રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસમુદ્રને
અમે ઊછળતાં મોજાંથી નહીં
પણ રેતીથી ઓળખતાં થઈ ગયાં છીએ.
કોયલના ટહુકાને જાણવા માટે
અમે લીમડાની કડવાશને યાદ રાખીએ છીએ.
જાણે કે મૈત્રીને ઓળખવાનો
એક જ રસ્તો છે–
–દુશ્મનાવટ!
દુશ્મન કોણ અને મિત્ર કોણ?
જ્યાં જુઓ ત્યાં વર્તુળ, ત્રિકોણ.
ટોળું એ વર્તુળ છે.
વર્તુળ સંકોચાય તો કેન્દ્ર થઈ જાય
પણ વર્તુળને એકમેકને છેદવામાં
એકમેકને ભેદવામાં રસ છે.
ટોળાનું કેન્દ્ર ટોળું પોતે જ છે.
કારણ ટોળું ટોળું છે.
ત્રિકોણના તો ત્રણ ખૂણા
ત્રણ છતાંયે સૂના સૂના.
દુશ્મન કોણ અને મિત્ર કોણ?
જ્યાં જુઓ ત્યાં વર્તુળ, ત્રિકોણ!
કોઈ કહેતું હતું :
મિત્ર એ નજીકનો દુશ્મન છે,
દુશ્મન કદાચ દૂરનો મિત્ર છે.
હું તને પ્રેમ કરું છું–
એમ કહેતાંની સાથે જ
પ્રેમ ખરી પડે છે–
ઝાડ પરના છેલ્લા પાંદડાની જેમ.
ખરી પડ્યા પછી પાંદડું
પાંદડું તો રહે જ છે–
–પણ એ સુકાઈ જાય છે.
ખરી પડેલાં પાંદડાં એ જ આપણો પ્રેમ.
પાંદડાં સુકાય છે ત્યારે જ ઘોંઘાટ કરે છે.
પ્રેમ એ તો રતૂમડી કૂંપળ.
એને રંગ હોય, ઝાંય હોય
એમાં અવાજ ક્યાંય ન હોય.
તો પછી
આ મૈત્રી, આ પ્રેમ, આ કરુણા,
–છે શું?
અર્જુન અને કૃષ્ણ
રોમિયો અને જુલિયેટ
ગાંધી અને બુધ્ધ
છે કે નથી?
મથીમથીને શું પામીશું અંતે?
છેવટે ગોડસેને વસવસો થયો હોવો જોઈએ :
ગાંધીને મારવામાં ત્રણ ગોળી નકામી બગાડી.
એક જ ગોળીએ ગાંધી ગયા હોત તો?
તો બાકીની બે ગોળી
બીજા માટે ખપમાં તો આવત!
નાહકની ચિંતા શા માટે કરી?
ગોડસે કે ગોળી
કોઈનેય અછત અહીં છે ખરી?
ગાંધી ન જન્મે
એની જ તકેદારી હવે અમે રાખીએ છીએ.
મૈત્રી, પ્રેમ અને કરુણાનું
તો abortion.
જેનાં મૂળિયાં ઊંડે હોય
એ મૈત્રી
તો લીલું વૃક્ષ છે
અને વૃક્ષ ફેલાય છે,–
–આકાશમાં.
વૃક્ષ ફૂલોથી વાતો કરે છે
ફૂલ એ જ વૃક્ષની ભાષા.
વૃક્ષ પંખીઓનું
પાંદડાની જેમ જ જતન કરે છે;
પણ માળો બાંધીને ઊડી જતા પંખીને
વૃક્ષ કદી રોકતું નથી.
પંખીના ટ્હૌકામાં
વૃક્ષનો લીલો રંગ હોય તે ન હોય–
–વૃક્ષને એની તમા નથી.
મોસમની સાથે એ પલટાતું રહે છે
પણ વૃક્ષને ગમા કે અણગમા નથી.
વૃક્ષ સનાતન અવસ્થા છે–
–પ્રેમની!
વૃક્ષ પર કુહાડી પડે
ત્યારે વૃક્ષની ચીસ સંભળાતી નથી;
પણ એટલે જ એમ માની લેવું કે
એ રુક્ષ છે?
વૃક્ષને માથે આકાશ છે
અને આસપાસ દીવાલ નથી.
વૃક્ષ ખબરઅંતર પૂછે છે,
–પણ યાંત્રિક રીતે નહીં.
વૃક્ષ રોજ ફોન નથી કરતું
એકમેક પર ચોકીપહેરો ભરી
જાસૂસી નથી કરતું.
વૃક્ષની નીચે ધરતી છે
અને આસપાસ દીવાલ નથી.
વૃક્ષ ઊભું રહે છે
પણ બસમાં બેસતું નથી.
વૃક્ષ રિસેપ્શનમાં જતું નથી
અને ફોટા પડાવતું નથી
લગ્નમાં આપણે વૃક્ષોને બત્તીઓ પહેરાવીએ છીએ
ત્યારે વૃક્ષ આપણું અંધારું ઓઢી લે છે.
વૃક્ષ ઘર માંડતું નથી
અને ઘર-ઘરની રમત રમતું નથી.
વૃક્ષ કૉન્વેન્ટમાં નથી જતું
વૃક્ષ યુનિફોર્મ નથી પહેરતું.
વૃક્ષને ‘અમર પ્રેમ’ જોવાનો
કે રાજેશ ખન્નાની વાતો કરવાનો ચસકો નથી.
