
(સોરઠો)
વંદન કરી બહુ વાર, ગણિવળ પ્રભુ અગણિત ગુણો;
સઉ સજ્જન આ ઠાર, મળિ સુંદર ભાષણ શુણો.
(દોહરા)
શુણજો સજ્જન સૌ તમે, એક વિવેકની વાત;
અંતર આંખો ઊઘડે, જે શુણતાં સાક્ષાત.
આજ આપણા દેશમાં, અફિણ મજીઠ કપાસ;
એ ત્રણ અતિશય ઉપજે, એમાં ઉદ્યમ વાસ.
એ થકિ દ્રવ્ય વિદેશનું, આવે છે આ દેશ :
એજ થકી આ દેશની. વધિ વિખ્યાતિ વિશેષ.
પણ હુંનર નરમાં નથી, નથિ વળિ સઘળો શોધ;
કુળ ઉદ્યમ સઉકો કરે, બીજો ન ધરે બોધ.
કુળ ઉદ્યમ તૂટે કદી, તો તૂટે નર તેહ;
અવર ન બુદ્ધિ ઉપજે, અચરજ જેવું એહ.
ચીન વિલાયતમાં વધ્યા, હુંનર પ્રગટ હજાર;
એઓએ આ દેશની, નિર્ધન કરી બજાર.
ગિજનીવાળો લઈ ગયો, સોમેશ્વર શોભાય;
એમ હુંનરખાં હરી ગયો, મોટી લક્ષ્મી-માય.
હુંનરખાં વણરાજનો, ઉચરૂં ઝગડો આજ;
કાન ધરી પ્રીતે કરી, શુણજો સકળ સમાજ.
સુંદર દેશ સુહામણો, તાજો હિંદુસ્તાન;
ઉધમપુર એમાં વસે, સુખ - સંપત્તિ - નિધાન.
સઉ રાજાનો રાજિયો, રાજ કરે વણરાજ;
અફિણ મજિઠ બે અનુજ છે, જેની જગમાં લાજ.
જમે ભરે પરદેશના, ભૂપતિ જેને ઘેર;
દશે દિશાઓ વશ કરી, ગઢપતિ કીધા જેર.
સેવે ચાર વરણ સદા; કસૂર કરે નહિ કોય;
અગણિત જેને આંગણે, હય હાથી રથ હોય.
કહ્યું તેની કુળદેવિકા, લક્ષ્મી નામ લખાય;
જે આસો વદિ તેરશે, પ્રેમ સહિત પૂજાય,
જેને નિજ પગ સ્પર્શતાં, હિંદુ-દિલ દુભાય,
સભા વિષે સાચો થવા, લક્ષ્મીના સમ ખાય.
કઈ દિન પ્રતિ દર્શન કરે, પોઢી ઊઠી પ્રભાત;
નિરખી બિજના ચંદ્રને, નિરખે લક્ષ્મી માત.
પ્રભુની પટરાણી ગણે, જેથી જગત અશોક;
પ્રતિદિન કંઈ પૂજા કરે, હેતે હિંદુ લોક.
દરિયાની તે દીકરી, મોટી જગની માત;
દમડી - પૈસા - રૂપિયા, પ્રગટ રૂપ પ્રખ્યાત.
અધિકો એથી સ્વર્ગમાં, દેવ ન દીસે કોય;
ઈંદ્ર સદા સેવક થઈ, લક્ષ્મીને વશ હોય.
(ચોપાઈ)
એ કુળદેવિ પ્રતાપે આજ, રાજ્ય ચલાવે શ્રીવણરાજ;
કીર્તિ તેની સુણીને કાન, ખષ્ટ પડ્યો નૃપ હુન્નરખાન.
જેનું ચીન વિલાયત રાજ, ઘણી ઘણી ફોજોનો આજ;
યંત્રખાન જેનો પરધાન, ભારે બળિયો ભૂત સમાન.
તે પ્રતિ બોલ્યો હુન્નરખાન, અંતરમાં આણી અભિમાન;
રોકડ આપણી લે વણરાજ, તો શાલેખે આપણ લાજ.
સાચું બોલે તજીને સોર, શાથી કરે વણરાજા જોર;
વદે પ્રધાન : શુણો નૃપ વાત; મહાલક્ષ્મી એની કુળમાત.
સદા પ્રસન્ન છે તેને શીશ, તેથી વશ કીધી દશ દીશ;
ખુંખારી કહે હુંનરખાન, હાથ કરું હું હિંદુસ્તાન.
તોડું દેવળ લક્ષ્મી તણું, પરમ પરાક્રમ છે આપણું;
લક્ષ્મી લાવું પકડી કેશ; નહિ તો દેહ તજું પરદેશ.
