watrakkanthe - Dirgh Kavya | RekhtaGujarati

વાત્રકકાંઠે

watrakkanthe

રમણિક અરાલવાળા રમણિક અરાલવાળા
વાત્રકકાંઠે
રમણિક અરાલવાળા

અહો! અહીં વિશાળ વાત્રકતણે મીઠે કાંઠડે

ઊઠી નિત પ્રભાત, માત! પરીવાત સુણાવતાં

મને હૂલવી ઝૂલવી કરમહીં તમે લાવતાં.

પણે લગીર છીછરે પણ સુસ્વચ્છ આરે તમે

વિરાજી, મૃદુ વ્હેનમાં વિવિધ વસ્ત્ર ધોતાં જતાં

અને હું ઊછળંત ઊર્મિ પર ઊર્મિનાં વર્તુલો

રચી, સીકરછત્રમંડિત સલિલને પારણે

ઝૂલી, નીસરતો તીરે તહીં ધીરેકથી પૂંઠળે

મને પકડતાં, પટાવી પુલકાવીને પાટલે

ચડાવી, ચખ મીંજવી, ગવરી ગાયને ગોરસે ૧૦

હથેળી હળવી પસારી શિરબાબરી ચોળતાં.

અને સરિત આદરે લહરી અંગુલિએ ગલી,

બબે જનની ઝૂલવે શિશુઉરે પછી શી પડી!

તમે તટ પરે ઊભાં કર ધરી કંકાવટી,

ધીમી પવનસેર શ્વેતપટ સાળુ હિલોળતી,

છૂટી જલકુમાશયુક્ત લટ સ્કંઘ પેં ઝૂલતી,

ઢળ્યાં નયન, અંગુલી ચિર પ્રકાશને પૂજતી,

અતીવ રમણીય ભાલ વિલસંત ભક્તિદ્યુતિ,

અનન્ય જગવંદ્ય સંસ્કૃતિની સોનલા આરસી!

અને અનિલ જેમ પાલવ રમાડતો હુંય ત્યાં ૨૦

હતો નીરખતો બધુંય જનની! શું નિશ્ચેષ્ટ થૈ!

અગમ્ય અહ ભાવ હજી અગમ્ય છે એટલા.

પ્રસન્ન સરિતા તણા સ્મિતકણો શું સોહાસણાં

છીપો ધવલ શંખલા લળીલળી વીણીને તમે

ભરાવી ગજવે, કૂંળા કર કપોલને ચૂમતાં.

અને રજતવેળુના સરિતસાળુએ લ્હેરતી

કલામય કિનાર શી સકરટેટીનો વાડીઓ

વટાવી વળતાં ગૃહે મૂલવતાં ફળો મીઠડાં.

તહીં તરવરંત કોમલ ગુલાબી નાના કરે

ભરેલ શિરહેલ્યની કનકકેડ્યમાં ક્રીડતો ૩૦

સહે સૂરજ આવતો મુજશું મીઠડું ગેલતો.

અહો જનની! વિમલ સ્રોત જેને તટે

ભયંકર ભવાબ્ધિના સુભગ સેતુબંધો સમી

અલૌકિક પળો વિતાવી ઉભયે, સૂતાં આજ ત્યાં

ભરી નયનમાં બધી અધૂરી ઊંઘ આયુષ્યની.

સૂતાં અહીં, સૂતેલ તેમ કદી ન્યાળતો જીવને,

તહીં કરકમાનની કનક-પાળમાં ઝૂલતું

સરોવર સમું તમારું મુખ સ્નિગ્ધ વાત્સલ્યને

નીરે છલકતું, ઢળી નયનપદ્મની પાંદડી

ભવિષ્ય પરિવારનાં નીરખી ભવ્ય સ્વપ્નસ્મિતે ૪૦

સ્ફુરંત મૃદુ દંતપંક્તિ, - ઘડી આવતી ને જતી

હરોળ સમી હંસની; વિવિધ મંથનો વાંચતી

અનંત લહરી સમી તરવરંત રેખાવલી.

