khanDawadhan - Dirgh Kavya | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખાંડવદહન

khanDawadhan

રાજેશ પંડ્યા રાજેશ પંડ્યા
ખાંડવદહન
રાજેશ પંડ્યા

પ્રથમ સમરીએ પૃથ્વીમાતને અમે મનુજસંતાન

પ્રાણીમાત્ર પ્રત્યે કરુણાનું આપો તમે વરદાન.

પછી સમરીએ હંસવાહિની માતા હે સરસ્વતી

આદિથી તે અંત લગ રેજો નિર્મળ વાણી ગતિ.

જળ મધ્યે જન્મીને કવિએ કહી જે અગ્નિકથા

યથા મતિ વિસ્તારું પદ પદ પ્રગટે નૂતન પ્રથા.

*

વૈશમપાયન એણી પેર બોલ્યા સુણ જનમેજયરાય

સાંભળ, આજ તને સંભળાવું ખાંડવદહન કથાય.

કર્યો જે સર્પયજ્ઞ તે એનો તણખો ત્યાં

ફરી પાછો ભડકે ભભૂકે જરી રાખ ખંખેરો જ્યાં.

લબક લબક લબકારા ઊંચે વધુ ઊંચે જઈ ઊછળે

પવન ગૂંચવે અગન એટલે વળ પર વળ વળે ગૂંચળે.

એમ સરક સરકતાં સાપોલિયાંનાં ઇંધણ ભડભડ થિયાં

વીણી વીણી ઓર્યાં અગનિમાં, ભડકા આભે ગિયા.

ગ્રહનક્ષત્રતારાથી ટપક્યાં ટપ ટપ ઊનાં મીણ

દિનકર તેજહીન થયો ને ચંદ્ર કળાથી ક્ષીણ.

ચહુદિશ કાળાડિબાંગ વાદળ ધૂળધુમાડે રચાય

એની તને સંભળાવું રાજન પૂર્વજ કર્મ કથાય.

તું સુણ જનમેજયરાય

*

પુરાકાળ પૃથ્વીના પટ પર વિલસે વિધવિધ વંન

એક એક - પે અધિકાં ફેલ્યાં જોજનનાં જોજંન.

દંડક અને નૈમિષ નામજોગ છે અરણ્ય મહાન

એમાં તપસી તપ તપે ને વેદ વદે વિદ્વાન.

સુંદરવન છે સદા સોહામણું વળી વૃંદાવન વિખ્યાત

કામકેલિની માટે છે તે કામિક વન રળિયાત.

નિધુવનમાં નિત સુગંધ છલકે જે મન નાખે મથી

ચંપકવન જેવાં બીજાં વન રૂડાંરૂપાળાં નથી.

કોઈ કોઈ વન છે મહાભયાનક કોઈ વન છે વિકરાળ

કોઈ વનનો વિસ્તાર વધતો જાય તરત તત્કાળ.

સૌ વનમાં એક વન વસમું ખાંડવવન કહેવાય

તે વન કઈ પેર વસ્યું હવે તેની કહું છું કથાય

તું સાંભળ જનમેજયરાય.

-

એક વાર આકાશપારથી તરસ્યાં પંખી આવ્યાં

ખળખળ પાણી પીધાં અહીં, મુકામ ભલા મન ભાવ્યા

પછી પંખી પાંખે ખરી પરાગરજ જઈ હવામાં ભળી

જાતભાતનાં બીજસમેતે ચરક માટીમાં મળી.

થવાકાળ તે ભરચોમાસે ઊગી નીકળ્યાં બી

જોતજોતાંમાં લીલોછમ વિસ્તાર વધ્યો છે જી.

એક સવારે માટી હડસેલી ફટ્ ફૂટ્યાં તૃણાંકુર

બપોર થતાંમાં એક પછી એક ઝાડ બન્યાં ઘેઘૂર.

કોઈને લીલાં પાન કોઈને છે અણિયાળા કાંટા

કોઈની તીરખી તડાક્ તોડતા ઊડે રંગના છાંટા.

