'naachiket sutra'mathi ansh - Dirgh Kavya | RekhtaGujarati

‘નાચિકેત સૂત્ર’માંથી અંશ

'naachiket sutra'mathi ansh

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
‘નાચિકેત સૂત્ર’માંથી અંશ
હરીશ મીનાશ્રુ

જે

બાળે છે, ઝાળે છે

ગાળે ઓગાળે પીગાળે છે

જે

ખળખળ ઉકાળે છે

પળમાં પ્રજાળે છે

જે

લગની ને લાહ્ય

સ્ટૉકમાર્કેટની માંહ્ય

લગાડે છે હાય

જે

તાવે છે,

તપસીને તપાવે છે,

સતિયાને સતાવે છે

ઊભરાઈને અળાઈમાં,

તળે છે તળાઈમાં સુખિયાંને

ઉતારે છે કીડીને માથે કટક,

તેતરને માથે તવાઈ

ગરમ મસાલો મુર્ગમુસલ્લમ ભરી

સળિયે પરોવીને ખચ્ચાક

શેકે છે કળાયલ ટર્કીને બાર-બે-ક્યુમાં

જે

વરસાવે છે ઓલા

ભડભડ પાડે છે ફરફોલા

પૃથ્વીના વાંસે પોલા

જે

તડતડ તડતડાવે છે તારકોને,

ખદખદાવે છે ખગોળને ભડકાવે છે ભૂગોળને

ફૂંકી મારે છે નામ નગર ને નકશા

ફેંકે છે પેટ્રોલના કાલિયદ્રહમાં તણખાનાં કંદુક

ને બંદૂકનાં બચ્ચાં

ઉછેરે છે

પેન્ટાગનના પોલ્ટ્રીફાર્મમાં

જે

છોડે છે મિઝાઇલ્સ મનોમય કોષમાં,

પ્રકટાવે છે સ્ફુલ્લિંગને

ઇચ્છાની આતશબાજી કરી

પલકમાં હોલવાઈ જાય છે ભપ્ ભપ્

સંસારને બળતો મેલીને

રાજા ભરથરીના સફરજનમાં

જે

અકળાવે છે બાવન મધ્ય બફારામાં,

રેબઝેબ રેલાવે છે,

ફેલાવે છે રસમાં ને ફોસ્ફરસમાં

કરે છે સતત લોહીનું પાણી,

પાણીની વરાળ,

વરાળની વાણી

ચેતાવે છે હૈયાસગડીમાં ભાષા,

પ્રકટાવે છે જ્યોતિર્મય જિજ્ઞાસા

જે

ઊભરાવે છે સચરાચરને કલ્પનની ક્રુસિબલમાં

ધગધગતો કક્કો ને બળબળતી બારાખડી

લાલચોળ તપાવેલાં કાનોમાતર, વિદગ્ધ વિરામચિહ્નો

જ્ઞાનવિજ્ઞાનના ડામ દે છે ચેતાતંતુ પર

તે

અગ્નિની

હું વંદના કરતો નથી :

હું કેવળ દાઝું છું

ને સિદ્ધ કરું છું હું છું

સ્રોત

  • પુસ્તક : નાચિકેત સૂત્ર (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : હરીશ મીનાશ્રુ
  • પ્રકાશક : એન એસ પટેલ આર્ટ્સ કૉલેજ (સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ)
  • વર્ષ : 2017