duha – muktko - Doha | RekhtaGujarati

એકલ ખાવું, એકલ જોવું, એકલ રમવું ઈશ!

એકલ વાટે વિચરવું, કરમ ન કદી લખીશ.

એકલ દેતા દાન જે, એકલ ઝૂઝતા જંગ,

એકલ જગનિન્દા સહે, એ મરદોને રંગ!

એકલ ભલાં તપસ્વીઓ, રસિયાં ભલાં જ દોય,

બીજાં ત્રણ, ત્રણ કે અધિક, જો દિલ દંભ ન હોય.

સુંદર સુંદર સૌ કહે, સુંદર કહ્યે શું જાય ?

(ઈ) સાચા સુંદર કારણે, (જેનો) કળીકળી જીવ કપાય.

તન ખોટાં, હૈયાં ખૂટલ, ધરવ ન કશીયે વાત,

એ કળજુગની જાત, શાણા સમજે સાનમાં

મુખ સમ કો મંગલ નહિ, મૃત્યુ સમી નહિ હાણ,

જગ સમ કો જંગલ નહિ, સત્ય સમી નહિ વાણ.

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ રા. વિ. પાઠક (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012