
જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય;
એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય.
અરે અબુધ ઓ આદમી! મનમાં શું મલકાય;
ઘાટ થશે તો ઘડી પછી, જે જાયું તે જાય.
ધ્રુજાવતા ધમ ધમ ધરા, પડતાં જેના પાય;
એના નર ઉપડી ગયા, જે જાયું તે જાય.
ફૂંકે પરવત ફાડતાં, કઠણ વજ્રસમ કાય;
ખાધા કાળે ખપરમાં, જે જાયું તે જાય.
રાવણ સરખા રગડમલ, બળીઆ બળી સમ રાય;
કાળે તેને કુટીઆ, જે જાયું તે જાય.
ભોજ સુવિક્રમ ભૂપતિ, ગ્રંથે ગુણ ગવાય;
કાયમ એ કથને રહ્યા, જે જાયું તે જાય.
પરપોટો જેમ પાણીનો, કાચકળશવત કાય;
વાર ન લાગે વણસતાં, જે જાયું તે જાય.
અરધી આવરદા ગઈ, હૈયે ન ધરી હાય;
પછી થકી પસ્તૈશ તું, જે જાયું તે જાય.
કોઈ તને કરનાર નથી, સર્વેશ્વર વિણ સ્હાય;
ખોળ તેહને ખાંત કરી, જે જાયું તે જાય.
તર્યું તેહ બૂડે ખચિત, ભર્યું તેહ ઠલવાય;
ક્યાં ભરૂંસો કાલનો, જે જાયું તે જાય.
મરણ ફરે છે મલપતું, પરઠે જ્યાં તું પાય;
કરે ન તોય વિચાર ક્યમ, જે જાયું તે જાય.
પ્રતિ દિવસ તું પેખી લે, વાયુ મૃત્યુનો વાય;
બુલાખી તુજ બળ કેટલું, જે જાયું તે જાય.



સ્રોત
- પુસ્તક : સાહિત્ય રત્ન (ભાગ પહેલો) (પૃષ્ઠ ક્રમાંક 53)
- સંપાદક : રમણલાલ નરહરિલાલ વકીલ
- પ્રકાશક : ઈશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, નરહરિલાલ ત્ર્યંબક્લાલ
- વર્ષ : 1933
- આવૃત્તિ : 2