કોઈ વેલીની સુગંધ લોહીમાં જગવે મીઠી ટીસ

તો, કોઈ પર ફળનાં ઝૂમખાં લૂમેઝૂમે દસવીસ.

લજામણીની જેમ કોઈ કોઈ હાથ અડે સકુચાય

તો, કોઈ કોઈ ઝાડ અડતાંવેંત ફેલાતાં જાય.

તું સુણ જનમેજયરાય.

*

મહુડે મધુમક્ષિકા વસે ને પિપીલિકા પીપળપાન

વડલે વડવાગોળ ધરે છે ઊંધે મસ્તક ધ્યાન.

જરીક સંચળ થતાં હવામાં દોડી જાય ખિસકોલી

શું ઝાડને થાતું કેવળ જાણે હોલો ને હોલી.

સાંજ પડે કે હિલ્લોળાવા લાગે લીલી નાઘેર

એમ લાગે કે લીલો દરિયો ફરી વળ્યો ચોફેર.

રાત પડે ને ઘૂસી આવે બિહામણા અંધાર

પેટ ઘસી ચુપચાપ ચાલતા અજગર ભારોભાર.

નકશીકામ કંસારી કરતી માઝમરાતવરત

ઝીણે દોરે ટાંકે તમરાં ત્રમ ત્રમ તીણું ભરત.

એરુ ઝાંઝરું વીંછી પૈડકાં સળક સળક સળકાય

કાજળકાળું અંધારું દંશે દંશ ઘેરું ઘુંટાય.

તું સાંભળ જનમેજયરાય.

-

કોઈ આગિયો ટમકે, તારા જેમ જરી, પળવાર

ફરીને પાછો જંગલજંગલ ઘેરી વળે અંધાર.

રાની પશુની આંખ જેટલી વાર ચમુકે વીજ

બધે એટલી વાર જંગલ જણાય ભયંકર ચીજ.

પછી મંગલ પરભાત થતાંમાં રોજિંદો વહેવાર

જંગલમાં જીવવાનો ચાલે જીવલેણ કારોભાર.

સળવળ સળવળ ઘાસ વચ્ચેથી સસલું દોડી જાય

વાઘ-સિંહની ત્રાડે હરણાં ઝાડીમાં સંતાય.

એમ એક - બે ટંક મોતને જરીક આછું ઠેલે

ભૂખ્યું પેટ તે કાળ કોળિયો કેમ પાછો હડસેલે.

કાં તરાપ કાં પંજે ઝડપે ને કાં દાઢ દબાવે

જોતાવેંત ભયભીત પંખીડાં ઘોર કકલાણ મચાવે.

બૂમરાણ બહુવિધ મચે ત્યાં નાસાભાગી થાય

જ્યાં જ્યાં ઓથ મળે ત્યાં ઊંચક જીવે જીવ લપાય

તું જો જનમેજયરાય.

-

ધ્રૂજે થરથર ઝાડ પાંદડાં મૂળસોંસરાં ફ્ફડે

અરધા જંગલમાં સન્નાટો સનનન સનનન રખડે.

બાકી અડધે જંગલ શું થાતું તે પણ રાખો જોઈ

ડાબાજમણી આંખોમાં બંને સાચવજો સહુ કોઈ.

પણે જુઓ વળ ખાતાં ઢાળે રચાઈ નમણી કેડી

પરોઢના ધુમ્મસમાં જે તડકાએ લીધી તેડી.

પાંચ-સાત ઝાકળ ટીપાંને ઝીલે શીમળાફૂલ

એનું મીઠું મધ પી-પીને ભમે રમે ચંડૂલ.

સક્કરખોરનું સાકર જીવન રંગે રસબસ નીતરે

ઝબાક ઝબોળી ચાંચ હવામાં રંગોળીઓ ચીતરે.

