te jalaprdesh chhe - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તે જળપ્રદેશ છે

te jalaprdesh chhe

નીતા રામૈયા નીતા રામૈયા
તે જળપ્રદેશ છે
નીતા રામૈયા

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તે એવી સેજલ છે કે

જે જાણે છે કે

ઉદ્ગમસ્થાને પાછું ફરાતું નથી

તે એવી વર્ષા છે કે

જે વરસવાની વાત કરી શકે

તે એવી સુલોચના છે કે

જેની નજરે પડે છે

અન્ય સ્ત્રીની

કતરાયેલી હારેલી કંતાયેલી નજર

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તે તેરની થઈ

પોતાનું શરીર

મોગરાના ફૂલ જેવું

ગુલાબની ફૂલસોતી ડાળ જેવું

તેને જોવું એવું ગમતું એવું ગમતું કે

વારે વારે તે નજરચોરી કરતી

એવા વખતે ઘરનું કોઈ

નજરથી કાંટો ભોંકતું અને

તે નજર બચાવીને છુપાઈ જતી

સરખી બેસ

પગ ઢાંકી દે

આછાં કપડાં પહેરાય

વંડીએ ચડાય

લીમડાની ડાળીએથી કૂદકા મરાય

ઝંઝેડીને બોર ખેરવવાના

ઉપર ચડવાની જરૂર નહીં

તું છોકરી છે

તું છોકરી છે

તું છોકરી છે

સાંભળીને તે છોકરી થઈ જતી સાવ છોતરી

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તે સ્ત્રી એટલે પોચટ એટલે નરમ એટલે

બીકણ એટલે રડતલ એટલે તે સ્ત્રી એટલે એવું બધું

એવું લોકો માને ને એવું તે પોતે માને

દરિયે જવાય દરિયો તાણી જાય

એકલા જવાય બાવો ઉપાડી જાય

ડુંગર ચડાય પડી જવાય

તે ભલી ને તેનું ઘર ભલું

તે ‘બાઈનું ચિત્ત ચૂલા માંહ્ય’

તેને વ્હાલું તેનું ઘર ને વ્હાલાં ઠામવાસણ

વઘાર ચાળણી મસાલા ટાંકા-ટેભા

ગોદડી બાળોતિયાં મસોતાં

ખાળ સાફ કરવાનો કૂચડો

ગોયણું બત્તો ખીરું બાફલો

ભજિયું વડું ઢોકળું મૂઠિયું

ડિટર્જન્ટ પાઉડર ઉભરાયેલી ગટરનું ઢાંકણું

કિચન કિંગ મિક્સમાસ્ટર

ગૂંદો છૂંદો વડી પાપડ

વણવાનું શેકવાનું સાંતળવાનું સસડાવવાનું

તળવાનું બાફવાનું ઝાટકવાનું કૂટવાનું પીટવાનું

તે વટાતી ચટણી ખમણાતી દૂધી

વણાતી રોટલી ફોલાતી શિંગ

તે પૂરતી ગઈ પોતાના જાતને

કોઠીમાં બરણીમાં ડબ્બામાં

બધાં પૂરતાં ગયાં તેની જાતને

દુનિયા આખી ફેરવતી ગઈ

ઢાંકણાનો પેચ

રોજ રોજ સાફ કર્યા વિનાની તપેલીમાં

ઉકાળેલી હોય તેવી ચા જેવા

સ્વાદનું જીવન

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તે પરણી

‘ઢોલ વાગ્યા પડઘમ વાગ્યાં

શરણાઈ વાગી સૈં’

ગાવલડીને કહી દેજો કે ભાંભરે ગાંગરે નહીં

કન્યાદાનનું ગૌરવ થયું

‘ઇડરિયો ગઢ’ જીત્યાનાં નગારાં વાગ્યાં

તે બેજીવસોતી થઈ

ખોળો ભર્યો

સૌએ ગાયું હોંશે

‘ખોળાનો ખુંદનારી દ્યોને રન્નાદે’