સ્વારિ જેમ સુલતાને કરી, સોમેશ્વરની શોભા હરી;
એજ રિતે વરતાવું આણુ, તો બીબી-જાયો મુજ જાણ.
પછિ કરજોડી કહે પ્રધાન : સમર્થ નહિ વણુરાજ સમાન;
અખિલ જગત જેને વશ આજ, મોટો તેમ હિપતિમહારાજ.
લક્ષ્મી શી રીતે લાવીએ, કેમ કુશળ પાછા આવીએ;
અફિણસિંહ છે એનો ભ્રાત, વિશ્વ વિષે તે પણ વિખ્યાત.
બળિયો એ બંનેથી કોય, હું જાણું જગમાં નહિ હોય;
મોટો જોદ્ધો ચોળ મજીઠ, પાછો હઠી ન આપે પીઠ.
સઉના શિરપર ધારે પાય, જોધ્ધો તે કયમ જીત્યો જાય;
એ છે ખરાખરીનો ખેલ; તે તલમાં નહિ પામો તેલ.
(પધરી છંદ)
અતિઅગમદેશ હિંદુસ્તાન, વળિ વિકટ પંથ ભૂમી ભયાન;
સજિ સૈન્ય સંગ જવું દેશ દૂર; અનહદ શહેર ઉદ્યમી પૂર.
તેમધ્યધિંગુ છે લક્ષ્મિધામ, હરિ શકે કોણ જનાખિહામ;
વિદ્યા વિચિત્રનો કઠણકોટ, રખવાળ કારિગર એની ઓટ
ગજદંત દેવિ દ્વારે કમાડ; વેપાર થંભ પ્રૌઢા પહાડ;
સોનાની ખાણશિખરસુરંગ, નિર્મળ હિરામણિ મોતી નંગ.
ઉચરાય રાગ રૂડા રસાળ; વાજિત્ર નિત્ય વાજે વિશાળ;
ઝણણાટ શબ્દઝાલર કરંત; ઘણણાટ ઘંટકેરા અનંત.
મહાલક્ષ્મિ મધ્ય વીરજમાન, કહું રૂપતે તણું શુણો કાન;
સઉ વસ્તુ મેળવી શકે સાથ; હુંજાણું જે હશે ચાર હાથ.
દરશીઅદર્શબહુઠામથાય, તેમાટ લક્ષ્મિ ચપળા લખાય;
જેનેપ્રસન્નજગદંબઆપ, પરિપૂર્ણ તેજ પામે પ્રતા૫.
જગદીશકેરિપટરાણિજાણિ વડિરૂપવાળીકવિયેવખાણિ;
સેના અસંખ્ય રાખે સદાય, જન કોઈ તે જીતી ન જાય.
હથિયાર જાત હાથે હજાર, તરવાર ઢાલ બરછી કટાર;
ત્રીશૂળ ને છરા ધનુષ તીર, ધારી શકે ન અરિઉરધીર.
દીઠા અનેક તે પાસ દાસ, એથી ન જીતવા થાય આશ;
મહારાજ આજ રાખિયે ઉર, કો સમે કાજ કરશું જરૂર.
સહસા ન સુધરે કોઈ કામ, ધીરજે સાધીએ શત્રુ ધામ;
ધીરજે સાધીએ શ્રેષ્ઠ ગ્રંથ, ધીરજે કાપિયે પ્રૌઢપંથ.
(પ્લવંગમ છંદ)
ક્રોધ પામિને પુનર હુનર નર ઉચર્યો,
રે ગુણવાન દિવાન, દિલે ક્યમ તું ડર્યો :
શુણ મારું સામર્થ્ય, વ્યર્થ તજ શોક તું,
જુઠી જવા દે જિકર, ફિકર કર ફોક તું.
હુનરતણો નર હોય, ફિટાડે ફોજને,
આપે ઉંચકે એક, બહુ મણ બોજને;
વાહન હય રથ હાથિ, લક્ષ્મિ ના લેખ તું,
બહુ અગ્નીરથ બોટ, અમારાં દેખ તું.
પવન પ્રમાણે ગમન, જગતમાં જેહનું,
વળતી હવે વિચાર, બહુ બળ કેહનું;
લક્ષ્મીના લખનાર, હજાર લખે મળી,
એક અમારો છાપ-ખાન લખિ દે વળી.
લક્ષ્મીના જન લાખ, નજર ઉંચી કરે,
પર્વત ચિર પર્યંત, વળી કદિ વીચરે;
ગ્રહ ઉપગ્રહનાં ભુવન, નહીં દેખે નક્કી,
તે સઉ દેખે તુરત, હુકમ મારાથકી.
