Priy kavitane - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રિયા કવિતાને

Priy kavitane

પૂજાલાલ દલવાડી પૂજાલાલ દલવાડી
પ્રિયા કવિતાને
પૂજાલાલ દલવાડી

પ્રિયે! કવિતાસુંદરી! નિકટ નિત્ય નિત્યે રહે;

સદૈવ તવ સ્નિગ્ધ દર્શન કરાવ આનંદિની!

નિહાળી મુખ તારું અંતર દ્રવી દ્રવીને વહે;

સુધન્ય નયનો પ્રભા તવ સુધા–રસી કાંતિની

ઝીલી સરલ ઉલ્લસે તરલ તારકો શાં શુચિ.

તું હિ સકલ અંતરંગ મુજ જાણનારી સખી;

ગુપ્ત તુજથી કશું હૃદયે કદી રાખિયું;

ભર્યું હૃદય મેં કદી અવર પાસ ના ઠાલવ્યું;

કહે, અનુભવ્યો કદીય તુજ પાસ સંકોચ મેં?

અપાર તુજ પ્રીત, ઉજ્જવલ શિખામયી જ્યોત શી,

સદૈવ સ્થિરતા ભરી, પ્રચલચિત્ત સંસારની

તમિસ્ર ભર રાત્રિમાં શુભ પ્રકાશ દેતી મને:

તું અંધ મુજ નેત્રની ત્વરિત દેખતી તારકા.

ભયંકર ભવાબ્ધિ મધ્ય તરણી તું મારી બની

તરંગ તુરગે ધસંત તુછકારતી મૃત્યુને;

સરંત સુખ સ્હેલથી, ગહન સિંધુની સૂરતા

લહી, અલખજ્યોત કો’ અમૃત મંત્ર કેરો ધ્વનિ

ગભીર પડઘાવતી શ્રવણ–ગહ્વરે માહરે :

વિમુક્ત યમપાશથી કરતી મારી સાવિત્રિ તું,

સહેલ સુખદુઃખમાં સતત એક તું સંગિની,

અચૂક સહુ દુઃખમાં પ્રણયભાગ તું માંગતી,

વિષાદ મુજ વ્હાલથી વદન–ચંદિરે ધારતી,

ઉઘાડી ઉર વિહ્વલા મુજ વ્યથા બધી ઝીલતી,

વદી વચન મીઠડાં સરસ દેતી આશ્વાસનો.

દવે દિલતણા કૂણું હૃદય તારું કૂદી પડે,

અમી અમી વર્ષતું, તરત ટાઢકો ત્યાં વળે.

મદર્થ તપ તું તપી દિવસરાત આનંદથી,

નવીન વિધુ–લેખ શી કૃશ તપસ્વિની શોભતી!

અને હૃદય મારું જે સમય હર્ષથી ઊછળી

સુરમ્ય સુખ–ઊર્મિએ વિલસતું સુહાગી લયે,

સ્મિતે સ્મિત મિલાવતી સહચરી અહો! તે સમે

સ્ફુરે તવ સુનેત્રમાં સકલ તેજ તારાતણાં.

પ્રહૃષ્ટ પ્રણય–પ્રલાપ મહીં માધુરી દિવ્ય કૈં

પ્રવાહિત કરી કરી સમયભાન ભૂલાવતી;

લઈ અજબ બીન અંક, સુરગંગ શી સૂરની

વિમુક્ત લહરી કરી, સકલ સિદ્ધ સંજીવને

ભરી, મૃત પડેલને કરી સજીવ ઉઠાડતી.

ટળે શ્રમ સમસ્ત શીઘ્ર તવ શીળુડી છાયમાં,

મળે અજબ તાજગી, અણુ અણુ બળે ઊભરે:

અખંડ સહવાસમાં તવ દિનો ક્ષણો શા બને,

વહી સરલ જાય જીવન અસીમની શાંતિમાં.

પ્રવૃત્તિ તુજ કાજ ઉત્સવતણો બને છે ઝરો,

વિરામ તુજ નામ, પ્રેમ તવ કામનાસિદ્ધિ સૌ.

મુખે તવ મનોહરે સ્મિત સુહંત જે સ્નેહનું,

તદેવ મન માનું ચારુ મુજ કીર્તિની ચંદ્રિકા;

ગ્રથે વિજયમાળ મારી તવ પુષ્પ સદ્ભાવનાં.