કાળના વિશાળ ફલક પર જીવતા વૃક્ષને
ઇન્ટરવલમાં
કોન આઈસક્રીમ કે પૉપકૉર્ન ખાવાની આદત નથી.
વૃક્ષ બ્લડપ્રેશર નથી મપાવતું.
ચાંદનીના અમૃતને કંઠ લગી પીધા પછી પણ
વૃક્ષને ડાયાબિટિસ થયો જાણ્યો નથી.
વૃક્ષનું બેંકમાં ખાતું નથી
અને વૃક્ષને વીમો નથી.
વૃક્ષ ભણતું નથી
છતાં ઊગે છે અને વિકસે છે.
વૃક્ષને ક્લાર્ક કે ગ્લોરીફાઈડ ક્લાર્ક થવામાં રસ નથી
એટલે વૃક્ષ કૉલેજમાં ઍડમિશન નથી લેતું.
વૃક્ષની નીચે ધરતી છે
વૃક્ષને માથે આકાશ છે
અને આસપાસ દીવાલ નથી.
વૃક્ષને ખુરસી પર બેસવામાં રસ નથી.
પરિષદો અને જ્ઞાનસત્રોથી
વૃક્ષો અજાણ્યાં છે.
કવિસંમેલનની બહાર વૃક્ષ ઊભું હોય છે
કારણ કે વૃક્ષ પોતે જ કવિતા છે!
વૃક્ષ નાન્યતર નથી
–અન્યતર છે.
વૃક્ષમાંથી તમે ખુરસી બનાવો, ટેબલ બનાવો,
પુસ્તકો બનાવો, લેબલ બનાવો,
પણ વૃક્ષમાંથી વૃક્ષ બનાવવાનો
કીમિયો જે જાણે છે
એ પરમેશ્વર છે.
વૃક્ષ નાન્યતર નથી
અન્યતર નથી
પરમેશ્વર છે.
પણ વાવવામાં નહીં
વૃક્ષને ઉખેડવામાં અમને આનંદ આવે છે.
વૃક્ષ અમારું કહ્યું નહીં માને
તો અમે ગાંધીજી અને માર્ટિન લ્યૂથર કિંગ જેવી
એની દશા કરશું.
અમે કહીએ છીએ, કે–
વૃક્ષોએ હડતાળ પાડવી જોઈએ
વૃક્ષોએ સરઘસ કાઢવાં જોઈએ
વૃક્ષોએ વાળ વધારવા જોઈએ
વૃક્ષોએ ટાઈટ પૅન્ટ પહેરવાં જોઈએ
વૃક્ષોએ મીની સ્કર્ટ પહેરવાં જોઈએ
વૃક્ષોએ સન ગ્લાસિસ પહેરવાં જોઈએ
વૃક્ષોએ ‘દમ મારો દમ’નું કોરસ ગાવું જોઈએ
હૉટેલમાં જવું જોઈએ, જ્યૂક બૉક્સ વગાડવું જોઈએ
કૅબરે જોવો જોઈએ, કુસ્તી જોવી જોઈએ
વૃક્ષોએ ફ્લર્ટિંગ કરવું જોઈએ, ખાવું જોઈએ, પીવું જોઈએ
કૂતરાં પાળવાં જોઈએ, પાળેલાં કૂતરાનાં નામ રાખવાં જોઈએ
નૉનવેજ જોક મારવી જોઈએ વૃક્ષોએ.
વૃક્ષોએ છાપાં વાંચવાં જોઈએ
છાપાંમાં ફોટા છપાવવા જોઈએ
ચૂંટણીઓ લડવી જોઈએ
ઇન્જેક્શન લેવાં જોઈએ
કાર્ડીઓગ્રામ કઢાવવા જોઈએ
હવાફેર માટે હિલસ્ટેશન પર જવું જોઈએ વૃક્ષોએ.
વૃક્ષોએ લૉટરી લેવી જોઈએ
છાપાંમાં નંબર જોવા જોઈએ
કલબ સ્થાપવી જોઈએ, ભાષણો યોજવાં જોઈએ
ને કરવાં જોઈએ,
શિખામણો આપવી જોઈએ વૃક્ષોએ.
વૃક્ષોએ નફ્ફટ થવું જોઈએ, હલકટ થવું જોઈએ
ગાળો બોલવી જોઈએ ને એલ. એસ. ડી. લેવી જોઈએ
ક્રિકેટ જોવી જોઈએ અને કૉમેન્ટરી સાંભળવી જોઈએ વૃક્ષોએ.
વૃક્ષોના એક હાથમાં ગીતા
અને બીજા હાથમાં ફિલ્મફૅર હોવું જોઈએ
વૃક્ષોએ પિક્નિક યોજવી જોઈએ અને વલ્ડટુર કરવી જોઈએ
લિફ્ટનો અને ઍરકન્ડીશનરનો ઉપયોગ કરવો જોઈએ વૃક્ષોએ.
વૃક્ષોએ પગારવધારો માગવો જોઈએ
ને કુટુંબનિયોજન કરવું જોઈએ
વૃક્ષોએ વૃક્ષાત્વને ભૂંસી, યુનિયન સ્થાપી,
હડતાળ પાડવી જ જોઈએ વૃક્ષોએ.
વૃક્ષ જો અમારું કહ્યું નહીં માને
તો અમે...
...એની દશા કરીશું!
સ્રોત
- પુસ્તક : કાવ્યસૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 160)
- સર્જક : સુરેશ દલાલ
- પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
- વર્ષ : 1986