helo - Dirgh Kavya | RekhtaGujarati

રણુજાના રાજા

અજમલજીના બેટા

વીરમદેવના વીરા

રાણી નેતલના ભરથાર

મારો હેલો સાંભળો હો... હો... જી...

સાંભળો છો?

સાંભળો છો મારો હેલો?

હેલ્લો...

રણુજાના રાજા સાંભળો છો મારો હેલો?

હેલ્લો... હેલ્લો...

પોખરણના કિલ્લામાંથી રણની છાતીનો ધબકાર નહીં

સાંભળ્યો’તો તે ધડાકો?

આટલાંટિક ઓળંગી ધડાકો સાંભળ્યો'તો બિગ બ્રધરે

આંગળાં કાનમાં ઘાલ્યાં કે મોંમાં ખબર નંઈ

તેં સાંભળ્યો’તો કે નંઈ?

રણુજાના રાજા સાંભળ્યો'તો ધડાકો?

કાન તો શું દિશાના પડતા ચડડ્ ચીરી નાખે એવો ધડાકો?

એમાં શું કાન આંધળા થઈ ગ્યા?

કાંઈ વાંધો નંઈ

હવે તો શાંતિ શાંતિ હશે રણુજાના રાજા

એમ કે’ને કે સુવાણ સુવાણ, હેંને

કેમ જબાબ નથ દેતો

લાવ્ય માતાજીને બરકું

મા મેલડી, મા શિકોતર, દશામા, સંતોષીમા, વરૂડી ને ચરૂડી

ચોટિલે ચડી ચામુંડા, ઘોડો ખૂંદતી રાંદલ, ચાચર ચોકમાં ગરબે ઘૂમતી મા અંબા

બંગવંગને ગાંડી કરતી મા દુર્ગા, કામરૂ દેશની મા કામાખ્યા;

આશા પૂરનારી મા આશાપુરા

મા લખમી, પારવતી, સરસતી

મા કનકાઈ કુષ્માંડા ચંદ્રઘંટા, વિંધ્યવાસિની, સપ્તશૃંગીમા, મા ભુવનેશ્વરી,

ત્રિપુરસુંદરી કન્યાકુમારીમા

મા શેરોવાલી

કાલી કલકત્તવાલી

દેખ, દેખ, તેરા વચન જાય ખાલી.

ખાલી ખાલી.

તારી મુંડમાલામાં શોભે તેવા ચંડમુંડ તો ચડે ઊતરે છે પગથિયાં

સભાગારના સિંહાસનના

ગભારાના દીવા આરતીથી અંધારાં ના ફેડાય મા

અંધારાના તો રાફડા ફાઈટા રાફડા

ભોં પર ભોરિંગ જણે છે ઓઘરાળા અંધારાં

એમ ગભારાના દીવા આરતીથી અંધારાં ના ફેડાય મા!

વચન આપ, પ્રવચન નહીં મેરી મા

મા મેરી

મને આમ રોતો રવડતો નિહાળે બેહાડીને ક્યાં ગઈ તું

મા મેરી?

અંધારામાં અખશર એકેય નથી ઊકલતો મા

કખગ

એબીસી

અલિફ બે તે

કે ખર ખર ખરતો ઢાઈ અખ્ખર

એક્કેય કરતાં એકેય અખ્ખર નથી ઊકલતો મા,

મારા બાપ

લાકડા આડા ફાડી

ઊભા જોડી ખોરડે ક્રોસ કીધો મેં તારો

તો માળા માઇકલે ગુંબજ ચડાઈવો સેંટપીટર પર

પછી ક્યાં ગ્યો તું?

ક્બરમાંથી એક વાર બારો નીકળતો ભાઈળો’તો. તી’પછી?

કોઈ રાહ જુવે છે તારા સેકન્ડ કમિંગની.

સેકન્ડ કમિંગ! જો આમ ઠૉળ કરી ધગાવ મા મને કઈ દઉં છું તને.

સેકન્ડ કમિંગની ક્યાં દે'શ

પહેલવારૂકુ તો આવ મારા દેશમાં.

હવે નથી લીંપણે આળખેલ માંડણા

બતાવું તને ગુની ઢગલી ચીતરેલ આંગણાં.

શુકનવંતા સાથિયે તો આંગણામાંથી ઊડી સ્વસ્તિક થઈ કાળો કે’ર

વરતાવ્યો કાળો કે’ર

ક્રોડ ક્રોડ થર થર ધરુઈજા, ફૂંકાયા ગૂંગળાયા ને ધરબાયા

તે મનેખ કે જીવાત?