ૠતુ લતા અઢળક ફળ આપે ને પાણી આપે નદી

કોટાનકોટિ જીવજંતને ખોટ પડશે કદી.

મેના મીઠાં ગીત ગાય ને ઝીણા બોલે મોર

સાત સૂરે સારીગમ છેડે નભ પંખી ઝીંગોર.

સાસા રેરે ગગ મમ પપ ની સાસા

સા ની રે સા જીવનમરણની ભાસા.

જે ગાએ તે ગીત બને ને જે નાચે તે તાલ.

જે જુએ તે જોનારાને થાતું અમથું વ્હાલ.

તાલસૂરમય આખું જંગલ ઓચ્છવ માણે કાંઈ

એકબીજાને ખપજોગું જે જીવી જાણે ભાઈ.

તું સમજ જનમેજયરાય!

*

એક પ્રાણી આધારે અહીંયાં જીવે બીજાં પ્રાણી

સૌ પ્રાણી આધારે જંગલ ટકી રહ્યું, લો જાણી.

વન વાઘ રક્ષે, એમ વાઘ કરે વનનુંયે રક્ષણ

કોઈ બ્હારનું આવે તો પળમાં તરત કરી લે ભક્ષણ.

વાઘવરુસિંહચિત્તા ત્રાડે માણસ આઘા રહે

જંગલ એથી રહ્યું સલામત કોઈ આવવા ચહે.

જન્મજન્માંતર ભૂલા પડીએ એવું ઘેઘૂર વન

એમ અડાબીડ ફૂલ્યું-ફાલ્યું જેમ માનવનાં મન.

માનવમનની વાત ભલા ક્યાં કદી કોઈએ જાણી

એને મન તો પૃથ્વી આખ્ખી મનગમતી ઉજાણી.

પૃથ્વી જીતી ઉજાણી કરવા અહીં આવ્યા બે રાજકુમાર

ભર્યુંભાદર્યું ખાંડવવન જોઈ એને આવ્યો એક વિચાર.

જંગલને થાનક રચીએ વિશાળ પાટનગર જો

નવખંડમાંહી નામ રહેશે યાવદ્ચંદ્રદિવાકર તો.

વિચારે હરખી બંને કરવા લાગ્યા ઉપાય

કંઈ પેરે આભ અડાબીડ જંગલ કાપ્યું જાય?

સાંભળે છે જનમેજયરાય?

-

નજીકના જનપદવાસીઓને પૂછ્યું મદદ માટે

જંગલ કાપો તો થોડી જમીન દઈશું સાટે.

ઘણાખરાએ ના પાડી પણ થોડા થયા તિયાર

સવાર પડતાંવેંત જંગલે પહોંચ્યા લઈ હથિયાર.

ઘચ્ચ ઝાડે ઝીંક્યો કુહાડો ત્યાં સિંહે પાડી ત્રાડ

મોત ભાળીને ઊભી પૂંછડીએ ભાગ્યા, નાખી રાડ.

પછી દૂર-દૂર રણપ્રદેશથી બોલાવી મજૂરટોળી

જેણે કદી જંગલ જોયું હો એવી ભોળી.

જે જાણે ઝાડપાન કે જાણે લીલો રંગ

કાપી જાણે જંગલને લડે લોહિયાળ જંગ.

તલવાર ભાલાં તજી હાથમાં લીધાં કુહાડા કરવત

મસ્તક વાઢે એમ ઝાડથી વાઢી નાખ્યા પરવત.

સાંજ સુધીમાં ઢાળી દીધી આખી પહેલી હરોળ

ત્રાહી ત્રાહી વનમાં વરતે બુમારણ કાગારોળ.

સાત દિવસે સાત વારની જમીન ખુલ્લી થઈ

જંગલના સૌ જીવજંતની ચિંતા વધતી ગઈ.

સૌ પ્રાણી પાછાં પગલે વનમાં ઊંડે સુધી ચાલ્યાં

બાજુ વન વાઢનારના હાથ રહે ઝાલ્યા.