મારા જનની ગાડિ, જાય જળ અંતરે,
વસ્ત્રતણે વીમાન, ચડી નભ સંચરે;
કાષ્ટ પૂતળી પાસ, સુકામ કરાવિયે,
કાંઈ પડે નહિ કષ્ટ, વસ્તુ ઉપજાવિયે.
લક્ષ્મીને ભુજ ચાર, અમારે વીશ છે,
ઉત્તમ કુળ અવતાર, ગતી દસ દીશ છે;
બુદ્ધી મારી માત, ગણાધિપ તાત છે,
લાભ લક્ષ બે ભ્રાત, વિશ્વ વિખ્યાત છે.
વય છોટીમાં વસ્યો છું હિંદુસ્તાનમાં,
કીધી કાંઈ સહાય, મનુષ્યના જ્ઞાનમાં;
શિખવ્યાં પટ હથિયાર, સુરીત સુધારવા,
ખેતી કરિ ખોરાક, અધિક ઉદ્ધારવા.
ધાતુ ઔષધી શોધ, રાજની નીતિયો,
ગ્રહમંડળ અનુમાન, ખગોળની રીતિયો;
એ આદિક અતિ જુક્તિ, વધારી વેગથી,
સર્વે શિખવ્યો શોધ, ભલા રસ ભોગથી.
જ્યાં મહમદિયન જોર જણાયું આકરું,
ઘણો ઉઠ્યો ગભરાટ, સુજ્ઞાન ઘટ્યું ખરું;
હું મારું લેઈ કુટુંબ, વસ્યો આ દેશમાં,
વધતે વર્ષે થયો છું, જોબન વેષમાં.
હિંદુ મટી હું હાલ, થયો છું યુરોપિયન,
કોઈ ન જાણે મને, હતો આ હિંદુજન;
ચીન વિલાયત આજ, રાજ માફ ઠર્યું,
હિંદુની હરૂં દેવિ, અધિક તો આબરૂ.
(દોહરા)
મંત્રિ કહે મહિપતિ શુણો, તે ન તુરતનું કામ;
એ તો પુર નથિ આપનું, નથી બાપનું ધામ.
હુન્નરખાં બોલ્યો હવે, કરો કહું તે પેર;
જેને આશા જીવની, બસ જઈ બેસો ઘેર.
અફિણસિંહ જે આપણું, જર જોરે લઈ જાય;
જેની બુદ્ધી જાગતી, ખુશિથી કેમ ખમાય.
ગભરૂને કર ગોળ દઈ, ઠગ જન ઠગે રતન;
તેમજ જ્યાં જન તુચ્છ મતિ, ધરણિ રહે નિર્ધન.
જાય હરી જર આપણું, અફિણ મજીઠ કપાસ;
મન જાણો જીવતા મુઆ, અન્ન ન ખાધું ઘાસ.
માનવિ મારા મુલકનાં, અક્કલમંદ અતૂલ્ય;
પકડી અફિણ કપાસને, દામ ન દેવે મૂલ્ય.
વણુરાજાની વસ્તિના, સૂતા પુરૂષ સદાય;
જડે નહીં નર જાગતો, જે મુજને લઈ જાય.
કોઈ પ્રબંધ ન બાંધશે, જ્યાં લગિ પીતળ પાત્ર;
આંખો મીચી ઊંઘશે, માણસ તે શા માત્ર.
તે માટે ત્યાં મોકલો, વડે પરાક્રમિ વીર;
તોડે હિંદુસ્તાનને, એવો કોઈ અમીર.
શુણિ બોલ્યો સરદાર નર, પંડે માદરપાટ;
લાવું લક્ષ્મી લૂટિને, એ તો તજો ઉચાટ.
શૂર તને સાબાશ છે, બોલ્યો હુંનરખાંન;
ચોંપ કરીને ચાલજો, છો છળભેદ નિધાન.
(ભુજંગી છંદ)
રૂડી ફોજ ત્યાંથી ચડી શ્વેત રંગે,
ભરાયાં ઘણાં નાવ ભારે ઉમંગે;
સજ્યાં બાણ ચીને ફટાકા સહાઈ,
લઈ ફોજ ચાલ્યો મચાવા લડાઈ.
તુટે જેથિ લક્ષ્મીતણો તુર્ત કીલ્લો,
હઠે શસ્ત્ર લૈ વીર ચાલ્યો હઠિલ્લો;
ઘણે જોર હિંદૂ તણે દેશ આવ્યા,
હણી હદથી હિંદુઓને હઠાવ્યા.