એનાથી હજી જીવાત હો.

પસે તો સંકેલાઈ ગ્યો સાથિયો

સંકેલાઈ ગ્યા દાતઈડું ને હથોડો,

હવે તો અવનવા એકાવન તારલાવાળી ધજા ધસમસે છે દળકટક લઈ

આખરે તો ઇયે ધજા નંઈ?

સંકેલાઈ જાશે કો'ક દી

એવી ધાવણી ધરપત તો આપ

મારા બાપ.

વળી કોણ બોઈલું કે

યુ આર કમિંગ!

રોમિંગ ફ્રી હૈ ક્યા?

ઇન્કમિંગ ફ્રી હૈ તો ફિર ઑફ કરકે કાયકુ બૈઠેલા હૈ

હૈ

મૂડ તેરા ઑફ હૈ ક્યા?

બાતાં સુનતા હૈ સબકી પર જવાબ નહીં દેતા

તેરે ખજાને સે કુછ ખર્ચ કર

રિચાર્જ કરા લે, ક્યા મૈં કરા દૂ?

પર બાતાં તો કર

કુછ નહીં ચાહિયે, સિર્ફ બાતાં કર

બસ બાતાં, ઈધર ઉધરકી બાતાં.

બોલ આજકલ ક્યા કર રઈલા હૈ તું? ફક્કડ કો ફિકર કાઈ

ક્યું ધુમક્કડ ઘૂમતા હી હોગા ક્યું? કહાં હૈ તૂ?

આર્ક્ટિક મેં તો નહીં હોગા

બહોત ઠંડ પડતી હૈ ઉધર, તેરેકુ ઉધર જમેગા નૈં - જમેગા તો બરફ

આજકલ કૌનસે સમદરમેં ચાતુર્માસ હૈ તેરા?

હિંદસાગરમેં તો બૌત રૈઈલિયા, તો ફિર આટલાંટિક યા પાસિફિક?

કૈસી હૈ લખમી મૈયા? ઔર હાં શેષનાગ તો મજે મેં હૈ?

બમબમ ભોલે

આનંદમંગલ તો હૈ હિમાલયમે? ક્યા કર રેલા હૈ તેરા ગણ?

દેખ, યહાં તો તલવાર તાન દી ગઈ હૈ ગણ ઔર રાજ્ય કે બીચ,

ઔર તેરા ચાતુર્માસ તો ખતમ હોને કા નામ હી નહીં લેતા.

તું એક બાર તો આ! એક બાર આયેગા તો તું ફસ જાયેગા

ફસ જાયેગા હમમેં

જૈસે હમ ફસે તુજમેં.

હવે

કોઈને મારવા તારવાનો અવતાર ઓતાર છોડી દે -

કાંઈ કામ નથી આપણે, ઘડી’ક બેહ મારી પાહે

આવ,

નરવો થઈ જા સાવ.

ઉપરથી ઊતર નહીં - ઉપરથી ઊતરે ચડી જાય ઉપર જેમ

અંધારાં કે અજવાળાં

પણ તું અહીંયાં ઊગ

ઊગ ખરખોડી કારેલી ચમેલી સાગ સાજડ કીડી મંકોડી માંકડા મનેખની જેમ

ચડે તોય અંઈયાં

પડે તોય અંઈયા.

પે’લા ઊગ

પછી ઊડવા જેવું લાગે તો ઊંડ

ને બૂડવા જેવું લાગે તો બૂડ.

તારી શરમના સમ ભલે ઝોકાર અજવાળે નો’ આવ

તો અંધારપછેડો ઓઢી આવ, પણ આવ.

વળી કોઈ કાગારોળ મચાવે છે કે

ક્યારે આવશે કલ્કિ

ક્યારે આવશે કલ્કિ

લીલા ઘોડા પર સવારીનો મોહ છોડી દે નકળંક

પગપાળા આવી જા.

હાલતા શીખ

પહેલાં ભાખડભડિયા હાલ

પછી પડી આખડી ઊભો થા

હાલ

હાલ હાલ મારા વા'લા હાલ

ગાઉ જોજનનો પંથ નથી મારા કહેવાતા કંથ

હું તો જો અડધા રસ્તે ઊભો

આવ

હવે તો તું આવ.

કલ્કિ

કલ્કિ

છોડો કલકી બાતેં કલકી બાત પુરાની.