રમે નયનને પટે તવ ઊષઃપ્રભાવી છબી,

તે સમય દોર લેશ પણ રાત્રિકેરા દમે;

સચેત થઈ જાય આત્મા, સહુ ઘારણો ઊતરે

સુણી તવ પદધ્વનિ શ્રુતિ સતેજ મારી થતી;

ગતિ અનુસરંત તારી મુજ ચિત્તકેરી રતિ

અન્ચ કહીં રાચતી ચપલ છે સ્વભાવે છતાં.

પ્રસન્ન કરતી તું પ્રાણજળ શારદ સ્પર્શથી,

ચિદંબર લસાવતી અમરધામની જ્યોતિઓ.

તને પળપળે કને હું બની મુગ્ધ બોલાવતો,

ઉમંગથી ઉછંગમાં પ્રણયિની! લઈને તને

પ્રવૃત્તિ મુજ પ્રેમથી હૃદય તાહરે રેડતો:–

તરંગ, કંઈ ઊડણો, ઉર ઉછાળતા ભાવ કૈં,

અપૂર્વ અનુભૂતિઓ સહુ સુણાવતો હું તને.

ધરું તુજ સમીપ હું સ્ફટિક–જીવનાદર્શને;

પ્રફુલ્લ મુખબિંબ તારું તહીં ઉલ્લસી ઊઠતું;

પ્રહર્ષણતણું પ્રપૂર ચઢતું ઉરે માહરે.

પ્રભાત–સમયે મુખે તવ નિહાળતો મંગળો,

પ્રબુદ્ધ થઉં ને સમુત્સુક મને તને સેવતો,

સુખી સપનસૃષ્ટિના અકલ રંગ આલેખતો,

ઉષઃકમલ આત્માનું તુજ કરે ધરી રાચતો.

તને નિરખતો ઉષા–અરુણિમાતણા સાજમાં,

સુણંત તવ કંઠસૂર વિહંગોતણા વાદ્યમાં :

સુવર્ણમય અંગુલી તવ ઉઘાડતી પદ્મનાં,

સહસ્ર દલ, શ્રીતણાં સુભગ આસનો નિત્યનાં;

સુવાસી તુજ શ્વાસની લહર લોલ ત્યાં જાગતી,

થતું ભ્રમરગુંજને સ્તવનગાન તારું સખી!

તને રવિના સમુજ્જવલ સુવર્ણને આસને

વિરાજિત વિલોકી ઉન્મદ સમાન હું નાચતો;

અને પ્રણયપદ્મની અમૃતથી ભરી અંજલી

લઈ મલપતે મુખે રવિમિષે તને અર્પતો,

દિને સદૃય ચેતનામય પ્રકાશ રેલી જગે,

વિદાય રવિરાય લે ચરણ માંડી અસ્તાચલે,

કૃતઘ્ન જગલોકની કૃતિ થકી વિરાગી મને

શરીર ધરી ગેરુવો– સુભગ રંગ સંન્યાસનો,

તુ સાંધ્યમુખ ત્યાં ઉરે લઈ ઉદાસિતા આવતી,

વ્રજંત દિનનાથનું મન મનાવવા વાંછતી,

ધરાની ધૂળમાં પ્રસારી નિજ પ્રાર્થતો પાલવ,

જતી સુરખી વારી સૌ વદનની; અરે! તે છતાં

પ્રભાકર અલોપ થાય પળમાત્રમાં પશ્ચિમે!

હતાશહૃદયાની તારી મુખમ્લાનિ વેગે વધે,

વ્યથાની વર મૂર્તિ શી તું રવિરાય કેરી રજે

છુપાવી મુખ દે ઢળી તિમિરમગ્ન મૂર્છા મહી;

મહાર્ણવ મસીતણો અરવ ઊમટી આવતો.

કથી નવ જતી કથા તવ વ્યથાતણી સખી!

રડે હૃદય મારું ને નિખિલ નીરવે યે રડે!

પ્રતિધ્વનિ પડે નિગૂઢ જગલોકની નીંદરે.