કહે ત્રાહિ ત્રાહિ મુખે હિંદુ ત્રાઠા,
ન ઉભા રહે હામ મેલીજ નાઠા;
દિશે દીશમાં બાણુ ફેંકે ફડાકા,
જનો જાગતા શીર લાગે સડાકા.
ઘણો દેશ હિંદુ તણો ઘેરી લીધો,
ખરો કોટ લક્ષ્મી તણો ખંડ કીધો;
દિઠાં દેવળે શીખરો તોડિ દીધાં,
કમાડો વળી દ્વારનાં ખંડ કીધાં.
રૂઠ્યો ફોજ લૈને ઉઠ્યો હિંદુ રાજા,
રચ્યો જુદ્ધ રાખી મહાદેવિ માજા;
લડે લક્ષ રાખી હઠે કોણ હારી,
કરી ચોંપ ચાલે ભરી નાવ ભારી.
મચી એક બીજાતણા દેશ માંહી,
કરે કીર્તિ વિસ્તાર પોતાનિ ત્યાંહી;
ન હારે ડરે કે ધરે પાવ પાછા,
કરે જુદ્ધ મારે મરે શૂર સાચા.
લહે એક બીજાતણું દ્રવ્ય લૂટી,
ખજાનો ન એકે તણો જાય ખૂટી;
ન કો કોયને જુદ્ધમાં જાય જીતી,
ન કો કોયથી તે ફરે ફોજ બીતી.
ગડુડે વડી તોપ જંજાળ ગોળા,
હડુડે મહા મેઘના જેમ ટોળા;
ધણેણે ધ્રૂજે ધમ્મકારાથિ ધર્તી,
ભણેણે ભલી જેમ સિંધુની ભર્તી.
ઘણાં ઘૂઘવે આગનાં કોકબાણાં,
ખપ્યાં કૈંક તેનાં ન લાધે ઠેકાણાં;
તહાં કાયરો લોક ખૂણા તપાશી,
તજી હામ તે ઠામથી જાય નાશી.
ચડાવે મુછે તાર જે રાણિજાયા,
રહે શત્રુ સામા ભલા ક્ષત્રિરાયા;
તહાં ગાયકા નાયકા સિંધુ ગાવે,
ઝૂઝાઉ સ્વરે જુદ્ધ વાજા બજાવે.
શુરા શત્રુને સામસામા પ્રચારે,
તજી આશ જીવ્યાતણી શસ્ત્ર ધારે;
કહે માર મારો કરે આંખ ફાટી,
ખરા આગળે જાય તે કોણ ખાટી.
(દોહરા)
જાણ થયું અસુરાણને, બોલ્યો તે બળવાન;
લક્ષ્મીને નહિ લહી શક્યા, તુટ્યો ન હિંદુસ્તાન.
સાંભળ તું સેનાપતિ, શત્રુ મુલક મોઝાર;
આ અવસર છે આપણી, કોઈ મદદ કરનાર?
શુણી સેનાપતિ ઉચર્યો, શુણો શાહ સુલતાન;
ઇચ્છે છે શુભ આપણું, વહેમખાન ગુણવાન.
જેને આપણી જમિનથી, કીધો દેશનિકાળ;
ભૂત જાદુ ને ભોળપણ, જેનો વંશ વિશાળ.
હાલ વસે છે હિંદુમાં, કષ્ટ અધિક કરનાર;
અવળો નિત્ય ઉપદેશ દઈ, આપે કુમતિ અપાર.
કામનિઓને તે કહે, વરજો વિદ્યાભ્યાસ;
કરવો નહિ નર કોઈને, કદિ પરદેશ પ્રવાસ.
ભણતર જે ઝાઝું ભણે, નિર્ધન નિશ્ચે થાય;
વળિ બહુ પુસ્તક વાંચતાં, વ્યર્થ વખત વહિ જાય.
એ રીતે ઉપદેશ બહુ, વધતો આપે વહેમ;
આળસ ને અજ્ઞાન પણ, આપણું ઇચ્છે ક્ષેમ.
(હરિગીત છંદ)
પણ એક શત્રુ આપણો, થાવા ન દે મન ભાવતું,
એથી જ ઝાઝું જોર આપણિ, ફોજનું નથિ ફાવતું;
સરદાર સાહિબ લોક તે, એ લોકનું અતિ પ્રિય કરે,
સમભાવ રાખે સર્વ શિર, દિલમાં દયા ધરથી ધરે.
અજ્ઞાન આળસ વહેમના, થઈ શ સમ લાગ્યા રહે,
હિત ચહે હિંદુસ્તાનનું, તજિ કપટ નિત સાચું કહે;
પુસ્તકોશાળા પાઠશાળા, વિરચિ વિદ્યા વિસ્તરે,
કદિ ગરથ ખરચે ગાંઠનું, સઉ લોક જેથી સૂધરે.