અમીટ નયને નિહાળી બધું મુગ્ધ બાલોર્મિએ

જતો પગ તળાંસવા, તહીં ઉઘાડીને આંખડી,

પીયૂષ પિવરાવી નિત્ય મુજ શક્તિ સંવર્ધવા

શું શું નવ કર્યું? શું શું નવ સહ્યું? શું શું વિસ્મર્યું?

ભરી ભવભવો તણા જીવનવેગ જીવ્યાં તમે

અકેક ધબકારમાં, સુમનશીર્ષ શૈલેશ લૈ

પ્રલંબ અવિલંબ અંધ ભવપંથ ઘૂમી વળ્યાં ૫૦

સુણ્યો શમણેય મેં શબદ આહ ઉચ્છ્વાસમાં,

સૂતાં જનની! આજ તો ફકત આગની આશમાં.

અરે! સરલ શૈશવે કિસલયો સમા જે કરે

લહ્યા તુલસીપત્રવેષ્ટિત પ્રસાદ પૂજા તણા,

લહ્યાં વળી જે કરે તવ અગાધ વાત્સલ્યના

શિવોર્મિમય સિંધુના સકલ સાર શાં ચુંબનો

ધર્યો જનની! આજ કર ક્રૂર કાલાગ્નિ મેં!

અહો અદય અગ્નિ! શૈશવ વિશેય મારે ઉરે

વસ્યો અડપલે, અકારણ હઠે, જૂઠે ક્રંદને;

વસ્યો ઊછળતી યુવા મહીં અનિષ્ટ ભાવોર્મિએ, ૬૦

લહ્યું નવ અનિષ્ટ ઈષ્ટ નવયૌવનોન્માદમાં,

અકારણ અનેકધા દમીદમી દઝાપા દીધા,

ક્યા દહન કાજ હે અનલ! આજ મારે ઉરે

વસીશ? ઉર તો બન્યું ભસમપુંજ—ટાઢી ચિતા.—

સૂતાં સ્મરણ કૂલ શાં ધવલસાનીભાર્યાં હજી

ફરીશ વળી કેટલે સ્થળ રૂપાંતરે અંતરે!

હજી મધુર એમની સ્વપ્નગૂંથી છાબે નથી

ઘર્યું સુમન એક, ત્યાં સુમન શાં ચૂંટાઈ

અનંત યુગથી ઊણી સુહવવા ગયાં છાબડી.

ચલી વિમલ ચંદિરા, સમસમંત ઘેરી નિશા, ૭૦

કિહાં નવ ઉષા! કિહાં જીવનરંગ મધ્યાહ્નના?

અયે સરિત! આજ તો સકળ સ્વપ્ને તાહરે

તટે મૂકી જાઉં છું, પણ કદી કદી આવી હું

પસારી કુમળી હથેળી તવ અંક બેસીશ ત્યાં

અકેકું મુજ સોણલું કરી જીવંત આપીશ મા?

કદી કદી બળ્યોઝળ્યો તવ તીરે હું આવીશ ને

બિલોરી જલદર્પણે વદન ન્યાળીશ મા!

સુરમ્ય સલિલોર્મિએ ઉમળકા સરંતા સ્મિતે,

ગભીર જલઘૂમરી મહીં અગાધ ચિંતનો,

સુણીશ પરભાતિયાં મુખરવ્હેનમાં માતનાં: ૮૦

પ્રવાહ મહીં ન્યાળી જીવનપ્રવાહ સ્ફુર્તિલો,

અકેલ જગયાત્રી હું ડગ ભરીશ અંધારમાં.

સ્રોત

  • પુસ્તક : પ્રતીક્ષા (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સર્જક : રમણિક અરાલવાળા
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1960
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