ખોળાની ખુંદનારી બાળકીનું પછી જોયું જશે

વારસાના જન્મ્યા પહેલાંના જતન થયાં

તે પ્રસૂતા બની

સૌએ મીઠાઈ ખાધી

સંતાન જન્મ્યાનું ગૌરવ થયું

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તે સ્ત્રી

‘વારે વારે વાતે વાતે

કુચ્ચર કુચ્ચર કૂચો’ થઈ જતી

ભણતર-બણતર માર્યા ફરે

તે સ્ત્રી એટલે સ્ત્રી એટલે સ્ત્રી

વરસને વચલે દિવસે

ભાખરી બળી જાય

શાક દાઝી જાય

ખીચડી કાચી રહે

ઘઉંમાં ધનેડાં પડે

રાંધતાં આવડતું હોય તો

શું છે તે માએ પરણાવી

પૈસા કમાતાં નાકે દમ આવે છે

ખબર છે

સ્ત્રી થકી શાક દાઝ્યાનું કેટલું પુરુષને દુઃખ

તેના બદલામાં

પુરુષ થકી સ્ત્રીનું કેટલું અપમાન

બધું કરતાં કરતાં

તેનું શરીર સાવ નખાઈ જાય

તેનું કોઈને કંઈ થાય

તે વરથી ડરે વરની માથી ડરે વરના બાપથી ડરે

વરના બાઈથી ડરે વરની બહેનથી ડરે વરના દીકરાથી ડરે

વરની નજર માત્રથી ડરે

વરની વટકેલી જીભથી ડરે

તેનું કાંડું આમળતાં વરના ઝટકાથી ડરે

ભાણું રાંધનારી

ખમીખમીને ટીપણીના ટોચકે ટિપાઈ ટિપાઈને

ધોબાળા થયેલા દિલે

કંઈક બોલવા જાય તોયે

કેવું બોલે શું બોલે

તે બોલવાનું કરે તો કઈ ભાષામાં કરે

તે બોલે છે તે ભાષા

નથી તેની નથી તેની માની

માતૃભાષા એટલે ધાવણી બોલી

તે ધાવણ છોડતાંની સાથે છૂટી ગઈ

ત્યાર પછીથી

તે પિતૃભાષાના મુલકમાં

‘બોલીએ જો કંઈ આપણું હૃદય ખોલીએ તો કંઈ’

આટલું વિચારીને તે થંભી જાય છે

‘બોલીએ ક્યાં જઈ આપણું હૃદય ખોલીએ ક્યાં જઈ’

જરા થંભીને તે ઉમેરે છે

‘બોલીએ તો પણ આપણું હૃદય ખોલીએ તો પણ’

શું ફેર પડવાનો છે

એવા સાહસના બદલામાં

તેણે ખમી લેવા પડશે

ડહક ડહક ડૂસકાં

જ્યાંથી આવ્યાં ત્યાં પાછાં ફરતાં

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પર ને ભીતર તરબતર

તેને હતું

તે પોતાની મા જેવી થશે

એમ થયું એમ પણ થયું

સૌએ ધાર્યું’તું

તે ડાહીડમરી ને કહ્યાગરી હોય

નીવડી ડાહી પણ ડમરી તો નહીં

સાથે નીવડી ચકોર ને સાવધ

તે કામઢી નીવડી ખરી

એમ તો કહ્યાગરી પણ

કહ્યા પ્રમાણે કામ કરતી રહે

હમણાં હમણાં

તે પોતાની જાતને

ઝીણા ઝીણા પ્રશ્નો પૂછે છે

નવતર કેડી ચીંધતા ભણતરને પ્રતાપે

ક્યારેક સામી વ્યક્તિને એકાદ પ્રશ્ન પૂછી નાખે

સૌએ ધાર્યું’તું

તે સ્વભાવે મીઠી ને નમ્ર હોય

મીઠાં સાથે મીઠી નમ્ર સાથે નમ્ર રહે

પણ અ-કૂણાં કે અ-નમ્ર સાથે

ક્યારેક લોચો વાળી દે છે

હમણાં હમણાં

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

હમણાં હમણાં

તે પૂછવા લાગી છે

શું બદલાય છે કોણ બદલાય છે

જે સ્ત્રી બદલાય છે તેનું શું થાય છે

જોતાં નથી તમારી સગી આંખે

તગડી મૂકો ઘરની બહાર

મોકલી આપો બાપના ઘરે

માના ઘર જેવું કંઈ હોતું નથી

સ્વતંત્ર ભારતની બેવડમાં લપાઈને

તે પોતાનો અવાજ છતો કરે છે

સત્ય કોઈને આવડે ફાવે એવી વાત છે

સત્ય વિભાવના લેખે સારું છે

શાસ્ત્રીય બાબત લેખે

સૌંદર્યને પારખવું સહેલું છે

શિવ-કારી દુનિયા

પાર્વતીને તપ કરાવ્યા કરે છે

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તેની બહેન-પણી

કશુંક પોતાની જાતને કહેતી રહી

કશુંક ક્યારેક બોલતી રહી

એમાં તો કેવા હાલ થયા તેના

તે બહેનપણી કહેતી

ક્યારેક મજાકમાં તો ગમગીની સાથે ક્યારેક

‘ઊંચાં અરમાનોની કોર વારી ગ્યાં’તા

વાણી ખૂલતાં રે ખોયો સાહ્યબો’