આજ ક્યા બાત હો રહેલી હૈ તેરુકુ પતા હૈ?

લોગાં બાત કરે કિ ઘડાભર ગિયેલા હૈ

અબ આનેવાલા હી હૈ.

શ્રીફલ બહોત લિયા, મેરી માન, અબ સુપારી લે

મેંગલોરી સેવરધન માંગરોળી સુપારી નહીં

સુપારી.

સમજ ગયા ?

સુ...પા...રી.

ભડ ભડ ભડકાથી અમે ભાગ્યા,

ભાગ્યા કાળમુખે અંધારે.

ચમક્યા ગોરંભા ગગડાટે

ચમક્યા વીજળીને ચમકારે.

ચમકારે કોઈ પરોવી ગ્યું તને

ને ફટકિયો વીંધાઈ ગ્યો હું.

હતો તું ડુંગરદેવ, પવનદેવ અગનદેવ

હતી તું ડૂંડામાં કણકણ ભરતી કનસરી દેવી વનદેવી જળદેવી

તેનો તે વસ્તાર બધો વધાઈરો બધે બધ બધે બધ

- ઓલિમ્પસ પર, એન્ડીઝ પર કે કૈલાસ પર ખેતરમાં ખોરડામાં?

જો બથાવી બથાવીને ફઈરા કરતા અમે

તને ઉથલાવી અમે આવી અમે આવી પૂગ્યા ત્યાં તારા થાનકે

ખેતરપાળના ખેતર ગ્યા

કુળદેવીના કુળ ગ્યા

મલ્લામાના મહોલ્લા ગ્યા

ભાગ ભાગ

જેવા અમારા ભાગ.

તું અહીંથી ભાગ,

હવે જો ઢેર ઢેર ખંડેર

ખોરડાં ને ખેતર

ઓલિમ્પસ, મેમ્ફીસ ને માચુપિચુ

સમજમેં આયા કિછુ કિછુ?

જેતવન અશોકવનમાં તમે તથાગત અમને ક્યાંય જઈડા નંઈ

સોવિયેત જેવા સોવિયેતસંઘનો સંઘ કાશીએ પોંચ્યો નંઈ

રાતીબંબોળ, લીલી, કેસરી ધજાયુંમાં ધરમની ધોળી ધજા ક્યાંય ફરૂકી નંઈ

તો બોલ અમે કોના શરણે જંઈ?

લે ક્યાં ઊડી ગ્યો તું?

ઊડીઊડીને ક્યાંય જઈશ તું?

આકાશમાં?

ત્યાં તો હડફેટે આવશે તને દેશદેશના ભમતા ભમરડાનો ભંગાર

ને પડીશ તો પાવળું પાણીય નંઈ માગે.

માગીશ તો પકડાવી દઈશ પાણીનું પોચું પોચું પડીકું

પવને’ય બંધાયો હશે પડીકે, સમજ પડી કે?

તું તો ફિશિયારી મારતો તો ને

એકાકી રમતે

ને હવે ‘હું નથ રમતો' કહી ભરાવા બેઠો દરમાં?

રમતે ચડ

મમત છોડ

મેં કીધું ને, બસ, એમ વાત કર.

બાતાં તો કર બસ બાતાં...

બાતાં કરતે કરતે દેખ મૈં તો થક ગયા

પર થકા હું, હારા નહીં હૂં

ઔર મરા ભી નહીં.

ક્યા સમજા તું?

સમજા કુછ? સચ બતાં. સમજા કુછ?

ખલક ખુદા કા

હુકમ બાદશાં કા

તો મેરા ક્યા? બોલ મેરા ક્યા?

અબ બચા ભી ક્યા?

ક્યા મેરા ક્યા તેરા?

કોઈ વાંધા નંઈ

અપન દોનો તો હૈ.

બાતાં કર. સુકુન મિલતા હૈ બૌત

બાતાં કર

બસ બાતાં

રણુજારા રાજા કભી મૈં ભી તો સુણુ તુમરા હેલો.

હેલ્લો

હેલ્લો.

કહું છું કે

વાત કર તો કાંઈ નંઈ

વાત સાંભળે તો છે ને રણુજાના રાજા?

હેલ્લો

હેલ્લો

હેલ્લો હેલ્લો... હેલ્લો...

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા: યજ્ઞેશ દવે (પૃષ્ઠ ક્રમાંક 69)
  • સર્જક : યજ્ઞેશ દવે
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2020