ek rajput tekana madhyakalin kissana duha - Doha | RekhtaGujarati

એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા

ek rajput tekana madhyakalin kissana duha

રામનારાયણ પાઠક 'શેષ' રામનારાયણ પાઠક 'શેષ'
એક રાજપૂત ટેકના મધ્યકાલીન કિસ્સાના દુહા
રામનારાયણ પાઠક 'શેષ'

‘સાંભળો છો કે શાયબા, મારી કાયા કરમાણી,

એક માખીને કારણે, મારી ઊંઘું વીખાણી.

પોઢી હતી પલંગમાં વસમા દી વૈશાખ,

વાયો રહૈ ગ્યો વાલમા, મારે મોઢે બેઠી માખ!

ઉડાડું તો ઊંઘ ઊડે, ને ઓઢું તો અકળાઉં,

ધાડ પડે ધોળે દીએ, હું લાખેણી લૂંટાઉં.

રે‘વું તારા રાજમાં, મર કાળા કળેળે કાગ

નીંદરું ના'વે નેનમાં, મારે અંગે ઊઠે આગ.’

ડાબો મેલ્યો ડાયરો, ને જમણી જળની વાટ,

પરણી પિયર સંચરી, અરે દૈવે વાળ્યો દાટ!

હાલકફૂલક થૈ રહ્યું, જાણે ચૌટે પેઠો ચોર,

ગરજ્યો ગઢવી ઓટલે જ્યમ ગરકે ગીરમાં મોર.

‘કાળી ટીલી કનંકની, ખોટ ખતરિયાં વટ્ટ,

ધિંગાણાં ધોળે દીએ, તેને ઝીંકે નહિ ઝાપટ્ટ

ધિક હજો ધરણીપતિ, તું મૂછો શેની મરડ,

પરણી પોસાણી નહિ, તારો ઠાલો મેલ્યને ઠરડ.’

‘વે'લો આવે વીઠલા, મારે હાથ નથી હથિયાર,

મે'ણાથી મુકાવવા, તું ચઢજે મારી વા'ર.'

વેગે ધાયો વીઠલો, કરતો કપરી કૂચ,

મે'ણિયતે માથું ધર્યું, તેની મૂંડી નાખી મૂછ!

ધન રાણી ધન ચારણી, ધન રાજા ભરથાર!

ધન વાળંદા વીઠલા, મે'ણાં ફેડણહાર!

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012