રહસ્ય–રજની સમે રભસથી ભરી પાંખ પે,

પ્રશાંત ગગને સ્ફુરંત તનુ તારકોમાં તને

નિહાળું પુલકંત નેહલ દૃગે મને ઈંગિતે

અસીમમહીં મ્હાલવા પ્રણય પૂર્ણ બોલાવતી;

સુધાકરતણી સુધા–ભર સુશુભ્ર ઝારી લઈ,

સુધામધુર હાસ્યપૂર્ણ વદને ધરિત્રી પરે

સુધા ઝરમરાવતી, સ્નપવતી મને શીકરે;

રસી સકલ અંગ શાંતિ સુખશીલતા સ્નિગ્ધ કૈં,

મને મધુર સ્વપ્નના રસતરંગદોલા પરે

સલીલ વિલસાવતી; અજબ જાદુએ આંજતી

વિમુગ્ધ મુજ લોચનો : વિવશ આંખ મીંચાય ત્યાં

પુનઃ મુખ નિહાળું તારું ચગતા ચિદાકાશમાં,

જહી રસિક રાજતી તું સખી ચંદ્રિકા સાથમાં,

વિલોલ ઉર તારું રમ્ય વનરાજિમાં રાચતું,

પ્રસન્ન વનદેવી સંગ હરિયાળીમાં નાચતું;

ધ્વજો ફરફરંત જ્યાં ગગનચુંબી વૃક્ષોતણા,

અનંત દ્યુતિ–દેવને પવન નાખતા વીંઝણા;

જહીં કિલકિલાટ કોટિ વિહગોતણા કંઠથી

સ્રવી સરલ માધુરી, હૃદયશૈલી ગાળી મહીં

કરંત રસરૂપ; પુષ્પમય પત્રના પુંજમાં

મચે ભ્રમર–ગુંજના; વિપુલ રિદ્ઘિ સૌગંધની

વહંત જહીં વાય વાયુ લહરંત આનંદની;

તહીં તું મુજ જીવને નિજ ઉરે જતી ઊભરી

સુધા સકલ સંચતી, નવલ નંદનો સર્જતી!

વસંત મુજ આવતી, મૃદૃલ ફૂલ કૈ ખીલતાં,

મચંત નવ રંગરાસ, શુચિ સૌરભો વ્યાપતી:

પ્રફુલ્લ વદને તું ફૂલ મુજ વીણવા આવતી;

રચી કુસુમપાંદડી હરિત ઝૂલતા પારણે,

સ્મરેલ શિશુઓ–તને પ્રિય પતંગિયાં, તે તહીં

સુકોમલ કરે ઝુલાવતી, લળી લળી ચૂમતી,

ઉમંગભર હાલુડાં લલિત કંઠ લ્હેકાવતી.

સખી તુજ વસંત કૈં રસિક, શ્રેષ્ઠ શૃંગારના

કલાકુશલ હસ્તથી સુરસુગંધથી મ્હેકતી

લઈ કુસુમમંજરી ગૂંથતી વેણી તારી પ્રિયે!

પવિત્ર પમરંત પુષ્પરજ છાંટી તારે મુખે

અવર્ણ્ય રમણીય રૂપકમનીયતા ત્યાં ભરે.

સુવર્ણ સહકાર મંજરીતણાં રસે રાચતી,

નિકુંજનિલયે નિગૂઢ, પ્રણયોર્મિએ ઝૂલતી,

વસંતતણી વેણુ શી યુવતિ કોકિલા, કોડથી

પ્રચંડ રસપૂર પંચમ સૂરે વહાવ્યા કરી,

તને પ્રિયતમે! ઉરે મુજ નચાવતી હર્ષથી,

ભરેલ પિચકારીઓ પ્રણયરંગ કેરી લઈ,

વિમુક્ત રસ હોરીઓ કરી વિલોલ કૈં લ્હેરતી,

બનેલ મદમત્ત ખેલ સખી! ખેલ તું ફાગમાં,

ધ્વનાવ મુજ કુંજ યૌવન જગાડતા રાગથી.

અષાઢ ઘન આવતો ગડગડાટથી ગાજતો,

ચતુર્દિશ ચગાવતો ચપલ વિદ્યુતી લાસ્ય કૈં,

કૃપા કરુણ દેવની વિપુલ ધાર વર્ષાવતો,

તૃષાતુર ધરાપટે, દવ દહ્યા પહાડો પરે,

સુકાયલ વને, સરિત્પટ, સરોવરોએ બધે,

ઉદાર વરદાન ધાર સમ વારિધારા ઝરી,

સજીવ સઘળું કરી હરિત લ્હેરીઓ લાવતો.