અતિ ગુપ્ત વાતો આપણી, ભેદૂ બની રહે ભાખતા,
સંચા ખજાના સર્વસ્થળ, રતિએ ગુપત નથિ રાખતા;
પેસાર ને નીકાળ તમ, દરબાર ચિત્રે ચિત્રમાં,
દેખાડિ દુનિયાને કરે છે, ચતુર હુનર ચરિત્રમાં.
કોહાડી સાથે કાઠનો, હાથો મળે તરૂ નાશ છે,
અરિ તેમ દેશી આપણા, જેનો તહાં સહવાસ છે;
સાહિબ સલામત ગરિબપરવર, શુણો હુનરખાનજી,
કોઈ વખત તમને બાંધિને, સોંપશે હિંદુસ્તાનજી.
ભય ભારિ અમને એહનું, બીજાથકી બિહિતા નથી,
મન સાચિ કરીને માનજો, જે કથા તમ આગળ કથી;
શુણિ બોલ હુનરખાન બોલ્યો, છેક વાત ન છંડિયે,
પડિયે જહાંલગિ પરવશે, મન રાખી સામા મંડિયે.
ખુદ મદદ તો કરશે ખુદા, ચિનદેશથી ચઢી ચાલવું,
લુટવું દેવળ લક્ષ્મિનું, પોતાનું બોલ્યું પાળવું;
પણ જાણજે જે યંત્રખાં, તું પડિશ હિંદુ હાથમાં,
પડશે પછી તો આપણા, ભંગાણ સઘળા સાથમાં.
(દોહરા)
ચઢી ફોજ બડિ ચિનથી, બહુ ગાજ્યું બ્રહ્માંડ;
કાગળ કાચ બિલોર તજ, સોમલ રેશમ ખાંડ.
ચાહ ફટકડી સાદડિ, કલ્લાઈ આદિ અનેક;
ચડિ ચાલ્યા હિંદુતણી, તરત તજાવા ટેક.
(તોટક છંદ)
ચડી ફોજ મહા બળિ ચીનતણી,
ભલિ ભાતથી હિંદુસ્તાન ભણી;
વણરાજ વિચાર કરી ઉચરે,
લડવા કુણ આજ ઉમંગ ધરે.
શુણિને શુરવીર અફીણ ઉઠ્યો,
કર મેલિ મુછે રિપુ શીશ રૂઠયો;
ઘનશામ સ્વરૂપ સુગૂણ ઘણા,
તન રોગ હરે જન રોગિતણા.
વણ કાજ ન રોજ મિલાપ ગમે,
દિન દીન મિલાપથિ દેહ દમે;
હણિ જોર વળિ ધન તુર્ત હરે,
કિરતી હણિ ગર્ધવ તુલ્ય કરે.
સજિ સેન ચિતે ધરિ એજ ચઢ્યો,
ચિન ચોક વચે જઈ આપ અડ્યો;
ધન લૂટિ ધરે નિજ પૂર પ્રતી,
પરદેશ વિશે કરિ પ્રૌઢ ગતી.
(દોહરો)
અફિણસિંહ ચિન ઊપરે, બહુ લડિયો નિબંધ;
ચિન હિંદુ વચ્ચે વધ્યો, ધરણી ઉપર ધંધ.
(શંખધારી છંદ)
ધરે ધંધ ભારી, મરે મર્દ નારી;
લડે ફોજ ટોળા, ઉડે આભ ગોળા.
ડરે દીલ કાચા, મરે શૂર સાચા;
કહે માર મારો, રિપુને વિદ્ધારો.
તુટે હાથ માથાં, ખુટે ખૂબ ભાથા;
પડે જોર પૂરા, વઢે વીર શૂરા.
હૈયે હામ પૂરે, તજે ત્રાસ દૂરે;
ખરે દીલ ખેલે, મહા બાણ મેલે.
મળી મર્દ મંડે, રિપુ ખડ્ગ ખંડે;
ભયે ભૂમિ ભાસે, નમર્દોજ નાસે.
પડે તૂટિ પાળા, બુઢા કોણ બાળા;
ધરે લોહ ધારા, પડે આરપારા.
લડી માર લાગે, ભલા અંગ ભાગે;
વિરો હાક વાગે, જહાં જુદ્ધ જાગે.
પ્રલેકાળ કેવો, ઉઠે શબ્દ એવો;
ગિરી જેમ ફૂટે, છતા ગર્ભ છૂટે.
થયો તો ન થાશે, સુગ્રંથે ગવાશે;
વડો ધંધ વીત્યો, જુદ્ધો હિંદુ જીત્યો.
