સ્વભાવ
svabhav
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(દોહરા)
દુષ્ટ તજે નહિ દુષ્ટતા, કદી કરિયે સત્કાર;
નિત દુધ પાઓ નાગને, પણ કરડે કોવાર.
દુર્જનને ગુણ દીજીયે, કરે આપ અપકાર;
પ્રથમ હણે દેનારને, મર્કટ કર તરવાર.
મરતાં સુધી મટે નહીં, પડી ટેવ પ્રખ્યાત
ફાટે પણ ફીટે નહીં, પડી પટોળે ભાત.
બાથ ભરી ભેટ્યા થકી, કરિયે નહિ વિશ્વાસ
ફોફળને લૈ બાથમાં, સૂડી કરે વિનાશ.
વસુધા અને વિદ્યા વિષે વિવિધ રસોનો વાસ
આંબો ચૂસે મિષ્ટ રસ, લે આંબલી ખટાશ.
જન મન કોમળ કે કઠણ, દેખિ ન ધરિયે ખાર;
ગુલાબ કોમળ કોઠફળ, કઠણ કર્યું કર્તાર.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 193)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
