indradhanu - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઈન્દ્રધનુ

indradhanu

સુંદરજી બેટાઈ સુંદરજી બેટાઈ
ઈન્દ્રધનુ
સુંદરજી બેટાઈ

(૧)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

આજે કઈં વાદળ વ્યોમ છાયાં,

તારા અને ઈન્દુ બધાં લપાયાં;

આજે પડી કારમી મેઘછાયા

મારે ઉરે; જ્યોતિ બધા ગ્રહાયા.

નિઃશ્વાસ જાણે અનિલે ઊઠન્તા;

જગાવતા અન્તરમાં નિસાસા;

ભેંકાર અંધાર ભરન્ત વિશ્વે

શૂન્યત્વની ગૂઢ વિષાદછાયા.

શૂન્યતાના વિતર્તે હું મૂઝાતો, લય પામતો;

ચમકી ઠરતા કોઈ દીપનો જ્યોતિ ભાળતો. ૧૦

(ર)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

કર્ણે પડે જ્યાં તુજ નામ ધીમે,

દેતો તજી પ્રેમલ સ્તન્યપાન;

હસી જરા પ્રસ્નવસિક્ત ઓષ્ઠે,

દેતો છુપાવી મુખ છેડલામાં;

નિહાળવાને અધરૌષ્ઠ ભીના ૧પ

દૂધે થકી, મેં સ્તનપાન રોધ્યાં;

હર્ષ —ઉન્માદતણી કથાને

સંભારતાં અશ્રુ ગરન્ત છાનાં.

સ્તનપાનથકી ભીના સૂકાયા ઓષ્ઠ ના હજી

ને તું તો કોણ જાણે કયાં ઊડિયો અમને તજી. ર૦

(3)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

પંપાળતી પ્રેમલ હસ્ત માતા,

ને ચાંપતી અંતર વ્હાલઘેલી;

ગુલાબ ચૂમી તુજ ગાલ કેરાં,

ક્હેતી, ‘લિયો, શો તમ સામું જોતો!’

બોલાવું હું ત્યાં ધરતો તું હાથ, રપ

પરંતુ આવે નહિ મારી પાસ;

મોં ફેરવીને દઢ માવડીને,

સાહી રહેતો હસીંને રડીને;

કદી કદી નમીને તું આવતા મુજ બાથમાં;

સંભારી સારવાં બિન્દુ માત્ર, બાલ, હવે રહ્યાં. 3૦

(૪)

(ઉપજાતિ—અનુષ્ટુપ્)

નિદ્રાઢળ્યાં કોમલ પોપચાંમાં,

બેટા, અમે કોમલ ભાવ પામ્યાં,

તેજે રમંતી તુજ આંખડીમાં

નિર્દોષતાનાં શુચિતેજ ભાળ્યાં.

કપોલ કેરી સ્મિતની સમૃદ્ધિ ૩પ

નિહાળતાં, કૈં થઈ હર્ષઘેલાં,

અનેક વેળા પ્રિય, પાન કીધાં

વાત્સલ્યઆંક્યાં મૃદુ ચુમ્બનોમાં.

છતાં ચે આજ ભાસે છે અચિન્ત્યો તુ ઊડી જતાં,

અનેક ચુમ્બનો જાણે અણચુમ્બ્યાં રહી ગયાં. ૪૦

(પ)

(ઉપજાતિ—અનુષ્ટુપ્)

રાત્રીતણે અંક રમન્ત ઈન્દુ

શીળું અમી કોમલ રેડતો હતો;

તું ગેલતો કોમલ માતખેાળે

પીયૂષ મારે ઉર ર્સીંચતો હતો.

ચાંદો નિહાળી કર કીધ ઊંચા, ૪પ

મીઠાં હસ્યો નિર્મલ હાસ, કેવાં

લળીલળીને તુજ માવડીએ

સપ્રેમ ચૂમ્યાં, અધિકાં વળી મે;

અનેક ચાંદની રાતે રમાડ્યો આમ કૈં અમે;

પરંતુ અણુખેલાવ્યા ખેલો રહી ગયા દિસે. પ૦

(૬)

(ઉપજાતિ—અનુષ્ટુપ્)

તુ ગેલતો એકલ પાલણામાં,

બ્હેની રહી ઊભી બારણામાં

હુલાવતી હાથ, હસી રમાડે;

તું પાલણે હસ્ત કૂંળા પસારે;

ઉછાળતો પાય કંઈ હુલાસે પપ

કિલ્લોલથી હર્ષ નવો જગાડે,

પરંતુ સૂનું તુજ પાલણું હવે

જોઈ બિચારી તુજ બ્હેનડી રડે;

નિગૂઢ અશ્રુસ્ત્રવણો અમારાં

હૈયાં વિશે કેમ રહે ધાર્યાં? ૬૦

આશ્વાસનો આશ્વાસે સ્નેહસંબન્ધીઓતણાં;

સંક્ષોભ અંતરે વાધે સૂનાં જોઈ ખેલણાં.

