nawaparinit pelan - Dirgh Kavya | RekhtaGujarati

નવપરિણીત પેલાં

nawaparinit pelan

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
નવપરિણીત પેલાં
ઉમાશંકર જોશી

નવપરિણીત પેલાં

બે ચાલ્યાં જતાં જોડાજોડ,

ક્યારેક વળી આગળ પાછળ ચાલે,

ભીતર એવાં એકમેક મહીં લીન, જાણે

ચાલ્યું જતું એક.

એમની દૃષ્ટિ પડ્યેથી તડકો ચમકી ઊઠ્યો,

આકાશ હાસભર્યું ઊંડો ઊંડો ઉઘાડ કાઢી રહ્યું.

ધરા દીસે તૃણેતૃણે પુલકિત,

વૃક્ષોય તે જાણે હમણાં ડોલી ઊઠયાં.

આંખો એકમેકની આંજ્યે જતાં આંખોથી

વચ્ચે વચ્ચે ઊંડો- આકાશઊંડો પ્રશ્ન ક્યારેક ટીકી રહેઃ

‘તું તારું કોઈ સત્ય શોધે છે મારામાં?’

‘તું મારું સત્ય...’ નમી, નીચેથી પુષ્પ ચૂંટી બોલી, ‘આ પુષ્પને પૂછ

‘શોધ સત્ય...’

વહેળો ઓળંગતી કેડી એને દૂર કશે તેડી ગઈ.

પડખેથી પતંગિયું ઉતાવળું એક ઊડી ગયું,

ચિઠ્ઠી જાણે વસંતની ફરકી ગઈ

રીતે ચાલ્યા જવાય ગુમસૂમ, જરી આમતેમ

દૃષ્ટિ તો કરી જો. શોધે છે તું...? શું...?

જોને તે જરીકમાં વિશ્વ બધું ગૂંગળાવ્યું.

શું કરીશ? મૌનના ડૂમો... ભલે છૂટે

કાન પર રૂમઝૂમવા દેને જરી એને.

આંખોની પાંપણોને સ્પર્શી છો જતી ધસી સર્વ આકૃતિઓ.

ફોરમોની વીણા બજી રહી છે લોહીવહેણમાં ભળવાને.

કિરણોના સ્વાદ રોમરોમ ભલે લઈ લે જરી,

લહરીની લટને પંપાળી લે.

ઇન્દ્રિયોથી પી લે વિશ્વ.

ભરી લે ભીતર તારી વિશ્વ બધુ.

દ્રુતગતિ પાછો ફરી ખોબોએક ફૂલ ધરી, બોલ્યો:

‘ક્યાં શોધું? તું જ...?’

નીચે વહેળાના બહોળા ધરામાં

ભેખડની છાયામાં તરતા સરતા સહેલતા હંસયુગલને

શુંય સૂઝ્યું, ખીણને ચમકાવી દેતા ફફડાટથી ઊઁચે ઊડ્યું,

ફેલાતી-વીંઝાતી સફેદ પાંખોથી અવકાશ ભરાઈ ઊઠયો,

તડકાની વેલ પર ઊઘડતા ધવલ ધવલ ફૂલના ગુચ્છ.

એક શુભ્ર પ્રતીતિથી પ્રણયીઓનાં નૈત્ર વિશ્વસ્ત

વિસ્ફારિત. જાણે સ્વયં સર્વત્ર વ્યાપી રહ્યાં. વચ્ચે ત્યાં

મૂંગામૂંગા પ્રશ્ન ફોર્યા કરે: ‘આ સૌ અનેક

તે તું એક?' ‘શું આપણે એક તે આ…?’

વિશ્રાન્તિની ક્ષણે ક્યારેક જાણે થતું

અંદરથી કોઈક કમાડ ઠોક્યાં.

બહાર જાણે હોય સર્વસ્વ.

આંખો હવે જોયાં કરે આમતેમ ઊલટથી

સર્જનના પ્રથમ પરોઢ જેવી પ્રભુની ઠરી.

કાન હવે એકધ્યાન સુણી રહે

મૌનનો ગંભીર શ્વાસોચ્છવાસ.

હાથ સ્પર્શે બારણાને, ખુરશીને, છોડને, હવાને

જાણે કોઈ માનવીને માર્દવથી, આર્જવથી.

વિશ્વ આખું રસી દીધું; એકરસ લોહી સાથે

મજ્જા સાથે કરી દીધું.

દ્વૈત ક્ષણાંશ તો શમી જતુ :

પંચમહાભૂત પંચમહાભૂતને મળે,

પ્રાણો પ્રાણોમાં ઢોળાય,

મન મનમાં સમરસ છલકાય,

પરસ્પરાનુભવ નિજાનુભવ,

આનંદ-પ્રતિબિંબતો આનંદ.

અરેરે! તોયે બટકણું છટકણું અદ્વૈત એ.

બાથમાં તોય અલગ, સાથમાં તોય દૂર, ક્યારેકક્યારેક...!

બેનાં બે. બેનાં ત્રણ ચાર...ચારનાં બાર...પણ બેનાં બે!

શરીરનો તાગ લીધાં કર્યો છે માનવીએ યુગોમન્વન્તરોથી.

હાથતાળી દઈને શરીર સરકી જાય. શરીરનું કૌતુક ભલે

માનવીને પશુથી તિર્યગ્યોનિથી ઊણો ઉતરતો દાખવે;

જનનમાં કલમો કરી મહામાનવ નિપાજાવવા

મથે ભલે ભાવિ સાથે સુપેરે એકસૂત્ર થવા;

પ્રણયની દીક્ષા સ્તો માનવીની જીવનની દીક્ષા, માનવ્યની દીક્ષા.

નહીં તો દુનિયાની અર્ધી વસ્તી પ્રત્યે હોત એની કૂણી દષ્ટિ?

ભૂતથી છૂટી, કોડભરી જહેમત ઉઠાવત ભાવિના સર્જનની?

ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જણાં. એક ધરતી ને બીજાં આભ...

નવપરિણીત પેલાં

બે જે ચાલ્યાં જતાં પણે

ભીતર એવાં એકમેક મહીં લીન

જાણે ચાલ્યું જતું એક.

ધરતીમાં ભલાં રે સરજ્યાં બે જણાં...

આકાશ અને પૃથ્વીના આદિયુગલનાં વારસોએ શું

તર્જનીએ તર્જની ગૂંથી

(જે કોઈ વાર પરસ્પર બતાવાઈ પણ હશેસ્તો!)

એકમેકશું આનંદ-ઘૂમરીઓ લઈ—

બંનેએ અસીમ કાળમાં હમેશ માટે ફંગોળાઈ જવાનું?

કદાચને સમાન્તર...! મળવાનું, હા, અંતે મળવાનું અનંતમાં.

બેનાં બે!...એકત્વ બંનેનું પૂર્ણ અન્ય એકમાં!

પ્રત્યેક પૂરેપૂરું એક બને,

તો પૂરું જામે બંનેનું એકત્વ.

પ્રત્યેક જણ સાત ડગ પોતાની સાથેય તે

નહીં ચાલે ક્યારેક ને ક્યારેક?—

આત્મા તો રાધિકા...

સાત ડગ પ્રભુની સાથેય તે

પ્રત્યેક નહિ ચાલે શું કયારેક ને કયારેક

નવપરિણીત પેલાં

બે જે ચાલ્યાં જતાં પણે...?

સ્રોત

  • પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1989