gujarati Prachin Kavyamala Granth 18 Premanandkrut Markandeypuran Bhag 3 eBooks | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રાચીન કાવ્યમાળા ગ્રંથ 18 પ્રેમાનંદકૃત માર્કંડેપુરાણ ભાગ 3

  • favroite
  • share

પ્રેમાનંદ લેખક પરિચય

મધ્યકાળના મોટા ભાગના ગુજરાતી કવિઓ વિશે, તેમના જીવન સંદર્ભે આધારભૂત માહિતી અલ્પપ્રમાણમાં જ મળી આવે છે. નરસિંહ મહેતાએ જે પ્રમાણે ‘હૂંડી’, ‘શ્રાદ્ધ’, ‘શામળશાનો વિવાહ’, અને ‘હારમાળા’ જેવી આત્મકથાનાત્મક કૃતિઓમાં પોતાના જીવનવિષયક માહિતીનો ઉલ્લેખ કરેલો મળી આવે છે, તે પ્રમાણે કવિ પ્રેમાનંદ પણ પોતાની ઘણીખરી આખ્યાનકૃતિઓમાં પોતાના જીવનનો અલ્પપ્રમાણમાં જ પરિચય કરાવે છે. આ કવિ પોતાના જીવન વિશે, પોતાની કાવ્યકૃતિઓમાં પરિચય આપતાં જણાવે છે કે,

“વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામજી, ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી.”

પ્રેમાનંદનો જન્મ આશરે ઈ.સ. 1650-51ના રોજ વડોદરામાં ચોવિસા મેવાડા બ્રાહ્મણ કૃષ્ણરામ ભટ્ટને ત્યાં થયો હતો. માતા-પિતાનું અલ્પવયે અવસાન થતાં તેમનો ઉછેર મોટા ભાગે મોસાળમાં થયો. વડોદરાના મહમદવાડીમાં ‘પ્રેમાનંદ કવિનાં ઘર તથા કૂવો’ છે. એ પોળનું નામકરણ ‘પ્રેમાનંદ કવિની પોળ’ એમ કરવામાં આવ્યું છે. પંદર વર્ષની વયે ગુરુ રામચરણના સંસર્ગમાં હિન્દી–સંસ્કૃત સાહિત્યનો અભ્યાસ કરી, જુદાં જુદાં સ્થળે પરિભ્રમણ કરતા રહી પ્રેમાનંદે પચીસ-સત્તાવીસ વર્ષની વયે કારકિર્દીનાં મંડાણ કરતાં ઉદર નિમિત્તે આખ્યાન લખી, કથાપ્રસંગોનું પઠન-ગાયન તેમ જ માણ ઉપર હાથથી તાલ આપીને સાભિનય રજૂઆત દ્વારા આખ્યાન લોકપ્રિય કર્યાં હતાં. નંદનબારમાંથી પણ તેમને રાજપ્રોત્સાહન સાંપડેલું. વ્યાપક પરિભ્રમણને કારણે, એમણે જાત જાતના અને ભાત ભાતના લોકોના પરિચયમાં આવવાનું થયું હોઈ સમય જતાં જીવનના અનુભવની જે વાસ્તવિક મૂડી તેમની પાસે હતી, તે સમય આવ્યે સર્જનશક્તિ સ્વરૂપે ઝડપથી ગજું કાઢવા લાગી. જીવનનિર્વાહ માટે એમણે ‘માણભટ્ટ’ ઉપનામ ધારણ કરી શિક્ષિત-અશિક્ષિત એમ વ્યાપક વર્ગનું મનોરંજન કર્યું. કથાકારના વ્યવસાયમાં રહી, મધ્યકાલના સમયમાં ધર્મક્ષેત્રે નવચેતન લાવી, હિન્દુ ધર્મને જીવંત કરવાના પ્રયાસો આ કવિમાં રહેલા છે. તેમના સમયના મુઘલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને ‘મહાકવિ પ્રેમાનંદ’ કહીને બોલાવતા. ઈ.સ. 1714 પછી તેમની કોઈ કૃતિ ન મળતી હોવાથી એ વર્ષને અંતિમ લેખતાં વિદ્વાનોએ પ્રેમાનંદનો જીવનકાળ સત્તરમા શતકથી માંડીને અઢારમા શતકના પૂર્વાર્ધ સુધીનો ગણાવ્યો છે.

એવી દંતકથા સુલભ છે કે, પ્રેમાનંદે ગુજરાતી ભાષાની અવગણના થતી જોઈ અન્ય ભાષાની સરખામણીમાં જ્યાં સુધી ગુજરાતી ભાષાનું વિશેષ મહત્ત્વ ન અંકાય ત્યાં સુધી માથે પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા લીધેલી. તો શામળ અને પ્રેમાનંદની કથાકાર બાબતે થયેલ ઝઘડાની દંતકથા પણ છે.