પ્રિયે ! તું મુજને તહીં મૃદૃ તૃણાંકુરોની પરે

સુવાડી સરીતાતટે, શિર ઉછંગ મારું લઈ,

ભર્યા ગગનગર્ભથી ઝરમરંત ઝાંયો તળે,

સુણાવતી સુગીત મર્મરવાળ લ્હેરોતણું.

સુનીલ ઘનના ચમત્કૃતિ ભરેલ સ્નિગ્ધાંજને,

ઉભે નયન આંજીને મુજ ભુલાવતી ભાન સૌ:

ઘૂમે લઈ મને તું મેઘમય ગાજતા મંડલે;

સુરેન્દ્રધનુની કમાન પર તીર તાકી મને

અગાધ ગગને મને સરર છોડી દેતી અને

સ્વયં સુતનુ વીજ–સ્વાંગ સજી લાસ્યથી લ્હેકતી,

કટાક્ષ કરુણાતણાં ભુવનની પરે ફેંકતી,

સવેગ સહસા સિંધુહૃદયે ઊંડે ઊતરી,

કથા ગુપત બ્હાર કાઢી લઈ આવતી મેઘની;

અને ગગનના મહાપ્રતિનિધિ સમા સિધુંથી

સમીપ મુજ આવી ઊર્ધ્વ ગગને મહામોદથી

મહાબ્ધિ હૃદયે મહાર્હ ભરી રિદ્ઘિઓ, તે તણું

રહસ્ય મુજ કાનમાં કથતી કેવું એકાંતમાં!

શીળા સઘન કુંજમાં કુસુમ રંગ જ્યાં રેલતાં,

તહીં તપનતાપરક્ષિત સહાસ બે આપણે

વિલાસમય હીંચકે પ્રણયહીરદોરી ગ્રહી

ઉમંગભર ઝૂલતાં; મૃદુલ લ્હેરીએ તાહરી

ઉડંત અલકાવલી; રમતી વાદળી શી લટો

કરંત પુલકાવતાં રુચિર કૈં મને ચુંબનો:

કપોલ સરસા કપોલ ઠરતા સમાધિસ્થ શા;

સજાય મુજ કંઠ કંકણતણા રણત્કારથી

જગાડતી રસાત્મજ્યોત કરવલ્લરી તાહરી;

ઉરે ઉર અભેદતા અમર પ્રેમના બંધની!

હું યે ઊછળતે ઉરે પ્રણય–અંક તારા કદી

સમર્પી શિર નિર્ણિમેષ મુખ–ચંન્દ્રની પૂર્ણિમા

નિહાળું કંઈ નેહથી તવ, અનેરી પાંખો પરે

સરું ત્વરિત તેડતાં સુખરસાળ સ્વર્ગો ભણી,

નિહાળું તહીં યે તને, મુજ ચિદંબરી ચંદ્રિકા!

લઉં પ્રણય–પાંખમાં વિલસતી કલા તાહરી,

સિંચાઈ અધારામૃતે મિલનના મહામંગલે,

અપૂર્વ રસસિદ્ધિની સુખસમાધિએ સંચરું.

મનોહર માત્ર તું મધુર મૂર્તિ શૃંગારની;

ઉરે કરુણ છે છલોછલ અગાધ તારે ભર્યો:

દિલે તું થતી દગ્ધ દુઃખ જગલોકનાં જોઈને:

વિલાપ સુણી આર્ત્તના હૃદય વિદ્ધ તારું થતું;

વિલોકી લવ આંસુ એક ઊનું, ઉષ્ણ ધારાવલી

વહંત તવ વેદના–વિકલ લોચનોએ સ્વયં

નિવાસ દલિતોતણા પરિચયે પદોના તવ

પવિત્ર બનતા, સમાશ્વસન પામતા પ્રેમનું,

વિદારણ કરંત દર્દ પર શાંતિના લેપનાં

રસાયણ પ્રયોજતો પ્રણય ધન્ય તારો થતો!

ધરા ઢળી પડેલને અમરવેલડી શી લળી,

સુધાસ્પરશથી નવીન દઈ પ્રાણ ઊઠાડતી,

દયાળ–દિલ દેવી! દિવ્ય તવ દર્શનો દોહ્યલાં!

તું ગાન કરુણતણાં પવન લ્હેરીએ પાઠવે,

દશે દિશ દયાર્દ્રતા મધુર મેઘની પાથરે,

સુધાજળતણી પવિત્ર પરબો જગે માંડતી,

તૃષાર્ત મુખ રેડતી અમૃતધાર પ્રાણપ્રદા.