એક આખ્ખો મહિનો આવો કાળો કેર વરતાય

પછી રાજકુમારને ફેરવિચાર મનમાં થાય.

સાંભળ જનમેજયરાય.

-

રીતે તો વન વાઢતાં વરસોનાં વરસો લાગે

વાઢ્યાં કરતાં વશેકું જો બાળી નાખો આગે.

વિચારતણખો ચંપાયો, મનસૂબે મૂક્યો પલીતો

ત્યાં ચડપ દઈ લપકારા કૂદ્યા જેમ કૂદે વનમાં ચિત્તો.

એક ડાળથી બીજી ડાળે એક ઝાડથી બીજે ઝાડ

જોતજોતાંમાં અગનજવાળા ઊંચે ચડી ગઈ પહાડ.

પ્રથમ સળગ્યાં સાંઠીકડાં, પછી સળગ્યાં લીલાં પાન

પછી સળગ્યાં ડાળડાંખળાં, પછી સળગ્યાં મૂળસંધાન.

સાગ સીસમ સીમળા સંધેરાના બરુંણ બરુંણ અવાજે

છેડાથી પેલા છેડા લગ આખું જંગલ ગાજે.

વડલાની વડવાયું સળગી ભડભડ સળગ્યા માળા

હવે તો આભે ઊડી જાવ તમે પંખી પાંખોવાળાં.

છતાં ઊડે નહીં એક્કે પંખી એક સાથે સળગી જાય

જીવ્યા મર્યાનાં જુહાર એથી અદકા કયા કહેવાય.

તું જો જનમેજયરાય.

-

કીડી મંકોડા ધાણીની જેમ ફૂટે તડ તડ તડાક્

ચારેકોર તડતડાટ ફેલાતો જાતો જડબેસલાક.

વન વચાળે તળાવડીનાં ઊકળે ખળભળ નીર

જળચર આકળવિકળ એનાં સડસડ બળે શરીર.

બફાઈ જાય માછલીઓ ઝીંગા અને કાચબા જળમાં

ઊછળી કાંઠે પડે તો પક્ષી ભક્ષ કરી લે પળમાં.

વળતી પળ તો એય આગમાં જાતાં પછી શેકાઈ

જીવ સાટે જીવ ખોઈ નાખે લાલચમાં લપેટાઈ

હસ્તિજૂથ તો ભરી સૂંઢમાં પાણી, ધધૂડા કરે

આગ હોલવવાને ચકલીઓ ચંચૂ ચંચૂ ભરે.

ખિસકોલીયે ધૂળ ડિલ પર લઈ લઈને ખંખેરે

સાપ ફેણથી કરે ફૂંફાડા ફૂં ફૂં ફૂં ફૂંફેરે.

બધાં આગ હોલવવા માગે પણ ઝાઝું ચાલે જોર

સાવ ભોળિયાં વનનાં પ્રાણી ને સામે આગ કઠોર.

ઝીક કેટલી ઝીલે છેવટ થાકી હારી જાય

વારાફરતી પડે હુતાશે યાહોમ હોમ હોમાય.

જુએ છે જનમેજયરાય.

-

કોઈ જનાવર કરે દાંતિયાં ઊછળે આગની સામા

ગોળગોળ પૂંછડાં ફેરવતાં વ્યર્થ કરે ઉધામા.

બળતે પગ વનચર દોડતાં ઝાલે અગ્નિદેવ

જે તે દેવને વાહન મુજબ બલિ પહોંચે તતખેવ.

એક જનેતાને સ્નેહવશ બચોળિયાં વળગે છે

નર-માદા ભયભીત થઈને જોડાજોડ સળગે છે.

આવી જીવદશા જોઈને કરુણા થઈ આકાશ

અશ્રુધારે વાદળ વરસ્યાં ઘડી બે ઘડી હાશ.

ખોબા જેટલી જમીન ભીંજાણી, ચપટી આગ ઓલાણી

પછી જ્વાળ અડતાંમાં તરત બાષ્પ થઈ ગયું પાણી.