(તોટક છંદ)
વસ્તી અતિ આણ અફીણતણી,
ચિન ભૂમિ પગે પણ ચાંપિ ઘણી;
પછિ હુંનરખાન પ્રજા સઘળી,
મળિ પ્રૌઢ વિચાર કરે પ્રબળી.
હમણાં નહિ આપણિ હામ રહે,
ઉલટું ધન લૂટિ અફીણ લહે;
જગવ્યો વડ સિંહ સુતો સુખમાં,
કર કીધ મણીધરના મુખમા.
સમજ્યા વિણ કામ અશુભ થયું,
કરિ કષ્ટ ચિનાધિશ એમ કહ્યું;
સજશે જન સંગ અફીણ તણો,
ધન માલ લુટી વળિ પ્રાણ હણો.
લગરીક અફીણ લહે ઘરમાં,
કરિ કેદ કસો પગ ને કરમાં;
બહુ પ્રાણિતણા ધન પ્રાણ હર્યા,
દુખવંત અત્યંત મનુષ્ય કર્યા.
ભડ તોય હઠ્યો ન અફીણ ભલો,
કરિ હાથ રહ્યો ચિનદેશ કિલો;
પછિ હુંનર ખષ્ટ બહુ પડિયો,
ચિત ચાહિ વિલાયતથી ચડિયો.
કરિ ક્રોધ દિલે બડ જોદ્ધ કહે,
રણખેત લડો જ્યમ લાજ રહે;
કહિ વેણ મુખે નહિ જો કરિયે,
બકવી કરનાર બધા ઠરિયે.
(દોહરા)
યંત્રખાન મંત્રી કહે, હવે ન હારો હામ;
સાહિબશ્રીના શુકનથી, કરિશ સિદ્ધ સઉ કામ.
રચિ પર્વત જેવી પછી, અગણિત બોટો આગ્ય;
હિંદુસ્તાન તરફ જવા, બાંધિ સિંધુપર પાગ્ય.
(નારાચ છંદ)
વિચારિ મંત્ર મંત્રિ યંત્રખાન ફોજ મેળવી,
તપાસિ કૈક શૂર વીર ધીર જોઈ કેળવી;
અનેક રંગ અંગ નંગ છીંટનાં ચલાવિયાં,
અપાર તાર તેજ વાર ધાતુના બનાવિયા.
વિચિત્ર ચિત્રવંત વસ્ત્ર અસ્ત્ર શસ્ત્ર ધારિયાં,
અનેક રાચ કાચનાં અસાચનાં ઉતારિયાં;
ઘણાંક કાઠનાં ઘડી દડી બનાવિ સૂત્રની,
કરી ઘણી કરામતો પ્રસિદ્ધ પૃથ્વિપુત્રની.
સપાટ પાટિયાં ખીલા કરેલ સંચ કુંચિયો,
સિવ્યાનિ સોય ચાકુ ભાત ભાત જાત ઉંચીયો;
ગણ્યાં નહીં ગણાય કે ન થાય લેખું લેખતાં,
મનુષ્ય મોહબંધ થાય અંધ તુર્ત દેખતાં.
ફરી ઘણીક ફોજ આવિ હિંદુ દેશ ફોડવા,
ઉજાડિ ઉધમીપુરી તમામ ધામ તોડવા;
લુટી અનેક ઉધમીતણી બજાર આવતે,
તુટી ઘણીક પેઢિયો હથ્યારથી હઠાવતે.
ઉચારિ હાય હાય લોક પથ જાય પાંશરે,
કહેજ ત્રાય ત્રાય ત્યાં સહાય કોણ જૈ કરે;
મલેચ્છ લૂટનાર લક્ષ્મિ મંદિરે મળી ચઢ્યા,
અફીણ રૂ મજીઠ તે બિતા ફરેજ બાપડા.
સમૂળ કોટ પાડિને ઉપાડિ લક્ષ્મિ મૂરતી,
ઝલાય કેમ હાય ઉભિ હિંદુ ફોજ ઝૂરતી;
સજેલ શસ્ત્ર તોય તે પડ્યા અપાર શોકમાં,
નહીં ઉગારનાર ચારખુંટ મૃત્યુ લોકમાં.
સુશસ્ત્ર સાળવીતણાં વિશાળ શુદ્ધ સાળ તે,
કિધા નકામ છીંટ પાટ પખી તુર્ત કાળ તે;
લલીત શસ્ત્ર સાણશી ને એરણી લુહારનાં,
પડ્યાં નિહાળિ લોહ પાટિયાં બહુ પ્રકારનાં.