(૭ )

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

‘જા, બ્હેન, હીંચોળ; રડેછ ભાઈ!’

શબ્દ ઘૂમન્ત હજી હવામાં

ઉચ્ચારનારી તુજ માવડીને ૬પ

હૈયે ચઢે છે કઈ પ્રેમપ્હાના.

હા, તાત! તારાં અનિમિત્ત હાસ

વસ્યાં અમારે ઉર એક વાસ;

સર્વ ધારી અતિઘોર રૂપ

સ્વપ્નો વિશે કૈં દમતાં વિશેષ. ૭૦

વાણીને સાંપડયું મૌન, પ્રેમને શોક સાંપડયો;

રિદ્ધિ હર્ષતણી ખૂટી, જાતાં તું આમ બાલુડો.

(૮)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

બ્રહ્માંડમાં વ્યસ્ત પ્રભુપ્રભાને

અનેક નામે જન ઓળખાવે;

ઉદ્યાન મારે પ્રભુરશ્મિ ઊતર્યું, ૭પ

ને રશ્મિ રૂડું અભિધાન મેં કર્યું.

રશ્મિના ઈન્દ્રધનુષ્ય જેવા

અનેક રંગા વિમલપ્રભાભર્યાં;

ક્ષણેક્ષણે નૂતન દીપ્તિ ધારતા,

સૌન્દેર્યરેખા લખતા કંઈ ઊઠ્યા. ૮૦

પ્રગટ્યા દિવ્ય જે રંગો રશ્મિના આત્મરશ્મિના

વિલીન થયા પાછા શાશ્વત બ્રહ્મતેજમાં.

(૯)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

તેજનાં દર્શન દિવ્ય લેતી,

દીધી મને ના ક્યમ દિવ્ય દૃષ્ટિ?

અંધારમાંહે અટવાયલાંને ૮પ

વિલીનતા કેવળ શું વિનષ્ટિ ?

કો પીડતું અંતર પ્રશ્નભારે

સૂતેલ કે ચિન્તનને જગાડે;

ભાર ઉદ્ધાર વિશે નિરાશા,

જાગે દિલે, મોહતમિસ્ત્ર વાધે. ૯૦

દિવ્યં દદામિ તે ચક્ષુઃ આશામન્ત્ર સનાતન,

મારી દૃષ્ટિને એનું લાધે ના ક્યમ દર્શન?

(૧૦)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

ચૈતન્યના પ્રસ્નવ ગૂઢ જેના

વિશ્વને જીવનમાં રમાડે,

તે આઘમાતા શિશુ માહરાને ૯પ

નવીન ચૈતન્ય નહીં શું પાયે?

તારા ખર્ચે તેજતણો વિનાશ?

દીવા બૂઝ્યે જ્યોતિતણેા શું હાસ?

ઊર્મિ શમ્યે શું વિરમે વિલાસ?

સંગીતનો વાદ્ય જતાં શું નાશ? ૧૦૦

મૂઢત્વ મારું ભેદી ગૂઢતા કોણ દાખવે?

સૂક્ષ્મ કેરો રણત્કાર સ્થૂલમાં કો સાંભળે?

(૧૧)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

મે મૃત્યુઅંકે મુજ બાલસંગે,

સૂતેલ જોયાં શિશુઓ અસંખ્ય;

હું સાંભળું છું મુજ બાલચીસે, ૧૦પ

અનેક ચીસો જગબાલકોની.

ઊંડી અમારી ઉરવેદનામાં

છૂપી વ્યથા કૈં જગની જણાતી;

હું દાઝતો અંતરબાષ્પઝાળે,

અનેક દૂભ્યાં જનનીપિતાની. ૧૧૦

દંપતીવેલને મોઘાં કુસુમો દઈને પછી

ચૂંટી કોણુ જતું ગૂઢા મૃત્યુના નિજ હસ્તથી?