મધ્યકાળના મોટા ભાગના કવિઓએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્યની સાથે સાથે જીવનના ઉલ્લાસનું ગાન પણ કરેલું છે. આ સિવાય પણ જોવા જઈએ તો મધ્યકાળના પ્રમુખ સ્વરૂપ આખ્યાનનો જે પ્રારંભ થયેલો અને ક્રમશ: આખ્યાનલેખનનો વિકાસ થતો ગયો તેમાં ભાલણ, નાકર કે કવિ પ્રેમાનંદે આખ્યાનનું મૂળ વિષય-વસ્તુ મહાભારત, રામાયણ, ભગવદ્‌ગીતા, પુરાણ જેવા પૌરાણિક ધાર્મિક ગ્રંથોમાંથી જ લીધેલું છે. બ.ક. ઠાકોરના શબ્દોમાં કહીએ તો, “ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ એ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું”. સમગ્ર મધ્યકાલીન સાહિત્યમાં પ્રેમાનંદે પુરોગામી કવિઓની તુલનામાં અપવાદ બાદ કરતાં અનવદ્ય સર્વાંગસુંદર આખ્યાન આપ્યાં છે. જેમાં નિઃશંક તેમની કહી શકાય તેવી કૃતિમાં ‘ઓખાહરણ’ (ઈ.સ. 1666-69), ‘અભિમન્યુઆખ્યાન’ (ઈ.સ. 1671), ‘ચંદ્રાહાસાખ્યાન’ (ઈ.સ. 1671), ‘મદાલસાઆખ્યાન’ (ઈ.સ. 1672), ‘હૂંડી’ (ઈ.સ. 1677), ‘શ્રાદ્ધ’ (ઈ.સ. 1681), ‘સુદામાચરિત્ર’ (ઈ.સ. 1682), ‘મામેરું’ (ઈ.સ. 1683), ‘સુધન્વાઆખ્યાન’ (ઈ.સ. 1684), ‘રુક્મિણીહરણ’ (ઈ.સ. 1684), ‘નળાખ્યાન’ (ઈ.સ. 1686), ‘રણયજ્ઞ’ (ઈ.સ. 1690) આદિ. પ્રેમાનંદ કથનકળામાં પ્રવીણ હોવા સાથે વર્ણનો, પાત્રાલેખન, રસનિરૂપણ અને વાતાવરણચિત્રણમાં પણ કુશળ હતા. એમનાં આખ્યાનોને ઉત્તમ બનાવવામાં એમની ભાષાશક્તિ અને રસનિરૂપણશક્તિનો મહત્ત્વનો ફાળો હતો. તો સ્વહસ્તલિખિત કૃતિઓમાં ‘સ્વર્ગની નિસરણી’, ‘ફૂવડનો ફજેતો’, ‘વિવેક વણઝારો’, ‘વિષ્ણુસહસ્રનામ’, ‘નચિકેતાઆખ્યાન’, ‘વામનકથા’, ‘શામળશાનો મોટો વિવાહ’, ‘દેવીચરિત્ર’, ‘વ્રજવેલ’, ‘વલ્લભઝઘડો’, ‘બાળલીલા’, ‘દાણલીલા’, ભ્રમરગીતા (નાની અને મોટી), ‘દશમસ્કંધ’, ‘પાંડવોની ભાંજગડ’, ‘મોટો દશમસ્કંધ’, ‘ભ્રમર પચીસી’, અને ‘મહિના’, ‘રાધિકાના દ્વાદશ માસ’ વગેરે ગણાવાઈ છે.

કવિની જે શંકાસ્પદ કૃતિઓ મળી આવે છે તેમાં ‘અષ્ટાવક્રાખ્યાન’, ‘ઋષ્યશૃંગાખ્યન’, ‘તપત્યાખ્યાન’ (નાટક), ‘લક્ષ્મણાહરણ’, ‘ડાંગવાખ્યાન’, ‘દ્રૌપદીસ્વયંવર’, ‘દ્રૌપદીહરણ’, ‘નરસિંહના પુત્રનો વિવાહ’, ‘પાંડવાશ્વમેધ’, ‘પાંચાલી પ્રસન્યાખ્યાન’ (નાટક), ‘બભ્રુવાહન આખ્યાન', ‘ષષ્ટમસ્કંધ’, ‘ભાગવત સપ્તમસ્કંધ’, ‘અષ્ટમસ્કંધ’, ‘ભીષ્મપર્વ’, ‘રેવાખ્યાન’, ‘કૃષ્ણવિષ્ટિ’, ‘વટપતન’, ‘અભિમન્યુનો ચક્રાવો’, ‘લવકુશાખ્યાન’, ‘સુરેખાહરણ’, ‘જ્ઞાનગીતા’, ‘રઘુવંશ’, ‘કપિલગીતા’, ‘નાગદમન’, ‘માર્કણ્ડેયપુરાણ’, ‘માધવાખ્યાન’, ‘સત્યભામા રોષદર્શિતાખ્યાન’ (નાટક), ‘લક્ષ્મણાહરણ’, ‘વિરાટપર્વ’, ‘સભાપર્વ’, ‘સુભદ્રાહરણ’, અને ‘હારમાળા'.

આમ, નિસર્ગદત્ત પ્રતિભા, લોકજીવનનો બહોળો અનુભવ, માનવમનનાં ઊંડાણો તાગવાની શક્તિ, ગુજરાતી લોકભાષા પર આમૂલ પકડ, સ્થાનિક રંગો, સહજ છતાં પ્રબળ કથનકલા, તાદૃશ્ય વર્ણન, રસવ્યત્યય અને નિરૂપણપ્રભુત્વ આદિ કાવ્યગુણો એમને મહાકવિ ગણાવવા પ્રેરે છે.

1916માં વડોદરા ખાતે સ્થપાયેલ સાહિત્યસંસ્થા વડોદરા સાહિત્ય સભા, જેનું 1944થી પ્રેમાનંદની સ્મૃતિમાં ‘પ્રેમાનંદ સાહિત્ય સભા’ એવું નામકરણ થયું. આ સંસ્થા દ્વારા 1983-2015 લગી દર 2 વર્ષે શ્રેષ્ઠ સાહિત્યકારને ‘પ્રેમાનંદ સુવર્ણચંદ્રક’થી નવાજવામાં આવ્યા હતા.