તે બહેનપણી કલાવતી-લીલાવતીના કુળની નહોતી

તે તો ‘વીજને ઝબકારે મોતી’

પરોવતી પાનબાઈને ઓળખે

ડગલું ભર્યા પછી

પાછાં ડગલાં નહીં માંડતી

ગંગાસતીને ખોળે બેઠેલી

પઈ પઈ સંઘરી ગાંઠે બાંધી

નફકરા ઘણીની પડખે ઊભી રહેનારી

રતનબાઈની નાતની હતી

રસ્તામાં દયારામ એને ભટકાઈ પડે તો

ખરાખરીનો ખેલ જામે

‘કેડે કાંટો’ લાગ્યાની વાત કરીને

વડોદરાથી વૈદડાંને બોલાવવા માગતી

બેવકૂફ સ્ત્રી એણે સોઈ-ઝાટકીને સાફ કરેલી

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

ઘણું વીત્યું ઘણું વીતશે

તે જાણે છે

તે કંઈ દેવી નથી કે દુનિયા તરફ

એકસરખી મીઠી નજર ઠેરવીને બેસી રહે

તેના મોઢે કોન્ટ્રાસેપ્ટીવ્ઝ વાપર્યાના સોજા

ઢસરડો કર્યાનો થાક

ગમતાં કામ પરાણે કર્યાં પછીનું વીલું મોઢું

રેફ્રિઝરેટર અને ગૅસ-સ્ટવ વચ્ચેની

જીવતી જાગતી

મીંડામાં ફેરવાતી જતી તેની હયાતી

તે સ્ત્રી કંટાળે રડે ઠેબાં ખાય

આમાં તે

ક્યારે નાચે ક્યારે ગાય

ક્યારે કંઈક નક્કર કર્યાની વાતે ઊછળી પડે

બેસુમાર આનંદથી

તેને થાય છે

એક વાર નિરાંતવું ન્હાઉં

એક દિવસ તો નિરાંતવું બેસીને વાળ ઓળું

એકલી નદીકિનારે ચાલી જઉં

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળ પટ ને ભીતર તરબતર

તેને ક્યારેક સમજ પડતી હોય એવું લાગે છે

છતાંયે કેટલુંય સમજાતું નથી તેને

તેનામાં કશુંક ઊગુંઊગું થઈ રહ્યું છે

કશુંક ફૂટી નીકળવાની તૈયારીમાં છે

તે ઘડીકમાં બારણાની ઘંટડી બની જાય છે

ને ઘડીકમાં આંગણે રંગોળી

વરસાદ પછી ફૂટી નીકળતા ઘાસ ઉપર

પગ માંડવાના તેને મનોરથ થયા છે

તેને થાય છે

તે અવતરી રહી છે નવેસરથી

તેને થાય છે

તેને પોતાનું અસ્તિત્વ જડી ગયું છે

હમણાં હમણાં

તે ગાઈ-વાઈને કહેવા લાગી છે

અમારાં ગીત

સાચાં હોં

ઊભરાતા શબ્દો લઈને આવે

ઊભરતી આશામાં રાચે

અમારાં ગીત

અમારામાંથી અમને શોધી આપે

તે આતુર છે

જગતને કાંખે તેડીને

તેણે કેળવેલી દૃષ્ટિથી દેખાડવા

દેખાડવા કે જુઓ કેવી

‘સાગરે દીસતી ભવ્ય ભરતી’

જગતજનની

‘સૃષ્ટિ સારી’

‘ક્વચિતમ્

‘સમુલ્લાસ ધરતી’

‘ક્વચિતમ્ ક્વચિતમ્’

તે જળપ્રદેશ છે

કચ્છના નારાયણ સરોવર જેવો

ઉપર રેતાળપટ ને ભીતર તરબતર

સ્રોત

  • પુસ્તક : શૂન્યતામાં પૂરેલા દરિયાનો તરખાટ... (પૃષ્ઠ ક્રમાંક 154)
  • સંપાદક : ઉષા ઉપાધ્યાય
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2007