સ્મરંત પરમાર્થને ઉર તારું ભાવે ભર્યું,

વિશાળતર વિશ્વના પટ પરે બિછાવી દઈ,

અભાગી જગનાં બધાં લઈ બાલકોને તહીં,

સમર્પતી સુભાગ્ય સ્નેહતણું સ્વર્ગની સૃષ્ટિ શું,

બની તું જતી સર્વની મધુર મોંઘી કૈં માવડી,

અપાર ભવસિંધુ પાર લઈને જતી નાવડી,

પ્રિયે! કવિતસુંદરી! મધુર મૂર્તિ માંગ્લયની!

સમીપ સદૈવ શ્રીમુખ સુહાવ તારું શિવે!

બની અજર જ્યોત શુભ્ર મુજ આત્મધામે સદા

નિવાસ કર, કાળરાત્રિ મુજ કાંત તુંથી બને;

વિદાયતણી વાતડીય કરતી નહીં તું કદી;

કરું હું અપરાધ તોય નવ લેતી રે રૂસણું:

વિમુગ્ધ મુજ ચિત નિત્ય તુજ મિષ્ટ માયામહી;

પ્રસન્ન કરવા તને તપ નિષેવવા આકરાં

સમુત્સુક રહું સદા, સુખદ હે સુધાસ્યંદિની!

અલૌકિક સુહાગથી તુજ સ્વરૂપ–સૌન્દર્યને

સહર્ષ સજવા, સમગ્ર મુજ સત્ત્વની ચેતના

પ્રવૃત દિનરાત નિત્ય રહીને વણે વ્હાલથી

દુકૂલ તુજ દિવ્ય, વૈભવભર્યા વિચારોતણા

લઈ અમર તાર સ્થાપિત કરેલ તાણે, તથા

રસાલ ઉર–ભાવવૃન્દ વિલસંત વાણે લઈ:

સમૃદ્ધિ મુજ ઝંખતા જીવનની બધી સામટી

રચે રુચિર અંગ અંગ તવ રમ્ય આભૂષણો.

બને પ્રણયકુંજનાં કુસુમ માલિકા તાહરી.

પ્રભાતપટરંગિણી, નિખિલનંદિની, તુંહી તું

ઉષા અમરધામની, સુરખી સર્વ સંસારની!

સદૈવ ઉદયાચળે ઉતરણા સમુલ્લાસિની,

સુહાસસુમ વેરતી, હૃદયનંદીની! રાજજે!

પ્રફુલ્લવદના પ્રભાવ પ્રકટાવતી પ્રેમનો,

દિવાનિશ સુદર્શને પરમની પ્રતિ પ્રેરજે!

સુવર્ણ શિખરોતણી અમરજ્યોતિઓની ઝડી

અખંડ વરસાવતી વિલસતી રહેજે ઉરે!

સનાતનતણી સુધામધુર સચ્ચિદાનંદિની

અનેરી રણસૂરતા, મુજ અભીપ્સુ આત્માંબરે

અખંડિત ધ્વનાવજે, અમરતા મને અર્પતી!

પ્રબુદ્ધ પરમ–પ્રભા–વિભવથી કરી પ્રાણને,

અકાલ–હૃદયે અકૂલ ચકચૂર ચૈતન્યના

ગભીર ઘૂઘવંત મંગલ મહાબ્ધિઓ, તેમની

સુભવ્ય ભરતી ઋતંભર સુરમ્ય રત્નો લઈ

વિભાસ્વર ધસંત, તે મુજ ઉરે પ્રિયે! રેલજે!

પ્રિયે! હૃદયદેવતે! પરમદેવના દૈવતે

સુહંત તુજ સત્ત્વ શુભ્ર મુજ સત્ત્વમાં સ્નેહથી

કરી અતલ ઓતપ્રોત, ઉભયાત્મના ઐક્યની

સમાધિ કરજે સજીવ મુજ ઝંખતા જીવને!

અબાધિત ત્રિકાલથી ઈહ, પરત્ર, યા શૂન્યમાં

મને તુજ બનાવજે, મુજ બની રહેજે તું!

સ્રોત

  • પુસ્તક : પારિજાત (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સર્જક : પૂજાલાલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1954
  • આવૃત્તિ : બી. આ.