સુતાર શસ્ત્ર સારડી ને વાંસલા ને વીંઝણી,
થયાં ખરાબ પેખિ મેજ પેટિ ખૂરશી ઘણી;
વિચિત્ર ચિત્ર દેખિ શસ્ત્ર વ્યર્થ ચિત્રકારનાં,
અનેક કાચ ઠામથી નકામનાં કુંભારનાં.
છુટ્યાં હથ્યાર લેખનાં જ જોઈ છાપ યંત્રને,
થયા ખરાબ ખેપિયા તપાસી ડાગતંત્રને;
કુબુદ્ધિ રૂપિ કેદ છેક ફળ કામ છોડતાં,
થયા ખરાબ નાતના વરાનું ખર્ચ જોડતાં.
સુજે ન દીશ એક કે વિવેક આંખ ઊઘડે,
ઉફાંદ ધૂળ આંખ પૂરિ કર્જ ખાડમાં પડે;
થયા અનંત લોક શોકવંત આ વિરૂદ્ધમાં,
મુઆ સમાન માનવી ઘણા જણાય જુદ્ધમાં.
(ચોપાઈ)
લૂટિ મુલક હિંદુનો લીધો, દશે દિશામાં ડંકો દીધો;
વશ કરી જન ઉદ્યમ પુરવાળાં, તે ઘર જડ્યાં વિલાયતી તાળાં.
(ઝૂલણા છંદ)
જુદ્ધ વણરાજ પરદેશિ નૃપસાજનો,
આજની વખતમાં અધિક એવો;
દિલ્લિ પ્રથિરાજને મ્લેચ્છના મુલકથી,
ધોમ જાગ્યો હતો ધંધ જેવો;
ધીર શૂરવીર તે નીર માગે નહીં,
સ્થિર ઠરિ નવ શકે એક ઠામે;
મેહેલમાં બેશિ જે મુછિયો મરડતા,
કરડતા દંત આવ્યા ન કામે.
નાશિયા લોક વેપારિ ને ગ્રાસિયા,
દાસિયા નાસતાં ફરિ ન દેખ;
ઢાલ તરવાર તજિ ભડ નરો ભાગિયા,
લશ્કરી લોક ત્યાં કોણ લેખે;
ધમધમે ધરણિ ત્યાં કાયરો કમકમે,
ખમખમે ખડગ નર થાય ખેદી;
કૈકના હાથ પગ કૈકના ભાગિયા,
વાગિયાં બાણ તનત્રાણ ભેદી.
થાય ઘડુડાટ રથ બાણ સડુડાટ વળી,
તોપ ધડુડાટ ગડુડાટ ગોળા;
કટક કડુડાટ પડિ શીશ દડુડાટ દડી,
વ્યોમ ફડુડાટ ધ્વજ રંગ ધોળા;
પુષ્પની સેજમાં જે નરો પોઢતા,
ઓઢતા સાલ દુસાલ અંગે;
તે નરો તરફડે ખૂબ રણક્ષેત્રમાં,
ચડભડે કૈક ટકી એક ટંગે.
ભાગિયાં હાડ પણ લાજમાં લાગિયા,
લાગિયા કૈક નર જુદ્ધ લડવા;
જાગિયા કૈક નર મોહમૂર્છા થકી,
પાગિયા ક્યાં કહી બેસે રડવા;
લૂટિયા કૈકને કૈકને કૂટિયા,
ચુંટિયા છોડ જ્યમ છાજ કેરા;
કોઈ નથિ વાર કરનાર આ વારમાં,
જેને દરબાર જન ખાય ફેરા.
કોઈની જનનિયે સુંઠ ખાધી નથી,
હામ હૈએ ધરે આજ ટાણે;
જે હુનરખાનને પકડિ કર જકડિને,
આપણા દેશમાં તુરત આણે;
ક્યાં ગયા હિંદુમહારાજ પાટણપતિ,
જે લડ્યા ખૂબ પરભાસ લૂટ્યે;
આ સમે કેમ એ તુરત નથી આવતા,
ગામમાં લક્ષ્મિનું ધામ તૂટે.
હિંદુ વટલાવતાં જવન બળ ફાવતાં,
આવતા સદ્ય શીવાજી વહારે;
ક્યાં ગયા જે હવે હિંદુને જાળવે,
દરિદ્ર નિજ જાત જોરે વધારે;
કોણ હિંદૂ ધણી રાખિ ચિંતા ઘણી,
જાતું પરદેશ ધન બંધ કરશે;
હડહડી ચાલિયું કેમ રહેશે હવે,
તૂટિયું ટાંકું જળ કેમ ધરશે.
(દોહરો)
વિકળ સકળ હિંદુ હવે, સુજે ન એકે દીશ;
ભાષણકાર સુભાખીને, કહે નમાવી શીશ.