જે વન ખેંચી લાવે ધરતી પર અજસ્ત્ર જલધારાય

આજ બુજાવી શકે નહિ વનમાં આગ જરાય

આવું છે જનમેજયરાય.

-

બળતાં કીટપતંગ હવામાં રચે અનેક આકાર

અગનતિખારા પવનપાવડી ચડી બને લપકાર.

લપકારે લપકારે અગ્નિ નૃત્ય કરે વનખાંડવ

પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે સ્વયમેવ અગ્નિતાંડવ

સ્વાહા સ્વાહા ચિત્કારોથી ભરાય મેઘાડમ્બર

ચોસઠ જોગણી રાસ રમે, મહાકાલ ભરે છે ખપ્પર.

ચાર છેડે ખાંડવવન આખ્ખું થયું વિશાળ સમશાન.

જીવનને અંતે સમજાયું મૃત્યુ સત્ય છે મહાન.

અગ્નિજિહ્વા ચૂસીચાટીને સઘળે સર્વસ્વ ભક્ષ કરે

ભસ્મીભૂત થઈ જાય ચરાચર વ્યાપ્ત વિનાશક મૃત્યુ ફરે.

એક અગ્નિપુરાણ રચાયું, બીજું તે લંકાદહન

એવું ત્રીજું આજે જુઓ નજરે ખાંડવવન.

હજી યાદ છે લાક્ષાગૃહની ભીષણ કરાલરાત્રિ

અગ્નિપથ પર ડગ માંડતાં ચાલ્યા જીવનયાત્રી.

તેમ છતાંયે કશો ગ્રહ્યો નહીં કાવતરાથી બોધ

કે ખાતું સરભર કરવાને માટે પ્રતિશોધ?

મોતના કુંડાળામાં બે જણ માત્ર બચ્યા છે

એણે વસાવ્યું નગર અહીંયાં સુંદીર ભોવીન રચ્યાં છે.

જ્યાં ખાંડવવન લહેરાતું ત્યાં હવે કાચના મહેલ રે

હાંડી ઝુમ્મર તકતા રેલે રંગની રેલમછેલ રે.

સુખસાહ્યબી અપાર એમાં જે જોયે તે માંગે જી

એની આગળ ઇન્દ્રપ્રસ્થ પણ સાવ ઝાંખું લાગે જી.

એવી મરણટીંબે સરજાવી જાદુઈ મયસભા રે જી

કથીરના કટકે વીંટાળી નિપજાવી કંચનપ્રભા રે જી.

જેને કારણ દ્યૂત રમાય ને નારીવસ્ત્ર ખેંચાય જી રે

અઢાર અક્ષૌહિણી છેવટ કાળનો કોળિયો થાય જી રે.

જાણે છે જનમેજયરાય જી રે.

*

પહેલાં જંગલ કાપો બાળો પછી રચાવો શહેર લોલ

પહેલેથી એવા વરતે માણસજાત કાળા કહેર લોલ.

હજીય નગર રચવાને માટે કરે ચતુરાઈ અહો

હજીય રાતદિન ઓછી થાતી જાય બધે વનરાઈ અહો.

હવે નગરની ચારે બાજુ ફળફળતું રણ હશે રે હો

ત્યારે ખાંડવવનનો અગનિ અદકો દાહક થશે રે હો,

ત્યારે ખાંડવવનનો અગિન અદકો દાહક થશે રે હો.

*

ગાઈ શીખે સુણે સાંભળે ને મરમ ગ્રહી લે મન

ધન નર-નાર ગુજરાતનાં કહે કર જોડી કવિજન.

(રચનાસમય : પ-૪-૧૮થી ૧૦-૪-૧૮)

સ્રોત

  • પુસ્તક : સમીપે (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સંપાદક : શિરિષ પંચાલ, જયદેવ શુક્લ, બકુલ ટેલર