(૧ર)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

મોંઘાં હરાયાં શુચિ બાલપુષ્પો

જીવન્ત સૂક્ષ્મ સ્મૃતિસૌરભેથી,

જીવાડતાં કૈં જનનીપિતાને ૧૧પ

મૃત્યુ વિશે જીવનગૂઢ રીતથી.

કૈં કાલના ગહ્વરને ઉજાળે,

દિશાવકાશે નવતેજ પૂરે,

એવો અનેરો સ્મૃતિદીપ દૈવે

કૃપા કરી માનવચિત્ત ચૈતવ્યો; ૧ર૦

વિનાશમાં સર્જનતન્તુ સાચવ્યો

જન્મ, જીવન ને મૃત્યુ એકતન્તુત્વ પામતાં

વિશ્વના આદિથી નિત્યે વૈવિધ્યે વિલસી રહ્યાં.

(૧૭)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

વિલાસ અદ્ભુત આદિશક્તિનો

અનન્તમાં ગૂઢ સદાય વિસ્તર્યો; ૧રપ

સામર્થ્યનો કાલનિયન્ત્રણાના

સાક્ષી સદાયે મનુબાલને કર્યો.

વિશ્વના સર્જનશ્રેણિબન્ધે

છે માનવી ચિત્ત એક દીવો,

પેટાવિયો અદીઠ હાથે ૧૩૦

અંધાર જેણે જગમાંહિ ઘેર્યોં.

બીડેલાં માનવી ચક્ષુ તિમિરે ભય ધારતાં,

મૃત્યુના અંજને પાછાં નવલાં તેજ પામતાં.

(૧૪)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

તે રશ્મિ અર્પી લઈ પાછું લીધું,

ને ચિત્ત મારું તમઘેરું કીધું; ૧૩પ

પુનઃ પિતા! દિવ્ય કૃપાનું રશ્મિ

દીનાત્મને પ્રેરી પ્રસન્ન કીધો.

પિતા પ્રસન્નાત્મ તું વિશ્વતન્ત્રનો

એકાધિકારે દૃઢ સર્વ ધારતો;

જેનો પિતા હું ક્ષણવાર નીરમ્યો ૧૪૦

તેનો પિતા તું ચિરકાલનો ખરો.

શોકમૌન સરે મારાં, ચિત્તસંક્ષોભ ઓસરે,

બાલદેહે હતુ બાંધ્યું વિરાટે કઈં સાંપડે.

(૧પ)

(વસંતતિલકા-અનુષ્ટુપ્)

માધુર્ય બાલમુખનું શશિમાં નિહાળું,

ને તારકે વિરલ શિશુનેત્રે ભાળું. 145

કિલકિલાટ જગબાલકના સુહાસે

વિસ્તીર્ણરૂપ બનિયો શ્રવણે હું ધારું.

એનું વિકસવું કુસુમે વિકાસે

તે જોઇ અંતર હવે મુજ મૂક રાચે;

પ્રાતઃસમે વિપુલ રંગસમૃદ્ધિ રેલે ૧પ૦

વ્યોમે,ત્યહીં શિશુની હર્ષસમૃદ્ધિ પામું.

મૃત્યુના હસ્તથી બાલ રેલાયો વિશ્વમાં દિસે,

અદૃશ્ય થઈને પાછા નવરૂપ ધરી રમે.

(૧૬)

(ઉપજાતિ-અનુષ્ટુપ્)

રૂપના નિત્યનવીન રશ્મિને,

નવીન આંખે, પ્રભુદીધ શાન્તિથી, ૧પપ

જોવા મથુ. હું, થયું ઓતપ્રોત

વિશ્વની એક અનસ્ત જ્યેાતમાં,

સમસ્તમાં વ્યસ્ત, સમસ્ત વ્યસ્તમાં,

અદૃષ્ટમાં દૃષ્ટ, અદ્રષ્ટ દૃષ્ટમાં,

રશ્મિત્વ જોવા મથું ઇન્દ્રચાપમાં, ૧૬૦

ને રશ્મિમાં મેઘધનુષ્ય ન્યાળવા.

‘दिव्य ददामि ते चक्षु:’ મંત્ર દિવ્ય સનાતન,

શોકસંતપ્ત દૃષ્ટિનુ અમોલું એક અંજન.

સ્રોત

  • પુસ્તક : ઇન્દ્રધનુ (પૃષ્ઠ ક્રમાંક 117)
  • સર્જક : સુંદરજી ગો. બેટાઈ
  • પ્રકાશક : આર. આર. શેઠ કંપની
  • વર્ષ : 1939