(૫ધરી છંદ)
મંડળી સિંહનર એક નામ,
ઉંઘે છે એજ આલસ્ય ધામ;
લઈ કુંભકર્ણની નીદ્ર જાણિ,
સૂતો છે સોડ તે શ્રેષ્ટ તાણિ.
નહિ તો લિધેલ મુચકુંદ નીદ્ર,
પોઢ્યો પલંગ શુરવીર ઇંદ્ર;
દીસે હજૂરમાં ચોકિદાર,
સઉ ભૂપ શેઠ ને સાહુકાર.
તે સર્વનેજ નિજ ધામમાંહિ,
આલસ્યખાન રોકે છે ત્યાંહિ :
આડા છે વીર અજ્ઞાન વહેમ,
કરે મંડળીક જાગે ન જેમ.
તે મંડળીક છે શૂરવીર,
બહુ બુદ્ધિવંત વજ્જર શરીર :
જાગતો થાય એકે ઉપાય,
તો જરૂર હુંનરખાં જિતાય.
લે યંત્રખાને ઉપાડિ ત્યાંથિ,
કપિ જેમ વૈદ્યઘર લંકમાંથિ;
લડનાર લોકને દે ઇનામ,
તો ફરિ વસાય ઉદ્યમગ્રામ.
થાણાં થપાય વાળિ ચિન વિલાત,
જાણવા શત્રુ છળભેદ ઘાત;
હુનરનાં લાવિ હથિયાર ખેંચી,
વળિ દેશિ લોકને દેજ વેંચી.
વણ મંડળીક બ્રહ્માંડ મધ્ય,
નથિ હુંનર જોડ કરનાર જુદ્ધ;
જાગતાં વીર જો જશે કાળ,
કરશે દરીદ્ર હિંદુ વટાળ.
(દોહરો)
ભાષકનાં ભાષણ શુણી, કર્યા ઉપાયો ક્રોડ;
નર મંડળી જાગ્યો નહીં, સુતો તાણી સોડ.
(હરિગીત છંદ)
વડિ સોડ તાણી સુતો જાણી, નીદ્ર આણી નેણમાં,
તેને જગાવા ગલમચાવા, વિવિધ આવા વેણમાં;
ભુંગળ સમાને વર્તમાને, પત્ર કાને ઘૂઘવે,
ચોપાસ જ્યમ કે ઢોલ ઢમકે, વિર ન ચમકે ઊંઘવે.
ભાષક ઉચારે વારે વારે, જન પોકારે બહુ મળી,
ફિટકાર લાગે અંગ ભાગે, પણ ન જાગે મંડળી;
ચિહકાર વાણી વદે તાણી, ઉઠે જાણી એ થકી,
તોપો વછોડે કાન જોડે, નીદ્ર તોડે તે થકી.
ઉપાય ભારે કર્યા જ્યારે, પાસું ત્યારે ફેરવ્યું,
બોલ્યો ન વાણી જ્ઞાન આણી, મન ન જાણી મેળવ્યું;
ઉડી ગઈ જ આશા જોઈ તમાસા, ભણે ભાષા ભાષકો,
તે તપી તનમાં દેશિ જનમાં, ધારિ મનમાં ધાશકો.
(દોહરા)
જાગ જાગ ને જો હવે, મંડળીક મતિમાન;
લાવ લાવ તું લાગ લઈ, પકડી યંત્ર પ્રધાન.
(કવિત)
હુનર હજાર ફોજ પ્રેરી પરદેશી લોકે,
લીધો હિંદુ દેશ લુટી ખ્યાત થૈ ખરેખરી :
થાય ન ઉપાય કશો, લોક હાય હાય ગાય,
મનમાં મુઝાય વાત જોય નહીં ઉચરી;
પૈસાનો જ્યાંથી પેસાર બહુ થયાં બંધ દ્વાર,
આળસ અપાર અનુદ્યોગ હાથીએ કરી;
એજ ગજરાજ આજ કુંભ કાપવાને કાજ,
જોઈયે જરૂર હઠીસિંહ સિંહ કેસરી.
(પરિકરાલંકાર)
(દોહરા)
યંત્રખાનના દ્વારમાં, આળસ હસ્તી આજ;
કેસરિસિંહના સુત વિના, કોણ હણે ગજરાજ.
સુતો જગાડે મંડળીક, કરિ પૂરો પોકાર;
કર જોડી તેને કરું, વંદન હું બહુ વાર.



સ્રોત
- પુસ્તક : દલપત કાવ્ય - ભાગ ૨જો (પૃષ્ઠ ક્રમાંક 26)
- સર્જક : કવિ દલપતરામ
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1924
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